વિશ્ર્વબજારના મિશ્ર વલણ સાથે પ્રોફિટ બુકિંગને કારણે સેન્સેક્સ અને નિફ્ટી નેગેટિવ ઝોનમાં લપસ્યા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારના મિશ્ર વલણ વચ્ચે સ્થાનિક સ્તરે ઓટો તથા બેન્ક શેરોની આગેવાનીમાં પ્રોફિટ બુકિંગ ચાલુ રહેતા સતત બીજા દિવસે માર્કેટ નેગેટીવ ઝોનમાં વધુ નીચે સરક્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી ૧૮.૬૫ પોઈન્ટ્સ અથવા ૦.૦૮ ટકા ઘટીને ૨૨,૪૩૪.૬૫ પોઇન્ટ પર, જ્યારે સેન્સેક્સ ૨૭.૦૯ પોઈન્ટ્સ અથવા ૦.૦૪ ટકા ઘટીને ૭૩,૮૭૬.૮૨ પોઇન્ટ પર બંધ થયો છે. સત્ર દરમિયાન બેન્ચમાર્ક ૭૪,૧૫૧.૨૧ પોઇન્ટની ઊંચી અને ૭૩,૭૫૭.૨૩ પોઇન્ટની નીચી સપાટીને અથડાયો હતો. બેન્ક નિફ્ટી ઈન્ડેક્સ ૧૧૩.૫૫ પોઈન્ટ અથવા ૦.૨૪ ટકા વધીને ૪૭,૬૨૪.૨૫ પોઇન્ટ પર બંધ થયો હતો.
સ્મોલ-કેપ અને મિડ-કેપ શેરોમાં લેવાલીનો સળવળાટ જળવાયો હતો. પીએસયુ બેન્કો અને આઇટી શેરોએ અન્ય ક્ષેત્રીય શેરઆંકમાં આઉટપરફોર્મ કર્યું હતું, જ્યારે રિયલ્ટી અને એફએમસીજી શેરોમાં ઘટાડો થયો હતો.
ઈન્ડિયન વોલેટિલિટી ઈન્ડેક્સ (ઈન્ડિયા વીઆઇએક્સ) ૨.૪૦ ટકા ઘટીને બંધ થયો છે. અગ્રણી બજાર વિશ્ર્લેષકે જણાવ્યું હતું કે, શુક્રવારે આરબીઆઈની નાણાકીય નીતિની જાહેરાત પહેલાના સાવચેતીના વલણ ઉપરાંત એશિયન અને યુએસ બજારના નબળા સંકેતોને કારણે સ્થાનિક ઇક્વિટી બજાર નકારાત્મક પૂર્વાગ્રહ સાથે અથડાઇ ગયું હતું. એ જ સાથે તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો અને યુએસ બોન્ડ યીલ્ડમાં વધારો રોકાણકારોને નર્વસ બનાવે છે અને વિદેશી ફંડો દ્વારા સ્થાનિક શેર્સનું વેચાણ સેન્ટિમેન્ટને વધુ મંદ કરે છે.
ભારતીય બજારનો અંડરટોન હજુ મજબૂત જણાઇ રહ્યો છે, નબળા વૈશ્ર્વિક વલણ છતાં સકારાત્મક ઉત્પાદન પીએમઆઇ ડેટા અને કોર્પોરેટ ક્ષેત્રના ચોથા ક્વાર્ટરના આગામી પરિણામોની આશાવાદી અપેક્ષાને પરિણામે બ્રોડ માર્કેટની તેજી ટૂંકા ગાળામાં ચાલુ રહેવાની સંભાવના છે. દરમિયાન, મજબૂત યુએસ આર્થિક ડેટા જાહેર થયા બાદ ફેડરલના ચેરમેન જેરોમ પોવેલે કરેલા કથનને કારણે બજાર દ્વારા જૂનમાં ફેડરલ રિઝર્વ દ્વારા અપેક્ષિત રેટ કટ અંગે દેખીતી રીતે ફરી આશંકા ઊભી થઇ છે.
નિફ્ટી ઇન્ડેક્સમાં શ્રીરામ ફાઇનાન્સ, એનટીપીસી, ડિવિસ લેબ્સ, ટીસીએસ અને ટેક મહિન્દ્રા ટોપ ગેઇનર્સ છે, જ્યારે ટોચના ગબડનારા શેરોમાં નેસ્લે ઇન્ડિયા, બજાજ ઓટો, ડો રેડ્ડીઝ લેબ, કોટક મહિન્દ્રા બેંક અને બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે. નિફ્ટીના પચાસ શેરમાંથી ૩૦ શેરમાં પીછેહઠ નોંધાઇ હતી. સેન્સેક્સના શેરોમાં ત્રીસમાંથી ૧૬ શેરમાં પીછેહઠ નોંધાઇ હતી.
કોપર કેબલ અને વાયરના ઉત્પાદક ડીસીજી કેબલ્સ એન્ડ વાયર્સ લિમિટેડ આઠમી એપ્રિલે પ્રારંભિક જાહેર ઓફર સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. કંપની આ આઇપીઓ દ્વારા રૂ. ૪૯.૯૯ કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે, શેર એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે. ઈશ્યુનો ભાવ ઈક્વિટી શેર દીઠ રૂ. ૧૦૦ નક્કી થઇ છે અને ભરણું ૧૦મી એપ્રિલે બંધ થશે. લોટ સાઈઝ ૧,૨૦૦ ઈક્વિટી શેરની છે. ઇશ્યૂના લીડ મેનેજર ઇન્ટરેક્ટિવ ફાઇનાન્શિયલ સર્વિસિસ અને રજીસ્ટ્રાર બિગશેર સર્વિસીસ છે.
પાવર અને ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગની અગ્રણી કંપની સુપ્રીમ પાવર ઇક્વિપમેન્ટ લિમિટેડને માર્ચ ૨૦૨૪ મહિના દરમિયાન રૂ. ૧૨.૪૧ કરોડના નવા ઓર્ડર મળ્યા છે. આમાં સરકારી સંસ્થાઓ પાસેથી રૂ. ૯.૧૦ કરોડના ઓર્ડરનો સમાવેશ થાય છે, જ્યારે બાકીના અન્ય ખાનગી કંપનીઓના છે. આ ઓર્ડરના પ્રવાહ સાથે, માર્ચ ૨૦૨૪ના અંત સુધીમાં ઓર્ડર બુક રૂ. ૫૧.૩૫ કરોડ સુધી પહોંચી છે, જેમાં સરકારી ઓર્ડર રૂ. ૨૬.૩૮ કરોડના અને બાકીના રૂ. ૨૪.૯૭ કરોડ અન્ય ખાનગી કંપનીઓના છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૯૫ ટકા, નેસલે ઈન્ડિયા ૧.૪૨ ટકા, ટાટા મોટર્સ ૧.૨૩ ટકા, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૧.૨૧ ટકા અને ઈન્ડસઈન્ડ બેન્ક ૧.૧૧ ટકા વધ્યા હતા, જ્યારે કોટક મહિન્દ્રા બેન્ક ૧.૮૪ ટકા, એચસીએલ ટેક્નોલોજીસ ૧.૮૨ ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૫૨ ટકા, સન ફાર્માસ્યુટિકલ્સ ઈન્ડસ્ટ્રીઝ ૦.૯૦ ટકા અને ઈન્ફોસિસ ૦.૮૪ ટકા ઘટ્યા હતા. બધા ગ્રુપની કુલ ૧૩ કંપનીઓમાંથી ૧૦ કંપનીઓને ઉપલી અને ૩ કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી.
મેઇડન ફોર્જિંગ્સે એકત્રીકરણ અને વિસ્તરણ માટે ૪ એકર જમીન હસ્તગત કરી છે અને ઓક્ટોબર સુધીમાં કામગીરી શરૂ કરવાનું લક્ષ્ય છે. કંપની બ્રાઇટ સ્ટીલ બાર અને વાયરની વિશાળ શ્રેણીના અગ્રણી ઉત્પાદકોમાંનું એક છે જે છેલ્લા ૩૫ વર્ષથી સફળતાપૂર્વક લગભગ ચાર એકરમાં ફેલાયેલી તેની વર્તમાન સુવિધાઓના કદ કરતાં લગભગ બમણી જમીન હસ્તગત કરી છે. કંપની હાલમાં ગાઝિયાબાદ શહેરમાં ત્રણ અલગ-અલગ સ્થળોએ પ્લાન્ટ ચલાવે છે.
સેન્સેક્સના શેરોમાં નેસ્લે ઇન્ડિયા, કોટક મહિન્દ્રા બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, બજાજ ફિનસર્વ, ટાઇટન અને જેએસડબલ્યુ સ્ટીલનો ટોપ લૂઝર્સ શેરોમાં સમાવેશ હતો. જ્યારે એનટીપીસી, ટીસીેસ, ટેક મહિન્દ્રા, બજાજ ફાઇનાન્સ ખરાબ બજારમાં ટોપ ગેઇનર્સ શેરોની યાદીમાં હતાં. અન્ય વધનારા શેરોમાં એક્સિસ બેન્ક, ભારતી એરટેલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટાટા મોટર્સનો સમાવેશ હતો. બીએસઇનો મિડકેપ ૦.૬૩ ટકા અને સ્મોલ કેપ ઇન્ડેક્સ ૧.૧૯ ટકા ઊછળ્યો હતો.
ભારતના આર્થિક પરિબળો તેજીની તરફેણમાં છે. ઑક્ટોબર ૨૦૨૦ પછીના ઉત્પાદન અને નવા ઓર્ડરમાં સૌથી મજબૂત વધારાને કારણે માર્ચમાં ભારતના ઉત્પાદન ક્ષેત્રની વૃદ્ધિ ૧૬ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી હતી. સીઝનલી એડજસ્ટેડ એચએસબીસી ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (પીએમઆઇ) માર્ચમાં ૫૯.૧ની ૧૬-વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો, જે ફેબ્રુઆરીમાં ૫૬.૯ની સપાટીએ હતો. આ ઇન્ડેક્સ નવા ઓર્ડર, આઉટપુટ અને ઇનપુટ સ્ટોક્સની મજબૂત વૃદ્ધિ તેમજ નવી રોજગાર સર્જનને દર્શાવે છે. પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (પીએમઆઇ)ના ધોરણ અનુસાર, ૫ચાસથી ઉપરના આંકડાનો અર્થ વિસ્તરણ થાય છે, જ્યારે પચાસથી નીચેનો સ્કોર સંકોચન સૂચવે છે. સ્થાનિક રોકાણકારો આ સપ્તાહના અંતમાં આરબીઆઈની નીતિની જાહેરાત આગળ સાવચેતીનું વલણ રાખી શકે છે. જો કે કમ્ફર્ટ લેવલથી ઉપરના ફુગાવાના કારણે દેશની કેન્દ્રીય બેન્ક વ્યાજદર સ્થિર રાખે એવી પૂરી શક્યતા છે. દરમિયાન, ભારત સાનુકૂળ બૃહદઅર્થતાંત્રિક પરિબળોનો સાથ મેળવીને આઠ ટકાનો જીડીપી વિકાસદર હાંસલ કરી શકશે, એમ દેશની કેન્દ્રિય બેન્કના માર્ચ બુલેટીનમાં પ્રકાશિત નસ્ટેટ ઓફ ઇકોનોમીથ શીર્ષક હેઠળના લેખમાં ટાંકવામાં આવ્યું છે. આરબીઆઇના ડેપ્યુટી ગવર્નર માઇકલ પાત્રાવાલાના વડપણ હેઠળની ટીમે તૈયાર કરેલા લેખમાં એવી માહિતી અપાઇ છે કે વૈશ્ર્વિક અર્થતંત્ર જોમ ગુમાવી રહ્યું છે ત્યારે વર્ષ ૨૦૨૧થી ૨૦૨૪ના સમાયગાળામાં ભારતનો આર્થિક વિકાસ દર (જીડીપી ગ્રોથ) સરેરાશ આઠ ટકાથી ઉપર રહ્યો છે.