છેલ્લી ઘડીની લેવાલીના ટેકાએ સેન્સેક્સ અને નિફ્ટી પોઝિટિવ ઝોનમાં પાછા ફર્યા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારના નબળા સંકેત અને એફઆઇઆઇની એકધારી વેચવાલીને કારણે નિરસ બનેલા હવામાનમાં સત્રના મોટાભાગના સમયમાં નેગેટીવ ઝોનમાં અથડાયા બાદ છેલ્લા તબક્કામાં મેટલ, પાવર યુટીલિટી અને ફાઇનાન્શિયલ શેરોમાં નવેસરની લેવાલીનો ટેકો મળતાં સેન્સેક્સ અને નિફ્ટી પોઝીટીવ ઝોનમાં સહેજ આગળ વધવામાં સફળ રહ્યાં હતાં. બેન્કિંગઅને ઓઇલ એન્ડ ગેસ સેકટરમાં પણ સત્રના પાછલા ભાગમાં લેવાલી નીકળી હતી. બ્રોડર માર્કેટમાં સારી સળવળટા જોવા મળ્યો હતો અને નાના શેરોના ઇન્ડેક્સમાં લાર્જ કેપ કરતા વધુ સારી આગેકૂચ જોવા મળી હતી.
બીએસઇ ફ્લેગશિપ ઇન્ડેક્સ સેન્સેક્સ ૭૨.૪૮ પોઈન્ટ અથવા ૦.૧૧ ટકા વધીને ૬૪,૯૦૪.૬૮ પર બંધ થયો હતો. સત્ર દરમિયાન સેન્સેક્સ ૨૫૧.૨૫ પોઇન્ટ અથવા તો ૦.૩૮ ટકાના ઘટાડા સાથે ૬૪,૫૮૦.૯૫ પોઇન્ટની સપાટીએ અથડાયો હતો.
એનએસઇનો બેન્ચમાર્ક ઇન્ડેકસ નિફ્ટી ૩૦.૦૫ પોઈન્ટ અથવા ૦.૧૫ ટકા વધીને ૧૯,૪૨૫.૩૫ પર પહોંચ્યો હતો. સપ્તાહના અંતે થયેલા સુધારા સાથે બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલ રૂ. ૪૩.૮૧ લાખ કરોડના વધારા સાથે રૂ. ૩,૨૦,૨૯,૨૩૨.૨૪ કરોડના સ્તરે પહોંચી હતી. સાપ્તાહિક ધોરણે બીએસઇનો બેન્માચર્ક સેન્સેક્સ ૫૪૦.૯ પોઇન્ટ અથવા તો ૦.૮૪ ટકા વધ્યો છે જ્યારે એનએસઇનો નિફ્ટી ૧૯૪.૭૫ પોઇન્ટ અથવા તો એક ટકા વધ્યો હતો.
સેન્સેક્સના શેરોમાં એનટીપીસી, ટેક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફાઇનાન્સ, આઇટીસી, બજાજ ફિનસર્વ, એક્સિસ બેન્ક અને પાવર ગ્રીડ ટોપ ગેઇનર્સ બન્યા હતા. જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એચસીએલ ટેકનોલોજી, ટાઇટન અને ઇન્ડસઇન્ડ બેન્ક ટોપ લુઝર્સ શેર રહ્યાં હતાં.
કોર્પોરેટ અર્નિગ્સની મોસમ ચાલુ છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં છ ટકાના વધારા સથે રૂ. ૨૩૪૮ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. ગયા વર્ષે સમાન સમયગાળામાં કંપનીએ રૂ. ૨૨૦૯ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.
રેવન્યૂ વાર્ષિક ધોરણે ૧૫ ટકાના વધારા સાથે રૂ. ૩૪,૪૩૬ કરોડ રહી હતી. વૈશાલી ફાર્માની નાણાકીય વર્ષ ૨૪ની પ્રથમ અર્ધવાર્ષિક આવક નવ ટકાના વધારા સાથે રૂ. ૨૬.૬૫ કરોડના સ્તરે પહોંચી હતી. એબિટા રૂ. ૫.૬૨ કરોડ રહ્યો હતો, જ્યારે એબિટા માર્જિન ૨૧.૧૧ ટકાના સ્તરે પહોંચ્યુ છે. ચોખ્ખો નફો રૂ. ૩.૨૯ કરોડ રહ્યો છે, જ્યારે ચોખ્ખા નફાનું માર્જિન ૧૨.૩૪ ટકા નોંધાયુ છે. શેર દીઠ કમાણી રૂ. ૩.૧૦ રહી છે.
સિલિકોન રેન્ટલ સોલ્યુશન્સ લિમિટેડે વર્ષ ૨૦૨૪ના પ્રથમ અર્ધવાર્ષિક અનઓડિટેડ નાણાકીય પરિણામોમાં કુલ આવક રૂ. ૨૪.૧૪ કરોડ નોંધાવી છે, જે ૨૦૨૩ના સમાન ગાળાના રૂ. ૧૭.૫૬ કરોડ સામે વાર્ષિક ધોરણે ૩૪.૨૭ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. એબિટા ૨૯.૪૭ ટકાના વધારા સાથે રૂ. ૧૮.૮૧ કરોડ, ચોખ્ફો નફો ૩૧.૪૫ ટકાના વધારા સાથે રૂ. ૭.૧૩ કરોડ રહ્યો હતો. એબિટા માર્જિન ૭૭.૯૩ ટકા, પીએટી માર્જિન ૨૯.૫૨ ટકા અને ઇપીએસ રૂ. ૬.૭૩ રહી હતી.
યુનિહેલ્થ ક્ધસલ્ટન્સી લિમિટેડે નાણાકીય વર્ષ ૨૦૨૪ના પ્રથમ અર્ધવાર્ષિક અનઓડિટેડ નાણાકીય પરિણામોમાં કુલ આવક રૂ. ૧૮૭.૮૩ લાખ નોંધાવી છે. એબિટા રૂ. ૬૪.૩૯ લાખ અને કરવેરા બાદનો ચોખ્ખો નફો રૂ. ૪૯.૬૧ લાખ નોંધાવ્યો છે. એબિટા માર્જિન ૩૪.૨૮ ટકા જ્યારે ચોખ્ખા નફાનું માર્જિન ૨૬.૪૧ ટકા રહ્યું છે.
ડીજીકોર સ્ટુડિઓ લિમિટેડે નાણાકીય વર્ષ ૨૦૨૪ના પ્રથમ અર્ધવાર્ષિક અનઓડિટેડ નાણાકીય પરિણામોમાં રૂ. ૨૪.૭૯ કરોડની કુલ આવક અને રૂ. ૬.૧૫ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. એબિટા રૂ. ૯.૩૧ કરોડ અને એબિટા માર્જિન ૩૭.૫૬ ટકા રહ્યું છે. ચોખ્ખો નફાનું માર્જિન ૨૪.૮૦ ટકા રહ્યું છે, જ્યારે શેરદીઠ કમાણી રૂ. ૪૫.૭૦ રહી છે.
અર્થશાસ્ત્રીઓ રિટેલ ફુગાવો નીચે આવવાની અપેક્ષા રાખી રહ્યા છે, જે રોકાણકારોને માટે રાહતના સમાચાર લાવી શકે છે. વધુમાં દિવાળીની આસપાસ મ્યુચ્યુઅલ ફંડની એકધારી લેવાલી અને તહેવારોને કારણે પણ બજારમાં સત્રના અંતિમ તબક્કે થોડી ખરીદી જોવા મળી હતી.
બજારના સાધનો અનુસાર સત્રના પાછલા તબક્કામાં અમુક હેવીવેઇટ શેરોમાં પસંદગીયુક્ત ખરીદીનો ટેકો મળવાને કારણે બેન્ચમાર્કને નજીવા ઊંચા સ્તરે પહોંચવામાંં મદદ મળી હતી, જોકે અન્ય એશિયન અને યુરોપિયન શેરબજારમાં વેચાણના દબાણને કારણે ખેંચતાણનો માહોલ જોવા મળ્યો હતો.
સ્થાનિક બજારમાંથી વિદેશી ફંડોનો એકધારો જાવક પ્રવાહ મોટી ચિંતાનો વિષય છે. ઉપરાંત, અસ્થિર યુએસ ટ્રેઝરી યીલ્ડ પાછલા કેટલાક મહિનાથી વિદેશી રોકાણકારોને ઊભરતાં બજારોમાંથી બહાર નીકળવા માટે પ્રેરિત કરી રહી છે.
નિફ્ટી મિડકેપ ૧૦૦ ૦.૪૮ ટકા વધ્યો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ ૧૦૦ ૦.૪૭ ટકા વધ્યો છે. નિફ્ટી મેટલમાં દિવસનો સૌથી મોટો ઉછાળો ૦.૭૦ ટકા હતો, ત્યારબાદ નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ, નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસિસ અને નિફ્ટી બેન્કનો નંબર આવે છે.
નિફ્ટી મીડિયા સૌથી વધુ ઘટ્યું હતું, જે એક ટકાથી વધુ ઘટ્યું હતું અને ત્યારબાદ નિફ્ટી ઓટોનો નંબર આવે છે.
નિફ્ટી શેરોમાં એનટીપીસીએ સૌથી વધુ, લગભગ બે ટકાનો ઉછાળો નોંધાવ્યો હતો. ઓએનજીસી, ટાટા ક્ધઝ્યુમર, ટેક મહિન્દ્રા અને અલ્ટ્રાટેક સિમેન્ટ અન્ય વધનાર શેરોમાં સામેલ હતા.
હીરો મોટોકોર્પ બે ટકાથી વધુ ઘટીને ટોપ લૂઝર બન્યો હતો. એમએન્ડએમ, એચસીએલ ટેક, ટાઇટન અને હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ પેકમાં અન્ય ઘટેલા શેરો હતા.