શેર બજાર

સેન્સેક્સ અને નિફ્ટી નવી વિક્રમી ઊંચી સપાટીએ, મેટલ, રિયલ્ટી સેક્ટર ટોચના પર્ફોર્મર્સ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: એશિયાઇ બજારોના મિશ્ર અને યુરોપિયન બજારના સકારાત્મક સંકેત વચ્ચે સ્થાનિક ધોરણે એફઆઇઆઇની શરૂ થયેલી લેવાલી સાથે રિલાયન્સ, આઇસીઆઇસીઆઇ બેન્ક અને એચડીએફસી બેન્ક જેવા ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં નવેસરની લેવાલીનો ટેકો મળતાં સેન્સેક્સ અને નિફ્ટી ગુરુવારે નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. મેટલ, ઓઇલ અને ગેસ અને રિયલ્ટી શેરોની આગેવાની હેઠળ નિફ્ટી ૨૩,૫૫૦ની ઉપર પહોંચ્યો હતો.

સતત છઠા સત્રની આગેકૂચ અંતર્ગત સેન્સેક્સ ૧૪૧.૩૪ પોઈન્ટ અથવા ૦.૧૮ ટકા વધીને ૭૭,૪૭૮.૯૩ પોઇન્ટની નવી ઓલટાઇમ હાઇ સપાટી પર પહોંચ્યો હતો. સત્ર દરમિયાન આ બેન્ચમ માર્ક ૩૦૫.૫૦ પોઇન્ટ અથવા તો ૦.૩૯ ટકાના સુધારા સાથે ૭૭,૬૪૩.૦૯ પોઇન્ટની ઇન્ટ્રા-ડે ઓલટાઇમ હાઇ સપાટીને અથડાયો હતો. જ્યારે નિફ્ટી ઇન્ટ્રા-ડે ૧૦૮ પોઇન્ટ અથવા તો ૦.૪૫ ટકાના ઉછાળા સાથે ૨૩,૬૨૪ પોઇન્ટની નવી ઊંચી સપાટીને અથડાયા બાદ અંતે ૫૧ પોઈન્ટ અથવા ૦.૨૨ ટકા વધીને ૨૩,૫૬૭ પોઇન્ટની નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.

સેન્સેક્સના શેરોમાં જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, એક્સિસ બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રઈઝ, આઇસીઆઇસીઆઇ બેન્ક, હિંદુસ્તાન યુનિલીવર, કોટક મહિન્દ્રા બેન્ક અને એશિયન પેઇન્ટસ ટોપ ગેઇનર્સ બન્યા હતા, જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, સન ફાર્મા, એનટીપીસી, વિપ્રો, સ્ટેટ બેન્ક અને પાવરગ્રીડ ટોપ લુઝર્સ હતા. એ જ રીતે, નિફ્ટીના ટોચના ગેઇનર્સમાં ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, જેએસડબલ્યુ સ્ટીલ, અદાણી પોર્ટ્સ અને બીપીસીએલનો સમાવેશ થાય છે, જ્યારે હીરો મોટોકોર્પ, સન ફાર્મા, એમએન્ડએમ, એનટીપીસી અને વિપ્રો ટોચના ઘટનારા શેરોમાં સામેલ હતા.

ઓટો, ફાર્મા અને પીએસયુ બેન્કના શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે મેટલ, કેપિટલ ગુડ્સ, રિયલ્ટી અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં ખરીદી જોવા મળી હતી. મિડકેપ ઈન્ડેક્સ ૦.૫ ટકા વધ્યો હતો જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ એક ટકા વધ્યો હતો.

મેટલ, ઓઇલ અને ગેસ અને રિયલ્ટી શેરોની આગેવાની હેઠળ નિફ્ટી ૨૩,૫૫૦ની ઉપર સમાપ્ત થતાં અસ્થિરતા વચ્ચે ૨૦ જૂને ભારતીય ઇક્વિટી માર્કેટ સકારાત્મક નોંધ પર બંધ થયું હતું. બંધ સમયે, સેન્સેક્સ ૧૪૧.૩૪ પોઈન્ટ અથવા ૦.૧૮ ટકા વધીને ૭૭,૪૭૮.૯૩ પર અને નિફ્ટી ૫૧ પોઈન્ટ અથવા ૦.૨૨ ટકા વધીને ૨૩,૫૬૭ પર હતો. ટોચના નિફ્ટી ગેઇનર્સમાં ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, જેએસડબલ્યુ સ્ટીલ, અદાણી પોર્ટ્સ અને બીપીસીએલનો સમાવેશ થાય છે, જ્યારે હીરો મોટોકોર્પ, સન ફાર્મા, એમએન્ડએમ, એનટીપીસી અને વિપ્રો ગુમાવનારા હતા.
ફોરેક્સ માર્કેટમાં ભારતીય રૂપિયો ગુરુવારે પ્રતિ ડોલર ૮૩.૬૪ના વિક્રમી નીચા સ્તરે બંધ થયો હતો, જેે બુધવારે ડોલર સામે ૮૩.૪૫ના સ્તરે બંધ થયો હતો.

બીએસઇ પર શ્રીરામ ફાઇનાન્સ, જેએસડબલ્યુ સ્ટીલ, ભારત ફોર્જ, દીપક નાઇટ્રાઇટ, એલએન્ડટી ફાઇનાન્સ, કોરોમંડલ ઇન્ટરનેશનલ, મેક્સ હેલ્થકેર, ઇન્ડિયન હોટેલ્સ, ફેડરલ બેંક, એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ, યુએનઓ મિંડા, આદિત્ય બિરલા કેપિટલ સહિતના ૨૦૦થી વધુ શેરો તેમની બાવન સપ્તાહની ટોચે પહોંચ્યા હતા. મૂડીબજારમાં હલચલ ચાલુ રહી છે. મેઇન બોર્ડ અને એસએમઇ મળીને કુલ એક ડઝન ભરણાં આવી રહ્યાં છે. મેઇનબોર્ડના ત્રણ આઇપીઓ અને છ એસએમઇ આઇપીઓ આ સપ્તાહે લોન્ચ થઇ રહ્યાં છે, જેમાં ડીઇઇ ડેવલપમેન્ટ, એકમે ફિનટ્રેન્ડ અને સ્ટેનલી લાઇફસ્ટાઇલનો સમાવેશ છે. એસએમઇ આઇપીઓમાં, ફાલ્કન ટેક્નોપ્રોજેક્ટ્સ ઇન્ડિયા, ડુરલેક્સ ટોપ સરફેસ, અને જેમ એન્વિરો મેનેજમેન્ટ, વિની ઇમિગ્રેશન એન્ડ એજ્યુકેશન ડિંડીગુલ ફાર્મ પ્રોડક્ટ્સ અને મેડિકમેન ઓર્ગેનિક્સનો સમાવેશ છે. એશિયાઇ બજારોમાં સિઓલ અને ટોકિયો શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ રહ્યાં હતા જ્યારે, શાંઘાઇ અને હોંગકોંગ શેરબજાર રેડ ઝોનમાં સરક્યા હતા.
યુરોપના બજારો મધ્યસત્ર સુધી પોઝિટિવ ઝોનમાં રહ્યાં હોવાના અહેવાલ હતો. અમેરિકન બજારો વબુધવારે જુનટીન્થ નિમિત્તે બંધ રહ્યાં હતાં. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) શેરબજારમાં પાછલા કેટલાક સત્રથી અચાનક નેટ બાયર્સ બની ગયા હોવાથી બજારના સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળ્યો હતો. એક્સચેન્જના ડેટા અનુસાર પાછલા સત્રમાં બુધવારે એફઆઇઆઇએ ભારતીય શેરબજારમાં રૂ. ૭,૯૦૮.૩૬ કરોડની લેવાલી નોંધાવી હતી. દરમિયાન,્ ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૧૬ ટકા વધીને બેરલદીઠ ૮૫.૨૧ ડોલર બોલાયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button