શેર બજાર

વિશ્ર્વબજારની તેજી સાથે સેન્સેક્સ અને નિફ્ટી નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યા, દેશના જીડીપી અને ઇન્ફ્રા સેકટરનો ગ્રોથ ઘટ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારની તેજી સાથે સ્થાનિક સ્તરે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વધેલી લેવાલીના ટેકાએ સેન્સેક્સ અને નિફ્ટીએ સપ્તાહના અંતિમ સત્રમાં નવી ઊંચી સપાટી હાંસલ કરી હતી. સમગ્ર સત્ર દરમિયાન રેન્જબાઉન્ડ ચાલ છતાં મોટાભાગના ગ્રીન ઝોનમાં ટ્રેડ થયા હતા, જેમાં ખાસ કરીને રિયલ એસ્ટેટ અને ફાર્માસ્યુટિકલ્સ હતા. સ્મોલ અને મિડકેપ શેરોમાં પણ સારી લેવાલી રહી હતી.

દરમિયાન, દેશનો જીડીપી ગ્રોથ એપ્રિલથી જુનના સમયગાળામાં ઘટીને ૬.૭ ટકા નોંધાયો છે, જે વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં ૮.૨ ટકાના સ્તરે હતો. એ જ રીતે, આઠ ચાવીરૂપ ઇન્ફ્રાસ્ટકચર સેકટરનો પ્રોડકશન ગ્રોથ જુલાઇમાં ઘટીને ૬.૧ ટકાના સ્તરે રહ્યો હતો, જે જુલાઇ ૨૦૨૩માં ૮.૫ ટકા રહ્યો હતો.

સેન્સેક્સે સતત નવમાં સત્રમાં આગેકૂચ ચાલુ રાખતાં ૨૩૧.૧૬ પોઇન્ટ અથવા તો ૦.૨૮ ટકાના સુધારા સાથે ૮૨,૩૬૫.૭૭ પોઇન્ટની નવી ઊંચી સપાટી હાંસલ કરી હતી. સત્ર દરમિયાન તે ૫૦૨.૪૨ ર્પોીંનટ અથવા તો ૦.૬૧ ટકાના વધારા સાથે ૮૨,૬૩૭.૦૩ પોઇન્ટની ઇન્ટ્રા-ડે ઓલટાઇમ હાઇ સપાટીને અથડાયો હતો. જ્યારે સત્ર દરમિયાન ૨૫,૨૬૮.૩૫ની નવી ઊંચી સપાટીને અથડાઇને સત્રને અંતે ૮૩.૯૫ પોઇન્ટ અથવા તો ૦.૩૩ ટકાના ઉછાળા સાથે ૨૫,૨૩૫.૯૦ પોઇન્ટની નવી ઓલટાઇમ હાઇ બંધ સપાટીએ પહોચ્યો હતો.

બજાજ ફાઇનાન્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એનટીપીસી, પાવગરગ્રીડ, બજાદ ફિનસર્વ, ભારતી એરટેલ અને ટીસીએસ ટોપ ગેઇનર્સ રહ્યાં હતાં. સીસીઆઇએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને વોલ્ટ ડીઝની કંપનીના મર્જરને મંજૂરી આપી દીધી છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપની એવીપી ઇન્ફ્રાકોન લિમિટેડે સીડીઆર એન્ડ કંપની ક્ધસ્ટ્રક્શન્સ પાસેથી બે નોંધપાત્ર પેટા કોન્ટ્રાક્ટ્સ હાંસલ કર્યા છે. તમિલનાડુના રાજ્ય ધોરીમાર્ગ વિભાગ દ્વારા આપવામાં આવેલા આ કોન્ટ્રાક્ટમાં બાગલુર બાયપાસ માટે રૂ. ૨૩.૬ કરોડના અને કલાકુરિચી, તિરુવનામલાઈ રોડ પ્રોજેક્ટ્સ માટે રૂ. ૪૭.૨ કરોડના પ્રોજેક્ટનો સમાવેશ છે. ડીજીસીએ ઓથોરિટીએ સ્પાઇસ જેટને એન્હેન્સ સર્વિલન્સ હેઠળ મૂકવાનો નિર્ણય જાહેર કર્યો છે.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે બજાજ ફાઈનાન્સ ૨.૦૩ ટકા, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૧.૭૫ ટકા, એનટીપીસી ૧.૫૬ ટકા, બજાજ ફિનસર્વ ૧.૫૫ ટકા, ભારતી એરટેલ ૧.૪૬ ટકા, પાવર ગ્રીડ ૧.૨૯ ટકા, સન ફાર્મા ૧.૨૮ ટકા, ટીસીએસ ૦.૯૨ ટકા, ઈન્ફોસિસ ૦.૮૬ ટકા, ટાઈટન ૦.૭૮ ટકા અને આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૭૦ ટકા વધ્યા હતા. ટાટા મોટર્સ ૦.૯૨ ટકા, રિલાયન્સ ૦.૬૯ ટકા, ટેક મહિન્દ્ર ૦.૬૭ ટકા, આઈટીસી ૦.૬૧ ટકા, એચડીએફસી બેન્ક ૦.૩૪ ટકા, નેસ્લે ૦.૨૮ ટકા, મારુતિ ૦.૨૪ ટકા અને તાતા સ્ટીલ ૦.૧૩ ટકા ઘટ્યા હતા.

ટાટા મોટર્સ, એચડીએફસી બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટેક મહિન્દ્રા અને આઇટીસી ટોપ લુઝર્સની યાદીમં હતાં. કંપનીએ રેગ્યુલેટરી ફાઇલિંગમાં આપેલી માહિતી અનુસાર રૂ. ૨૬૪૦ કરોડની બાયબેક સ્કીમ પૂરી થયા બાદ ઇન્દુસ ટાવર્સમાં ભારતી એરટેલનો હિસ્સો ૫૦ ટકા થશે. એક્સચેન્જ તરફથી મંજૂરી મળી ગયા બાદ મેક કોન્ફરન્સ અને ઈવેન્ટ્સ રૂ. ૧૦ની ફેસ વેલ્યુ ધરાવતા ૫૫,૬૮,૦૦૦ સુધીની ફ્રેશ ઈકવિટી અને ઓફર ફોર સેલના કુલ રૂ. ૧૨૫ કરોડના ભરણાં સાથે ચોથી સપ્ટેમ્બરે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. કંપની હાલ બીટુબી ફોર્મેટમાં કાર્યરત છે અને હવે ડાઇવર્સિફિકેશન હેઠળ બિટુસી સેગમેન્ટમાં પ્રવેશી રહી છે. ટાટા જૂથની તનિષ્ક અને ડી બીઅર્સ ગ્રૂપે લાંબા ગાળાના વ્યૂહાત્મક સહયોગની જાહેરાત કરી છે.

નિષ્ણાતો માને છે કે, સ્થાનિક ફંડો દ્વારા બ્લુચીપ શેરોનું એક્યુમ્યુલેશન અને એચએનઆઇ તથા એફઆઇઆઇની વેચવાલીમાં થયેલા ઘટાડા સાથે લેવાલીની શરૂઆત થઇ હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે. એક્સચેન્જના ડેટાએ એફઆઇઆઇએ પાછલા સત્રમાં રૂ. ૩૨૫૯.૫૬ કરોડની અને ડીઆઇઆઇએ રૂ. ૨૬૯૦.૮૫ કરોડની લેવાલી નોંધાવી હતી.

એફઆઇઆઇની લેવાલીનો ટેકો મળી રહ્યો હોવાથી બજારની સ્થિતિસ્થાપકતામાં વધારો થયો છે. માર્કેટ માટે હવે તેજી અને મંદીના બંને પ્રકારના પરિબળો મોજૂદ છે. મધ્ય પૂર્વ અને યુક્રેનમાં ભૌગોલિક રાજકીય તંગદીલી વધી રહી હોવાથી ઇક્વિટી માર્કેટનું સેન્ટિમેન્ટ ખરડાઇ રહ્યું છે. જોકે, ગ્લોબલ ઇક્વિટી માર્કેટના સેન્ટિમેન્ટને સૌથી મજબૂત ટેકો અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા અપેક્ષિત રેટ કટથી મળી રહ્યોે છે, જેનું અનુસરણ આરબીઆઈ સહિત અન્ય કેન્દ્રીય બેંકોને કરશે એવું માનવામાં આવે છે.

જોકે, અમુક નિષ્ણાતો માને છે કે ફેડરલનું પરિબળ હવે ડિસ્કાઉન્ટ થઇ ગયું છે. ભારતીય અર્થતંત્રને હવે દર ઘટાડા દ્વારા નાણાકીય ઉત્તેજનાની જરૂર છે અને આ આગામી નીતિ બેઠકમાં સંભવ છે. ફેડરલ રિઝર્વે સપ્ટેમ્બરથી વ્યાજ દર ઘટાડવાના સંકેત આપ્યા ત્યારથી તેજીનો પવન શરૂ થઈ ગયો હતો. જોકે હવે નવા ટ્રીગરની આવશ્યકતા છે. સ્થાનિક સ્તરે ભારતમાં આ વખતે ચોમાસુ ઘણું સારુ રહ્યું છે અને ખાસ તો કંપનીઓના નફા વધી રહ્યા છે.

એશિયાઇ બજારોમાં સિઓલ, ટોકિયો, શાંઘાઇ અને હોંગકોંગમાં સુધારો રહ્યો હતો. જ્યારે મોટાભાગના યુરોપિયન શેરબજારોમાં બપોરના સત્ર સુધીમાં પોઝિટિવ ટ્રેન્ડ રહ્યો હોવાના વાવડ હતા. અમેરિકન શેરબજાર ગુરુવારે મિશ્ર ટોન સાથે બંધ થયા હતા. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૦૮ ટકા વધીને ૮૦ ડોલર પ્રતિ બેરલ બોલાયું હતુંં.

બીએસઈ સેન્સેક્સ ગત ગુરુવારના ૮૨,૧૩૪.૬૧ના બંધ સામે શુક્રવારે ૨૩૧.૧૬ પોઈન્ટ્સ (૦.૨૮ ટકા) વધ્યો હતો. માર્કેટ કેપ રૂ. ૧.૮૩ લાખ કરોડ વધીને રૂ. ૪૬૪.૩૯ લાખ કરોડ રહ્યું હતું. સેન્સેક્સ ૮૨,૬૩૭.૦૩ ખૂલીને ઊંચામાં ૮૨,૬૩૭.૦૩ સુધી અને નીચામાં ૮૨,૨૫૬.૦૨ સુધી જઈને અંતે ૮૨,૩૬૫.૭૭ પોઈન્ટ્સ પર બંધ રહ્યો હતો. બીએસઈ સેન્સેક્સની ૨૨ સ્ક્રિપ્સ વધી હતી અને આઠ સ્ક્રિપ્સ ઘટી હતી.

એક્સચેન્જમાં ૪,૦૪૫ સ્ક્રિપ્સમાં કામકાજ થયું હતું, જેમાં ૨,૨૨૧ સ્ટોક્સ વધ્યા હતા, ૧,૭૦૯ સ્ટોક્સ ઘટ્યા હતા, જ્યારે ૧૧૫ સ્ટોક્સ સ્થિર રહ્યા હતા. ૨૮૦ સ્ટોક્સ બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે ૨૧ સ્ટોક બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ મિડકેપ ૦.૫૩ ટકા અને બીએસઈ સ્મોલકેપ ૦.૭૫ ટકા વધ્યો હતો. સ્ટ્રટેજી ઈન્ડાયસીસમાં બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ ૦.૨૫ ટકા અને બીએસઈ એસએમઈ આઈપીઓ ૦.૩૭ ટકા વધ્યો હતો.

બધા સેક્ટરલ ઈન્ડાયસીસ વધ્યા હતા. બીએસઈ રિયલ્ટી ૧.૮૮ ટકા, હેલ્થકેર ૧.૪૧ ટકા, યુટિલિટીઝ ૦.૭૭ ટકા, કોમોડિટીઝ ૦.૭ ટકા, ટેલિકોમ્યુનિકેશન ૦.૬૭ ટકા, ટેક ૦.૬૩ ટકા, સર્વિસીસ ૦.૬૧ ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ૦.૬ ટકા, ઓટો ૦.૫૮ ટકા, પાવર ૦.૫૬ ટકા, કેપિટલ ગુડ્સ ૦.૫૨ ટકા, આઈટી ૦.૪૪ ટકા, કંઝ્યુમર ડિસ્ક્રેશનરી ૦.૪૩ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૦.૩૯ ટકા, ફાઈનાન્સિયલ સર્વિસીસ ૦.૩૧ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૨૯ ટકા, મેટલ ૦.૨૧ ટકા, બેન્કેક્સ ૦.૧૬ ટકા, એનર્જી ૦.૧૩ ટકા અને એફએમસીજી ૦.૦૭ ટકા વધ્યા હતા.

બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ગુરુવારે ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.૭૩૦.૬૮ કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં કુલ ૪,૪૦૦ સોદામાં ૮,૮૬૨ કોન્ટ્રેક્ટ્સનું કામકાજ થયું હતું. ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઈક્વિટી ફ્યુચર્સ મળીને કુલ ૬૧,૯૭,૭૭૮ કોન્ટ્રેક્ટના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા.
કુલ નોશનલ ટર્નઓવર રૂ. ૩,૮૮,૯૦,૯૩૦.૧૫ કરોડનું રહ્યું હતું. એફઆઈઆઈની રૂ. ૩,૨૫૯.૫૬ કરોડની અને સ્થાનિક સંસ્થાઓની રૂ. ૨,૬૯૦.૮૫ કરોડની ચોખ્ખી લેવાલી રહી હતી.

Show More

Related Articles

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…