સેન્સેક્સ અને નિફ્ટી નવી ઓલટાઇમ હાઇ સપાટીએ,રોકાણકારોની નજર એફઓએમસી મિનિટ્સ અને યુએસ સીપીઆઇ પર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકાની એફઓએમસી મિનિટ્સ અને યુએસ ફુગાવાના ડેટાની જાહેરાત અગાઉ ભારતીય શેરબજારે એફએમસીજી, એનર્જી અને મેટલ શેરોની આગેવાનીએ નીકળેલી નવેસરની લેવાલીના બળે સેન્સેક્સ અને નિફ્ટી નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.
સત્રને અંતે સેન્સેક્સ ૩૫૪.૪૫ પોઈન્ટ્સ અથવા ૦.૪૭ ટકા વધીને ૭૫,૦૩૮.૧૫ પોઇન્ટની ઓલટાઇમ હાઇ સપાટી પર અને નિફ્ટી ૧૧૧ પોઈન્ટ્સ અથવા ૦.૪૯ ટકા વધીને ૨૨,૭૫૩.૮૦ પોઇન્ટની નવી વિક્રમી સપાટીએ સ્થિર થયો હતો.
સત્ર દરમિયાન સેન્સેક્સ ૪૨૧.૪૪ પોઇન્ટ અથવા તો ૦.૫૬ ટકાના ઉછાળા સાથે ૭૫,૧૦૫.૧૪ પોઇન્ટની નવી ઇન્ટ્રા-ડે ઊંચી સપાટીએ, જ્યારે નિફ્ટી ૧૩૨.૯૫ પોઇન્ટ અથવા તો ૦.૫૮ ટકાના ઉછાળા સાથે ૨૨,૭૭૫.૭૦ પોઇન્ટની નવી ઇન્ટ્રા-ડે હાિ સપાટીએ પહોંચ્યો હતો.
સેન્સેક્સે પાછલા સત્રમાં પણ ૭૫,૦૦૦ની સપાટી વટાવી હતી પરંતુ ઇન્ડેક્સ હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રોફિટ બુકિંગ આવવાને કારણે બેન્ચમાર્ક આ સપાટીની ઉપર બંધ આપી શક્યો નહોતો. આ સત્રમાં વ્યાપક બજારમાં પણ તેજી જોવા મળી હતી. નિફ્ટી મિડકેપ ૧૦૦ અને બેન્ક નિફ્ટી ઇન્ડેક્સ પણ આ સત્રમાં પોતપોતાની વિક્રમી ટોચને સ્પર્શ્યા હતા. રમઝાન ઈદ નિમિત્તે આજે ૧૧ એપ્રિલે બજાર બંધ રહેશે.
નિફ્ટીમાં ટોચના વધનારા શેરોમાં કોલ ઈન્ડિયા, બીપીસીએલ, કોટક મહિન્દ્રા બેંક, આઈટીસી અને હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝનો સમાવેશ હતો, જ્યારે સિપ્લા, મારૂતિ સુઝુકી, એચડીએફસી લાઈફ, ડિવિસ લેબ્સ અને એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સનો સમાવેશ ટોપ લૂઝર્સ શેરોમાં હતો.
ફાર્મા સિવાય અન્ય તમામ ક્ષેત્રીય ઇન્ડેકસ મીડિયા, પીએસયુ બેંક, એફએમસીજી, મેટલ, ઓઇલ એન્ડ ગેસમાં એકાદ બે ટકાનો વધારો જોવા મળ્યો હતો. બીએસઇ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ ૦.૫ ટકા વધ્યા હતા.
વ્યક્તિગત શેરોમાં અતુલ, નવીન ફ્લોરિન ઈન્ટરનેશનલ, યુનાઈટેડ સ્પિરિટ્સમાં વોલ્યુમમાં ૩૦૦ ટકાથી વધુનો ઉછાળોે જોવા મળ્યો હતો. વેદાંત, નવીન ફ્લોરિન ઈન્ટરનેશનલ અને યુનાઈટેડ સ્પિરિટ્સમાં લોંગ બિલ્ડ-અપ જોવા મળ્યો હતો, જ્યારે ઈન્ફો એજ, ટાટા કોમ્યુનિકેશન્સ અને સિપ્લામાં શોર્ટ બિલ્ડ-અપ જોવા મળ્યો હતો.
બીએસઇમાં આરતી ઇન્ડસ્ટ્રીઝ, આઇસીઆઇસીઆઇ બેંક, એનટીપીસી, એમએન્ડએમ, એજિસ લોજિસ્ટિક્સ, કેસ્ટ્રોલ ઇન્ડિયા, એચઇજી, હનીવેલ ઓટોમેશન, આઇનોક્સ ગ્રીન, ઇન્ટરગ્લોબ એવિએશન, કેએસબી પમ્પ્સ, લૌરસ લેબ્સ, લોયડ્સ મેટલ્સ, પીબી ફિનટેક, પેટ્રોનેટ એલએનજી, સેઇલ, યુનાઇટેડ સ્પિરિટ્સ, વેદાંત સહિત અન્ય ૧૫૦થી વધુ શેરોએ તેમની બાવન સપ્તાહની ટોચને સ્પર્શી હતી.
માર્કેટ એનાલિસ્ટે જણાવ્યું હતું કે, નિફ્ટી આજે મોટાભાગે સાઇડલાઇનાં રહ્યો હતો, કારણ કે રોકાણકારોએ યુએસ સીપીઆઈ ફુગાવાના ડેટાની રાહ જોવાનું પસંદ કર્યું હતું, જે સંભવિતપણે ફેડરલ દ્વારા દર ઘટાડા પર અસર કરી શકે છે.
રેઝિસ્ટન્સ ઝોન ૨૨,૭૦૦-૨૨,૭૫૦ પર છે, જ્યારે સપોર્ટ ૨૨,૬૦૦ પર છે. ૨૨,૭૫૦ની ઉપર નિર્ણાયક ચાલ ટૂંકા ગાળામાં ૨૩,૦૦૦ તરફ રેલી લાવી શકે છે. બજાર રેન્જ-બાઉન્ડ હોવાનું જણાય છે, તેથી ઘટાડા પર ખરીદી અને રેલી પર વેચાણ એ યોગ્ય સ્ટોપ-લોસ પગલાં સાથે સારી વ્યૂહરચના સાબિત થઈ શકે છે.
ગીફ્ટ નિફ્ટીના સંકેતને પગલે, ભારતીય શેરબજારોએ દિવસની શરૂઆત ૨૨,૭૦૦ની આસપાસ મજબૂત ટોન પર કરી હતી અને બપોરના સત્ર સુધી બજાર રેન્જ બાઉન્ડ રહ્યા હતા. બેન્કિંગ અને એફએમસીજી કાઉન્ટર્સમાં તીવ્ર ઉછાળાએ ૧૧૧.૦૫ પોઈન્ટના વધારા સાથે ૨૨,૭૫૩.૮૦ ના રેકોર્ડ બંધ પર સાપ્તાહિક એક્સપાયરી ડે સેટલ કરવા માટે ઈન્ડેક્સને ઊંચો ધકેલ્યો હતો.
બેન્કિંગ ઉપરાંત, મેટલ શેરોએ ઈન્ડેક્સની તેજીમાં સૌથી વધુ યોગદાન આપ્યું હતું અને બીજી બાજુએ, ફાર્મા અને ઓટો આજના વેપારમાં ખોટમાં હતા. મિડ અને સ્મોલ કેપ્સ ઇન્ડેક્સે ૦.૯૭% અને ૦.૭૩% ના વધારા સાથે નિફ્ટીને પાછાળ રાખ્યું હતું.
એશિયન શેરો સ્થિર રહ્યા કારણ કે રોકાણકારોએ યેનના ઘટાડાને રોકવા માટે જાપાની સત્તાવાળાઓ દ્વારા સંભવિત પગલાં પર નજર રાખવા સાથે મોટા લેણથી અળગા રહ્યા છે અને ભાવિ વ્યાજ દરના નિર્ણયોની સમજ માટે યુએસ ફુગાવાના ડેટાની રાહ જોઈ રહ્યા છે. અમેરિકન શેરબજારોમાં સાધારણ ઉછાળાને પગલે જાપાનની બહાર એશિયા-પેસિફિક શેર્સ ઇન્ડેક્સમાં ૦.૨ ટકા જેવો સુધારો જોવા મળ્યો હતો.
રસપ્રદ વાત એ છે કે, પાછલા એક વર્ષમાં સેન્સેક્સ લગભગ ૨૫ ટકા વધ્યો છે અને તે ૨૧ એપ્રિલ, ૨૦૨૩ના રોજ ૫૨ સપ્તાહની નીચી સપાટી ૫૯,૪૧૨.૮૧ થી ૨૬ ટકાથી વધુ વધી ગયો છે. ટ્રેડ એનાલિસ્ટો જણાવે છે કે ૪ જૂને લોકસભાની ચૂંટણીના પરિણામો આગામી થોડા મહિનાઓ માટે બજારની ગતિના મુખ્ય નિર્ણાયક રહેશે.
વધુમાં યુએસ અને અન્ય મુખ્ય અર્થતંત્રોમાં વ્યાજ દરની સ્થિતિ, ભારતમાં ચોમાસાની પ્રગતિ (ખાનગી આગાહી કરનાર સ્કાયમેટે ૨૦૨૪ માટે સારા વરસાદની આગાહી કરી છે), કોર્પોરેટ પરિણામો, વિદેશી ભંડોળનો પ્રવાહ અને આર્થિક ફંડામેન્ટલ્સ પણ રોકાણકારોના સેન્ટિમેન્ટ પર મોટી અસર કરશે.
સેન્સેક્સમાં આઈટીસી ૨.૪૯ ટકા, કોટક મહિન્દ્રા બેન્ક ૨.૪૦ ટકા, ભારતી એરટેલ ૨.૧૧ ટકા, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૧.૯૪ ટકા અને એશિયન પેઈન્ટ્સ ૧.૩૬ ટકા વધ્યા હતા, જ્યારે મારુતી સુઝુકી ઈન્ડિયા ૧.૬૦ ટકા, એચડીએફસી બેન્ક ૦.૮૩ ટકા, લાર્સન એન્ડ ટુબ્રો ૦.૭૮ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૬૨ ટકા અને ટાટા સ્ટીલ ૦.૪૮ ટકા ઘટ્યા હતા. આજે બધા ગ્રુપની કુલ ૧૨ કંપનીઓમાંથી ૯ કંપનીઓને ઉપલી અને ૩ કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી.