શેર બજાર

સેન્સેક્સ અને નિફ્ટી નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા, બજારની નજર આર્થિક ડેટા અને ફેડરલની બેઠક પર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજારે સપ્તાહના પહેલા સત્રમાં અડાતફડી વચ્ચેથી પસાર થઇને એક નવો માઇલસ્ટોન્સહાંસલ કર્યો છે, જેમાં ફાર્મા સેક્ટરને બાદ કરતાં વ્યાપક ખરીદી વચ્ચે સેન્સેક્સ ઇતિહાસમાં પ્રથમ વખત ૭૦,૦૦૦ની સપાટીને પાર કરી ગયો હતો અને નિફ્ટીએ ૨૧,૦૨૬.૧૦ની નવી ઊંચી સપાટીને સ્પર્શી હતી. જોકે બંને બેન્ચમાર્ક ઉપરોકત સંબંધિત મનોવૈજ્ઞાનિક સપાટીની ઉપર બંધ આપવામાં નિષ્ફળ રહ્યાં હતાં.

સેન્સેક્સ ઈન્ટ્રા-ડે ૭૦,૦૫૭.૮૩ના સર્વોચ્ચ સ્તરને સ્પર્શીને અંતે ૧૦૨.૯૩ પોઈન્ટ્સ અથવા ૦.૧૫ ટકા વધીને ૬૯,૯૨૮.૫૩ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. એ જ રીતે, નિફ્ટી પણ સત્ર દરમિયાન ૨૧,૦૨૬.૧૦ની ઓલટાઇમ હાઇ સપાટીને અથડાઇને અંતે ૨૭.૭૦ પોઈન્ટ્સ અથવા ૦.૧૩ ટકા વધીને ૨૦,૯૯૭.૧૦ની નવી રેકોર્ડ હાઈ સપાટીએ પહોંચ્યો હતો.

મિશ્ર વૈશ્ર્વિક સંકેતો વચ્ચે બજાર નજીવું ઊંચું ખુલ્યું હતું અને સેન્સેક્સ સવારના જ સત્રમાં ૭૦,૦૫૭.૮૩ પોઇન્ટની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો, પરંતુ પ્રોફિટ બુકિંગ શરૂ થઇ જતાં તે આ સપાટીની ઉપર ટકી શક્યો નહોતો. એ જ સાથે નિફ્ટીનો પણ બીજી વખત ૨૧,૦૦૦ની સપાટી પાર કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.

નિફ્ટીમાં ટોપ ગેઇનર શેરોમાં યુપીએલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ઓટો, અદાણી એન્ટરપ્રાઇઝિસ અને એલટીઆઇ માઇન્ડટ્રી હતા, જ્યારે ડો રેડ્ડીઝ લેબોરેટરીઝ, સિપ્લા, એક્સિસ બેન્ક, બીપીસીએલ અને એમએન્ડએમનો સમાવેશ ટોપ લુઝર શેરોમાં હતો. ક્ષેત્રીય ધોરણે પીએસયુ બેન્ક, એફએમસીજી, કેપિટલ ગુડ્સ, પાવર, મેટલ અને રિયલ્ટી ૦.૫-૧ ટકા, જ્યારે ફાર્મા ઇન્ડેક્સ ૦.૪ ટકા ઘટ્યા હતા. જોકે, મિડકેપ ઈન્ડેક્સ એક ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૭ ટકાનો વધારો થયો છે. સેન્સેક્સના ટોપ ગેઇનર્સમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, નેસ્લે, પાવરગ્રીડ, ટાટા મોટર્સ, ઇન્ડસઇન્ડ બેન્ક, એચસીએલ ટેક, ટીસીએસ, ટેક મહિન્દ્રા, એનટીપીસી, આઇટીસી, જેએસડબલ્યુ સ્ટીલ અને ટાટા સ્ટીલનો સમાવેશ હતો.

મૂડીબજારમાં ભરણાંઓની ભરમાર ચાલુ રહી છે. આઇનોક્સ ઇન્ડિયાના આઇપીઓ માટે પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ.૬૨૭ થી રૂ.૬૬૦ નક્કી થઇ છે. સબસ્ક્રિપ્શનની તારીખ ૧૪ ડિસેમ્બરે ખૂલશે અને ૧૮ ડિસેમ્બરે બંધ થશે. એન્કર રોકાણકારોને ફાળવણી ૧૩ ડિસેમ્બરે થવાની છે. મિનિમમ બિડ લોટ બાવીસ શેરનો છે. ઈલેક્ટ્રિક વ્હીકલ પ્રોડ્યસુર કાઈનેટિક ગ્રીને ઈલેક્ટ્રિક ટુ અને થ્રીવ્હીલર સ્પેસમાં વિસતરણની યોજના હેઠળ સ્થાનિક બજારમાં તેનું નવું ઈ-સ્કૂટર ઝુલુ રજૂ કર્યું છે. મેડ ઇન ઇન્ડિયા ફેમ-ટુને સુસંગત હાઇસ્પીડ ઇલેક્ટ્રિક સ્કૂટરનો મુંબઇનો એક્સ સોરૂમ ભાવ રૂ. ૯૪,૯૯૦થી શરૂ થાય છે, કંપનીએ જણાવ્યું હતું. કંપની ઇલેક્ટ્રિક ટુવ્હીર્લ્સ મારફત નાણાકીય વર્ષમાં રૂ. ૬૦૦ કરોડ રળવાની નેમ ધરાવે છે.

સેન્સેક્સ ૭૦૧,૦૦ પાર કરીને પાછો ફરી ગયો પરંતુ સ્મોલ અને મિડકેપ શેરોમાં ફરી લાર્જ કેપ કરતા સારી લેવાલી અને સુધારો જોવા મળ્યો હતો. જોકે, આજે મંગળવારે જાહેર થનારા ડેટા પર બજારની નજર હોવાથી ઊંચા મથાળે વેચવાલી જોવા મળી હતી. લાર્જકેપ ઇન્ડેક્સના ૦.૨૧ ટકાના વધારા સામે મિડકેપ ઇન્ડેક્સ ૦.૯૧ ટકા અને સ્મોલ કેપ ઇન્ડેક્સ ૦.૭૧ ટકા વધ્યો છે. મંગળવારે ભારત અને અમેરિકાના ઇન્ફ્લેશનના તથા આઇઆઇપીના ડેટા જાહેર થવાના છે. આ ઉપરાંત રોકાણકારો અમેરિકાની ફેડરલ રિઝર્વ ઓપન માર્કએટ કમિટીની આજથી શરૂ થનારી બેઠક પર પણ નજર રાખશે, જેના પરથી વ્યાજદર અંગેના આગામી વલણ અંગે ખ્યાલ મેળવી શકાય. ફેડરલ બુધવારે આ અંગે જાહેરાત કરશે. આ સપ્તાહે પાંચ કંપનીઓના આઇપીઓ આવી રહ્યાં છે જે અંદાજે રૂ. ૪૨૦૦ કરોડ એકત્ર કરશે. સેન્સેક્સની ૧૮ કંપનીઓ ગ્રીન ઝોનમાં હતી અને ૧૧ શેરના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. એક ટોચના ચાર્ટિસ્ટ અનુસાર નિફચીમાં સ્પિનીંગ ટોપ જેવી રચના એક તરફ એવો સંકેત આપે છે કે તેજી અને મંદીવાળા બજારની આગામી ચાલ માટે અવઢવમાં છે. જ્યારે બેન્ક નિફ્ટીમાં શૂટીંગ સ્ટાર પેટર્ન ઊંચા મથાળે વેચવાલીના સંકેત આપે છે. નિફ્ટીએ પાછલા સત્રમાં લગભગ હાઈ વેવ બોટમ પેટર્ન બનાવી હતી. નિફ્ટી હવે નજીકના ગાળા માટે ૨૦,૮૫૦-૨૧,૦૫૦ના ઝોનમાં રહી શકે છે. જોકે, હાલ નિફ્ટી માટે ૨૧,૦૦૦ના સ્તરે તીવ્ર અવરોધ જણાઇ રહ્યો છે.

એક તરફ એફઆઇઆઇનો રોકાણ પ્રવાહ ફરી શરૂ થઇ રહ્યો છે તો બીજી તરફ નવેમ્બરમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડના ફ્લોમાં ઘટાડો નોંધાયો હતો. સ્મોલ, મિડિયમ, લાર્જ અને મલ્ટિ-કેપ ફંડ્સમાં ઇન્વેસ્ટમેન્ટ ઘટ્યું છે. મેનેજ્ડ ઇક્વિટી સ્કીમ્સમાં ચોખ્ખું રોકાણ પાછલા મહિનાની સરખામણીએ ૨૨.૧૫ ટકા ઘટીને રૂ. ૧૫,૫૩૬.૪ કરોડ થયું છે. નવેમ્બરમાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં એસઆઈપીનું યોગદાન રૂ. ૧૭,૭૦૩ કરોડ રહ્યું છે, જે ઓક્ટોબરમાં રૂ. ૧૬,૯૨૮ કરોડના સ્તરે હતું.

વીજળી અને રિઅલ એસ્ટેટ ક્ષેત્રે વધતી માગ, ધિરાણનો વિકાસદર અને ગ્રામીણ ક્ષેત્રની માગ જેવા મુખ્ય સંકેતકો અર્થતંત્રની મજબૂતી દર્શાવે છે, જે બજારને ઉત્સાહિત રાખી શકે છે. બેંકિંગ સેકટરના શેરોમાં તાજેતરમાં ખૂબ ઉછાળા આવ્યા હોવાથી જેના વેલ્યુએશન્સ ઊંચી સપાટીએ પહોંચ્યા હોય એ શેરોમાં પ્રોફિટ બુકિંગ આવી શકે છે. ક્રૂડ ઓઈલમાં ઘટાડો પેઇન્ટ, ટાયર અને એવિએશન માટે સકારાત્મક છે. રવિ મોસમની વાવણીમાં ઘટાડો અને જળાશયોના સ્તરમાં ઘટાડો અનાજના ભાવમાં વધારો લાવી શકે છે અને તેની અસર એફએમસીજી શેરો પર હજુ પણ વર્તાઇ શકે છે. જોકે, નિષ્ણાતો માને છે કે, આરબીઆઈએ આર્થિક વૃદ્ધિની આગાહી વધારીને અને ખાદ્ય ફુગાવા પર ચિંતા વ્યક્ત કરીને સંતુલિત અભિગમ અપનાવ્યો હતો, જેને કારણે ટૂંકા ગાળામાં બજારને પુશ મળી શકે છે.

બજારના અભ્યાસુઓ માને છે કે ખાસ કરીને લાર્જ કેપમાં વેલ્યુએશન્સ ઊંચા હોવાથી પ્રોફિટ બુકિંગ આવી શકે છે. તેજીનો આગલો તબક્કો શરૂ થાય તે પહેલાં બજાર વર્તમાન સ્તરની આસપાસ અથડાતું રહે એવી શક્યતા છે. નોંધવું રહ્યું કે, નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીએ સતત છઠ્ઠા સપ્તાહે ૩.૪૬ ટકાનો વધારો નોંધાવ્યો હતો અને જુલાઈ ૨૦૨૨ પછી આ સૌથી મોટો વધારો છે. આ પ્રક્રિયામાં નિફ્ટીએ ત્રણ વર્ષમાં સૌથી લાંબો સાપ્તાહિક વધારો નોંધાવ્યો છે. અગ્રણી સ્ટોક બ્રોકિંગ ફર્મના રિસર્ચ હેડે જણાવ્યું હતું કે, નજીકના ગાળામાં અપટ્રેન્ડ અકબંધ રહેશે. વર્તમાન કોન્સોલિડેશન અથવા થોડી નબળાઈને કારણે નિફ્ટી નજીકના ગાળામાં ફરીથી ઝડપથી વધી શકે છે. આગામી પ્રતિકાર સપાટી ૨૧,૫૫૦ની આસપાસ છે. જ્યારે તાત્કાલિક સપોર્ટ ૨૦,૮૫૦ના સ્તરે જોવા મળી રહ્યો છે. આ સત્રમાં બેન્ક નિફ્ટીએ પણ નવી ઊંચી સપાટી સર કરી હતી. આ વર્ષે અત્યાર સુધીમાં બેન્ચમાર્ક નિફ્ટી ઇન્ડેક્સના નવ ટકા સામે બેન્ક નિફ્ટીમાં ૧૫ ટકાની તેજી જોવા મળી છે. બેન્ક નિફ્ટી ઇન્ડેક્સ પાછલા અઠવાડિયે ૫ાંચ ટકાથી વધુ ઉછળ્યો છે અનેે જુલાઈ ૨૦૨૨ પછીનો સૌથી મોટો સાપ્તાહિક ઉછાળો નોંધાવ્યો છે. એકંદરે યુએસ બોન્ડ યીલ્ડમાં સતત ઘટાડો, ભારતનો જીડીપી વૃદ્ધિ દર, ક્રૂડના ભાવમાં ઘટાડો અને રાજકીય સ્થિરતા જેવા સાનુકૂળ પરિબળો બજારને ટેકો આપી રહ્યાં છે. એક્સચેન્જ ડેટા અનુસાર એફઆઇઆઇએ શુક્રવારના સત્રમાં રૂ. ૩,૬૩૨.૩૦ કરોડના શેરની લેવાલી નોંધાવી છે. ગુરુવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. ૧૫૬૪ કરોડના શેરનું વેચાણ કર્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…