વૈશ્ર્વિક તેજી સાથે ઇન્ફોસીસી, એચડીએફસી બૅન્ક સહિતના શૅરોમાં લેવાલીનો ટેકો મળતાં સેન્સેક્સ અને નિફ્ટીમાં એકાદ ટકાની આગેકૂચ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એચડીએફસી બેન્ક અને ઇન્ફોસિસમાં ખરીદી અને યુએસ તથા એશિયન બજારોમાં આવેલી તેજીને કારણે ગુરૂવારના સત્રમાં ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીએ પ્રારંભિક નબળાઇ ખંખેરીને લગભગ એકાદ ટકાનો ઉછાળો નોંધાવ્યો હતો.
અત્યંત અસ્થિર અફડાતફડીના માહોલમાંથી પસાર થઇને અંતે, ત્રીસ શેર ધરાવતો બીએસઇ સેન્સેક્સ ૬૭૬.૬૯ પોઈન્ટ અથવા ૦.૯૩ ટકા વધીને ૭૩,૬૬૩.૭૨ પોઇન્ટ પર સેટલ થયો હતો. દિવસ દરમિયાન, આ બેન્ચમાર્ક ૭૩,૭૪૯.૪૭ પોઇન્ટની ઊંચી સપાટી અને ૭૨,૫૨૯.૯૭ પોઇન્ટની નીચી સપાટીને અથડાયો હતો. જ્યારે એનએસઇનો નિફ્ટી ૨૦૩.૩૦ પોઈન્ટ અથવા ૦.૯૨ ટકા વધીને ૨૨,૪૦૩.૮૫ પોઇન્ટની સપાટી પર પહોંચ્યો હતો.
શેરબજાર સત્રની સારી શરૂઆત બાદ અથડાઈ ગય હતું. વિશ્ર્વબજારમાં સુધારાની ચૂંટણીથી ભારતીય મુખ્ય શેરજાના સૂત્ર ગુરૂવારના ટ્રેડિંગની સકારાત્મક શરૂઆત કરી હતી. યુએસ ગ્રાહક ફુગાવાના અપેક્ષિત કરતાં નીચા સ્તરને કારણે ફેડરલ રિઝર્વ ૨૦૨૪માં ઓછામાં ઓછા એક વખત દરમાં ઘટાડો કરશે, એવી અટકળો અને આશાવાદ વચ્ચે સ્થાનિક સેન્ટિમેન્ટને સ્થિરતા મળી હતી. આજે મહિન્દ્રા, હિન્દુસ્તાન એરોનોટિક્સ, ગેઈલ, ઈન્ફો એજ, વોડાફોન આઈડિયા, બાયોકોન ચોથા ક્વાર્ટરના પરિણામોને આધારે શેરલક્ષી કામકાજ જોવા મળ્યાં હતાં. યુએસ ડેટા દર્શાવે છે કે એપ્રિલમાં ગ્રાહક ભાવાંક ફુગાવો ૦.૩ ટકા વધ્યો છે.
દરમિયાન મૂડીબજારમાં હલચલ ચાલુ છે. ફ્લેક્સિબલ વર્કસ્પેસ સોલ્યુશન્સ કંપની ઓવફિસ સ્પેસ સોલ્યુશન્સ લિમિટેડે તેની રૂ. ૫૯૯ કરોડની પ્રારંભિક જાહેર ઓફર માટે શેર દીઠ રૂ. ૩૬૪-૩૮૩ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. કંપનીનો પ્રથમ જાહેર ઈશ્યુ ૨૨ મેના રોજ ખુલશે અને ૨૭ મેના રોજ બંધ થશે અને એન્કર રોકાણકારો માટે બિડિંગ ૨૧ મેના રોજ એક દિવસ માટે ખુલશે. મિનિમમ લોટ સાઇઝ ૩૯ શેરની છે. શેર બીએસઇ અને એનએસઇ પર લિસ્ટેડ થશે.
માર્કેટ એનાલિસ્ટે કહ્યું હતું કે, સ્થાનિક બજારમાં પ્રરંભમાં થોડી પીછેહઠ બાદ મોડા ઉછાળાનો અનુભવ થયો હતો. યુએસ ગ્રાહક ફુગાવાના અપેક્ષિત કરતાં નીચા આંકડાને કારણે એવો નિર્દેશ મળે છે કે, ૨૦૨૪માં ઓછામાં ઓછા બે વ્યાજ દરમાં ઘટાડો જોવા મળી શકે છે. આ અટકળો અને આશાવાદ વચ્ચે ગ્લોબલ ઇક્વિટી માર્કેટમાં સુધારો જોવા મળ્યો હતો. વધુમાં, વ્યાપક બજારમાં ઉછાળો ચાલુ રહ્યો હતો. વૈશ્ર્વિક આર્થિક અનિશ્ર્ચિતતાઓ, છતાં નિકાસ વધી રહી હોવાથી મિડકેપ શેરોએ હેવીવેઇટ્સના સેક્ટર બેન્કિંગ, આઇટી અને ઔદ્યોગિક ક્ષેત્રોને પાછળ મૂકી દીધા હતા.
સેન્સેક્સના ઘટકોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ભારતી એરટેલ, ટેક મહિન્દ્રા, ટાઇટન, ઇન્ફોસીસ, જેએસડબલ્યુ સ્ટીલ, બજાજ ફિનસર્વ, એચડીએફસી બેંક, લાર્સન એન્ડ ટુબ્રો અને કોટક મહિન્દ્રા બેંકનો ટોપ ગેઈનર્સ શેરોની યાદીમાં સમાવેશ હતો. મારૂતિ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પાવર ગ્રીડ, ટાટા મોટર્સ અને ઈન્ડસઈન્ડ બેંક ટોપ લુઝર્સ રહ્યાં હતાં.
એશિયન બજારોમાં, સિઓલ, ટોકીયો, શાંઘાઈ અને હોંગકોંગ આગેકૂચ સાથે પોઝિટીવ ઝોનમાં સ્થિર થયા હતા, યુરોપિયન બજારો નીચી સપાટીએ લપસીને નેગેટીવ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હોવાના અહેવાલ હતા. વોલ સ્ટ્રીટ બુધવારે ઊંચી સપાટીએ બંધ રહ્યું હતું. વેશ્ર્વિક ક્રૂડ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૩૩ ટકા ઘટીને ડોલર ૮૨.૪૫ પ્રતિ બેરલ થયું છે. એક્સચેન્જ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ બુધવારે રૂ. ૨,૮૩૨.૮૩ કરોડના મૂલ્યની ઇક્વિટીઓ ઓફલોડ કરી હતી. સેન્સેક્સ ત્રણ દિવસની તેજીને બ્રેક મારીને બુધવારે ૧૧૭.૫૮ પોઈન્ટ અથવા ૦.૧૬ ટકા ઘટીને ૭૨,૯૮૭.૦૩ પોઇન્ટના સ્તરે સેટલ થયો હતો. એનએસઇનો નિફ્ટી ૧૭.૩૦ પોઈન્ટ અથવા ૦.૦૮ ટકા ઘટીને ૨૨,૨૦૦.૫૫ પોઇન્ટ પર આવી ગયો હતો.
દરમિયાન, લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન (એલઆઇસી)ને ૧૦ ટકા લઘુત્તમ પબ્લિક શેરહોલ્ડિંગ (એમપીએસ) હાંસલ કરવા માટે વધારાના ત્રણ વર્ષ માટે બજાર નિયમનકાર સેબી તરફથી મંજૂરી મળી છે. છેલ્લા પાંચ દિવસમાં, એલઆઇસીના શેરમાં ૧.૬૬ ટકાનો વધારો થયો છે, અને છેલ્લા છ મહિનામાં, તે ૫૩.૪૩ ટકા વધ્યો છે. કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે હવે, વીમા અગ્રણીએ ૧૬ મે, ૨૦૨૭ના રોજ અથવા તે પહેલાં ૧૦ ટકા એમપીએસ હાંસલ કરવાની જરૂર છે. સેન્સેક્સમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૩.૦૫ ટકા, ટેક મહિન્દ્રા ૨.૬૬ ટકા, ભારતી એરટેલ ૨.૫૩ ટકા, ઈન્ફોસિસ ૨.૨૬ ટકા અને ટાઈટન ૨.૧૭ ટકા વધ્યા હતા જ્યારે મારુતિ ૨.૧૬ ટકા, ટાટા મોટર્સ ૧.૧૫ ટકા, સ્ટેટ બેન્ક ૧.૦૪ ટકા, પાવર ગ્રીડ ૦.૭૮ ટકા અને ઈન્ડસઈન્ડ બેન્ક ૦.૫૬ ટકા ઘટ્યા હતા. આજે સાત કંપનીઓને ઉપલી અને ત્રણ કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી.