સેન્સેક્સમાં સતત દસમા દિવસે આગેકૂચ: નિફ્ટી ૨૦,૧૦૩પોઇન્ટની નવી સર્વકાલિન ઊંચી સપાટીએ પહોંચ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: એનએસઇનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી ૩૩ પોઈન્ટથી વધુ આગળ વધીને ૨૦,૧૦૩ પોઇન્ટની તાજી લાઇફટાઇમ ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે સેન્સેક્સે ગુરૂવારે સતત દસમા સત્રમાં આગેકૂચ ચાલુ રાખી હતી. વૈશ્ર્વિક ઇક્વિટી માર્કેટના સકારાત્મક વલણને કારણે ખાસ કરીને સત્રના અંતિમ તબક્કામાં ઓઇલ એન્ડ ગેસ, મેટલ અને કોમોડિટી શેરોમાં નવેસરની લેવાલીનો ટેકો મળવાથી બેન્ટમાર્કને આગળ વધવામાં સફળતા મળી હતી.
સમગ્ર સત્ર દરમિયાન નેગેટીવ અને પોઝિટીવ ઝોનમાં અટવાયા પછી, ૩૦ શેરો ધરાવતો બીએસઇ સેન્સેક્સ ૫૨.૦૧ પોઈન્ટ અથવા ૦.૦૮ ટકા વધીને ૬૭,૫૧૯ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. સત્ર દરમિયાન, તે ૩૦૪.૦૬ પોઈન્ટ અથવા ૦.૪૫ ટકા ઉછળીને તેની સર્વકાલીન ઈન્ટ્રા-ડે હાઈ ૬૭,૭૭૧.૦૫ પોઇન્ટની સપાટીને અથડાયો હતો. પાછલા ૧૦ સત્રમાં ઇન્ડેક્સ ૨,૬૮૭.૫૯ પોઈન્ટ અથવા ૪.૧૪ ટકા ઊછળ્યો છે.
નિફ્ટી ૩૩.૧૦ પોઈન્ટ અથવા ૦.૧૬ ટકા વધીને ૨૦,૧૦૩.૧૦ પોઇન્ટની સર્વકાલીન ટોચે બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન, તે ૯૭.૬૫ પોઈન્ટ અથવા ૦.૪૮ ટકા વધીને ૨૦,૧૬૭.૬૫ પોઇન્ટની તેની લાઇફ ટાઇમ ઈન્ટ્રા-ડે ટોચ પર પહોંચ્યો હતો.
બજારે ઉર્ધ્વગતિ ચાલુ રાખી હતી પરંતુ વેલ્યુએશન મોંઘા બની રહ્યા હોવાથી તેની ગતિમાં તીવ્રતાનો અભાવ જોવા મળ્યો છે. રોકાણકારો સાવચેતીનો માર્ગ અપનાવી રહ્યા છે. વૈશ્ર્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો પણ રોકાણકારોને ચિંતામાં મૂકે છે કારણ કે તે ફુગાવાને વેગ આપી શકે છે અને વિશ્ર્વભરની મધ્યસ્થ બેન્કોને દરમાં વધારો કરવાની વ્યવસ્થા જાળવી રાખવા દબાણ કરી શકે છે.
પ્રારંભિક વોલેટિલિટી અને ત્યાર બાદ રેન્જ-બાઉન્ડ વલણ હોવા છતાં, મેટલ્સ, ઓઇલ એન્ડ ગેસ અને રિયલ્ટી શેર્સમાં તેજી જોવા મળી હતી, જે દર્શાવે છે કે રોકાણકારો પસંદગીના ક્ષેત્રોમાં રોકાણ કરવા ઉત્સુક છે.
સેન્સેક્સ ચાર્ટ પર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સૌથી વધુ ૨.૫૬ ટકા વધ્યો હતો, ત્યારબાદ સૌથી વધુ વધનારા શેરોની યાદીમાં ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા, નેસ્લે, પાવર ગ્રીડ, ઇન્ફોસીસ, એચસીએલ ટેક્નોલોજીસ, એક્સિસ બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ અને એલએન્ડટીનો સમાવેશ હતો. તેનાથી વિપરીત, એશિયન પેઇન્ટ્સ, આઇટીસી, બજાજ ફિનસર્વ, ભારતી એરટેલ અને ટાટા મોટર્સ ટોપ લૂઝર્સ બન્યા હતાં.
બ્રોડર માર્કેટમાં, સ્મોલકેપ ઇન્ડેક્સ ૧.૧૫ ટકા ઉછળ્યો હતો અને મિડકેપ ઇન્ડેક્સ ૧.૦૨ ટકા વધ્યો હતો. રિયલ્ટી ૧.૪૭ ટકા, ઓઇલ એન્ડ ગેસ ૧.૪૦ ટકા, મેટલ (૧.૩૯ ટકા), કોમોડિટી (૧.૦૯ ટકા), ઓટો (૦.૯૪ ટકા), યુટિલિટીઝ (૦.૯૨ ટકા), એનર્જી (૦.૮૨ ટકા) સાથે તમામ ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં બંધ રહ્યાં હતાં.
વૈશ્ર્વિક સ્તરે ગુરુવારે એશિયન શેરોમાં સુધારો જોવા મળ્યો હતો, કારણ કે ટ્રેડર્સને લાગ્યું હતું કે, યુએસ ફુગાવા માટે નાનું અપસાઇડ સરપ્રાઈઝ વ્યાજ દરોમાં વધારો કરે તેવી શક્યતા નથી. ગુરૂવારે યુરોપિયન બજારો મિશ્રિત હતા કારણ કે રોકાણકારો સતત ૧૦મી બેઠક માટે યુરો ઝોનના વ્યાજદરમાં વધારો કરવા અંગેના યુરોપિયન સેન્ટ્રલ બેન્કના નિર્ણાયક નિર્ણયની રાહ જોઈ રહ્યા હતા. એશિયન બજારોમાં, સિઓલ, શાંઘાઈ અને હોંગકોંગ સકારાત્મક ઝોનમાં બંધ રહ્યાં હતાં.
યુરોપિયન ઇક્વિટી બજારોમાં મોટાભાગે સુધારો જોવા મળઅયો હતો. બુધવારે યુએસ બજારોનો અંત મિશ્રિત રહ્યો હતો..
અપેક્ષિત યુએસ ફુગાવો અને હોકીશ ઇસીબી પોલિસી મીટિંગ્સની અટકળો વચ્ચે રોકાણકારોના સેન્ટિમેન્ટને અસર કરી હોવાથી બજાર નવી ઊંચાઈને સ્પર્શ્યા પછી રેન્જ-બાઉન્ડ ટ્રેડ કરે છે. ક્રૂડ ઓઇલના વધતા ભાવને કારણે મૂલ્યાંકન અને ફુગાવાની ચિંતા નજીકના ગાળામાં બજારને કોન્સોલિડેશન જોનમાં ધકેલી શકે છે.
એક્સચેન્જ ડેટા અનુસાર વૈશ્ર્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૫૬ ટકા વધીને ૯૨.૩૯ પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ બુધવારે રૂ. ૧,૬૩૧.૬૩ કરોડની ઇક્વિટી ઑફલોડ કરી હતી. બુધવારે બેન્ચમાર્ક ૨૪૫.૮૬ પોઈન્ટ અથવા ૦.૩૭ ટકા વધીને ૬૭,૪૬૬.૯૯ પર સ્થિર થયો હતો. વ્યાપક નિફ્ટી ૭૬.૮૦ પોઈન્ટ અથવા ૦.૩૮ ટકા વધીને ૨૦,૦૭૦ સુધીની રેલી કરીને પ્રથમ વખત ૨૦,૦૦૦ની ઉપર સમાપ્ત થયો, જે તેનો સર્વકાલીન ઉચ્ચતમ બંધ છે.