
નિલેશ વાઘેલા
મુંબઇ: અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ મુદ્દે જબરદસ્ત ખેંચતાણ અને પ્રતિપ્રહારની પ્રવૃત્તિ જોરમાં છે ત્યારે ભારતીય શેરબજારે આજે ગુરુવારે ૧૫૦૦ પોઇન્ટની છલાંગ લગાવીને રોકાણકારોને ચકિત કરી દીધા છે.
ટેરિફ વોર અને મંદીની ચિંતા વચ્ચે વિશ્વ બજારમાં જોવા મળેલી નરમાઇ પાછળ ભારતીય શેરબજાર પણ નીચા મથાળે ખૂલ્યું હતું અને પ્રારંભિક સત્રમાં નીચા સ્તરે અથડાતું રહ્યું હતું.
આ પણ વાંચો: ભારત ટેરિફના ફટકામાંથી બહાર આવી જનાર પ્રથમ મુખ્ય શેરબજાર બન્યું!
વિપ્રોના નાણાકીય પરિણામમાં આગામી સમયગાળા માટે નીરસ આગાહી થયા બાદ ખાસ કરીને આઇટી શેરોની આગેવાની હેઠળ વેચવાલી તીવ્ર રહી હતી. પરંતુ પાછળથી એચડીએફસી બેંક અને આઇસીઆઇસીઆઇ બેંકના શેરોની લેવાલી સાથે આખો માહોલ પલટાયો હતો. આ બંનેના પરિણામ જાહેર થવાના છે.
જોકે ટ્રેડ વોર જોરમાં હોવાથી તેજીની આવરદા માટે કોઈ આગાહી કરવી મુશ્કેલ છે. અમેરિકાએ ચીન પર ૨૪૫ ટકા ટેરિફ ઠોકી બેસાડી છે , તો સામે ચીન અમેરિકા તરફની નિકાસ પર પ્રતિબંધ લાદી રહ્યું છે.
આ પણ વાંચો: ટેરિફના ફટકાને ફગાવી સેન્સેક્સે લગાવી ૧૫૭૮ પોઇન્ટની છલાંગ…
ટ્રમ્પના ટેરિફ પછી, વિશ્વના બે આર્થિક કેન્દ્રો, અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર સંબંધોમાં ખટાશ હવે ચરમસીમાએ પહોંચી ગઈ છે. બેઇજિંગે વોશિંગ્ટન સામે અત્યાર સુધીનું સૌથી કઠિન પગલું ભર્યું છે, જેમાં ચુંબક, દુર્લભ પૃથ્વી ખનિજો અને ધાતુઓ સહિત અનેક મહત્વપૂર્ણ અને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો અવરોધિત કરવામાં આવ્યો છે.
ચીનના આ પગલાથી પશ્ચિમી દેશોને શસ્ત્રોના ઉપયોગની સામગ્રી, ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમેકર્સ, એરોસ્પેસ ઉત્પાદકો, સેમિકન્ડક્ટર કંપનીઓ અને ગ્રાહક માલનો પુરવઠો ગુમાવવાનું જોખમ છે.
ચીન સરકાર નિકાસ માટે એક નવી નિયમનકારી વ્યવસ્થાનો મુસદ્દો તૈયાર કરી રહી છે. એક તરફ નીતિ તૈયાર થઈ રહી છે, તો બીજી તરફ, ન્યૂ યોર્ક ટાઈમ્સ અનુસાર, ઘણા ચીનના બંદરો પર ચુંબકથી લઈને કાર અને મિસાઈલમાં વપરાતી વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અહેવાલ મુજબ, નવી નિયમનકારી વ્યવસ્થા તૈયાર થઈ ગયા પછી, યુએસ લશ્કરી કોન્ટ્રાક્ટરો સહિત કેટલીક કંપનીઓને માલ સપ્લાય કરવા પર કાયમી પ્રતિબંધ મૂકવામાં આવશે.