સેન્સેક્સ પોઝિટીવ ઝોનમાં પાછો ફર્યો, પરંતુ ૭૪,૦૦૦ની સપાટી પુન: હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યો!
મુંબઇ: એશિયન બજારોના મિશ્ર સંકેતો વચ્ચે એચડીએફસી બેન્ક, ટીસીએસ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, મારુતિ, ઇન્ફોસિસ અને ભારતી એરટેલ જેવા ઇન્ડેક્સ હેવીવેઇટ્સ શેરોમાં ભારે લેવાલીનો ટેકો મળવાથી મંગળવારે બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી ઊંચા સ્તરે બંધ થવામાં સફળ રહ્યાં હતાં.
રાબેતા મુજબની અફડાતફડીમાીં પસાર થઇને ત્રીસ શેર ધરાવતો બીએસઇ બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ સત્રને અંતે ૧૬૫.૩૨ પોઈન્ટ અથવા ૦.૨૨ ટકા વધીને ૭૩,૬૬૭.૯૬ પોઇન્ટ પર બંધ થયો હતો. દિવસ દરમિયાન, બેરોમીટર ૫૦૧.૫૨ પોઈન્ટ વધીને ૭૪,૦૦૪.૧૬ના સ્તરે પહોંચ્યો હતો પરંતુ ત્યાં ટકી શક્યો નહોતો. જ્યારે વ્યાપક પાયો ધરાવતો એનએસઇનો પચાસ શેરવાળો બેન્ચમાર્ક નિફ્ટી ઇન્ડેક્સ ૩.૦૫ પોઇન્ટ અથવા ૦.૦૧ ટકાનો નજીવો વધારો નોંધાવીને ૨૨,૩૩૫.૭૦ પોઇન્ટની સપાટી પર લગભગ ફ્લેટ બંધ રહ્યો હતો. સેન્સેક્સ કંપનીઓમાં એચડીએફસી બેન્કની સ્ક્રીપ બે ટકાથી વધુ ઉછળી હતી. ટીસીએસ, મારુતિ, ઈન્ફોસીસ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ભારતી એરટેલના શેરમાં સારી લેવાલી સાથે ઉછાળો રહેતા ટોપ ગેઇનર બન્યા હતા. જ્યારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, જેએસડબલ્યુ સ્ટીલ, આઇટીસી, ટાટા મોટર્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને નેસ્લે ટોપ લુઝર્સ રહ્યાં હતાં.
મૂડીબજારમાં ઘણા સમય બાદ કોઇ શેર ડિસ્કાઉન્ટમાં લિસ્ટેડ થયો છે. ઇન્ટિગ્રેટેડ માર્કેટિંગ સર્વિસ કંપની આર કે સ્વામીનો શેર એનએસઇ પર તેના રૂ. ૨૮૮ના ઇશ્યુ ભાવ સામે ૧૩.૧૯ ટકાના ડિસ્કાઉન્ટ સાથે રૂ. ૨૫૦ના ભાવે અને બીએસઇ પર ૧૨.૫ ટકાના ડિસ્કાઉન્ટ સાથે રૂ. ૨૫૨ના ભાવે એનએસઇ પર લિસ્ટેડ થયો હતો. ભારત હાઇવે ઇન્વીટ તેના રૂ. ૧૦૦ના ઇશ્યૂ ભાવ સામે માત્ર એક ટકાના પ્રીમિયમ સાથે રૂ. ૧૦૧ના ભાવે અને એનએસઇ પર ૧.૧ ટકાના પ્રીમિયમ સાથે રૂ. ૧.૧૦ના ભાવે લિસ્ટ થયો હતો.
ક્રિએટીવ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ (વીએફએક્સ) સ્ટુડિયો, ફેન્ટમ ડિજિટલ ઇફેક્ટ્સ લિમિટેડે ટિપેટ સ્ટુડિયોમાં ૮૦ ટકાનો બહુમતી હિસ્સો મેળવવા માટે ટર્મ શીટને અંતિમ સ્વરૂપ આપી દીધું છે આ એક્વિઝિશન ફેન્ટમ એફએક્સને ઓસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા ફિલ ટીપેટ દ્વારા સ્થાપિત સુપ્રસિદ્ધ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ પ્રોડક્શન કંપનીની કામગીરી પર નિયંત્રણ આપશે, જે જુરાસિક પાર્ક અને સ્ટારવોર્સ માટે પ્રખ્યાત છે.
ટોચની સ્ટોક બ્રોકિંગ ફર્મના રિસર્ચ હેડે જણાવ્યું હતું કે, પાછલા દિવસની તીવ્ર પ્રોફિટ બુકિંગ પછી મંગળવારે સ્થાનિક બજારમાં રેન્જબાઉન્ડ ટ્રેડિંગ જોવા મળ્યું હતું. જોકે, સેબીના ફંડોને આદેશને કારણે વેલ્યુએશન્સ અંગે ઊભી થયેલી ચિંતા વચ્ચે મિડ અને સ્મોલ-કેપ શેરો વેચવાલીના દબાણ હેઠળ રહ્યા હતા.