શેર બજાર

યુદ્ધનો ભય ઓસરતા બીજા દિવસે આગેકૂચ: સેન્સેક્સ ૫૬૦ પોઇન્ટ ઊછળ્યો, નિફ્ટી ૨૨,૩૦૦ની ઉપર પહોંચ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ઇરાન અને ઇઝરાયલના યુદ્ધનો ભય ઓસરવા સાથે ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા ઘટાડા અને એશિયાઇ બજારોમાં આવેલા સુધારા સાથે સ્થાનિક શેરબજારમાં તેજીનો માહોલ રહ્યો હતો. સેન્સેક્સ ૫૬૦.૨૯ પોઇન્ટ અથવા તો ૦.૭૭ ટકાના સુધારા સાથે ૭૩,૬૪૮.૬૨ પોઇન્ટની સપાટીએ અને નિફ્ટી ૧૮૯.૪૦ પોઇન્ટ અથવા તો ૦.૮૬ ટકાના ઉછાળા સાથે ૨૨,૩૩૬.૪૦ પોઇન્ટની સપાટીે સ્થિર
થયો છે. લાર્સન એન્ડ ટૂબ્રો, બજાજ ફાઇનાન્સ, એક્સિસ બેન્ક, સ્ટેટ બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ, વિપ્રો, આઇસીઆઇસીઆઇ બેન્ક, ઇન્ફોસિસ, એચસીેલ ટેકનોલોજી અને એશિયન પેઇન્ટ ટોપ ગેઇનર રહ્યાં હતા. જ્યારે એનટીપીસી, જેએસડબલ્યુ સ્ટીલ અને એચડીએફસી બેન્ક ટોપ લુઝરની યાદીમાં હતા.

જીઓ ફાઇનાન્શિયઅલે ચોથા ક્વાર્ટરમાં છ ટકાના વધારા સાથે રૂ. ૩૧૧નો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. રેવેન્યૂ રૂ. ૪૧૪ કરોડ સામે વધીને રૂ. ૪૧૮ કરોડ નોંધાઇ છે. ઝાઇડસ લાઇફસાયન્સે યુએસમાં ઓવરએક્ટિવ બ્લેડર માટે જેનેરિક ડ્રગ લોન્ચ કર્યું છે. વોડાફોનનો એફપીઓ સંસ્થાકીય રોકાણકારોના સારા રોકાણને કારણે ૩.૩ ગણો ભરાયો છે. એસ્કોર્ટ કયુટોબા મે મહિનાની પહેલી તારીખથી ટ્રેકટરના ભાવમાં વધારો કરશે. એચડીએફસી બેન્કે માર્ચ ક્વાર્ટર માટે રૂ. ૧૭,૨૫૭.૮૭ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હોવા છતાં તેના શેરમાં નરમાઇ જોવા મળી હતી. સંપૂર્ણ સંકલિત સ્ટેનલેસ સ્ટીલ કંપની મંગલમ વર્લ્ડવાઇડ લિમિટેડે નાણાકીય વર્ષ ૨૦૨૪ના ચોથા ક્વાર્ટરમાં ૧૨.૪૨ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૨૩૯.૦૩ કરોડની કુલ આવક, ૭૫.૪૪ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૧૧.૮૧ કરોડનો ચોખ્ખો નફો, ૩૫.૬૬ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૧૩.૯૬ કરોડનું એબિટા નોંધાવ્યું છે. એબિટા માર્જિન ૫.૮૪ ટકા અને પીએટી માર્જિન વધીને ૪.૯૪ ટકા નોંધાયું છે.
આર્કિટેક્ચરલ ગ્લાસ ઉત્પાદકોમાંના એક સેજલ ગ્લાસ લિમિટેડે નાણાકીય વર્ષ ૨૦૨૪ના ચોથા ક્વાર્ટરમાં ૩૦૯.૯૩ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૫૦.૨૨ કરોડની કુલ આવક, ૪૯૨.૯૭ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૫.૮૫ કરોડનું એબિટા, ૧૧.૬૪ ટકાનું એબિટા માર્જિન નોંધાવ્યું છે. પાછલા વર્ષના સમાન ગાળા સામે રૂ. ૦.૫ કરોડનો કરવેરા પહેલાનો નફો નોંધાવ્યો છે. કંપનીે વાર્ષિક ધોરણે ૩૯૮.૦૧ ટકાના વધારા સાથે રૂ. ૩.૧૭ કરોડનો કર પહેલાનો નફો નોંધાવ્યો છે.

ડીટીએચ પ્રોવાઇડર ડીશ ટીવીએ, ડીશ ટીવી સ્માર્ટ પ્લસ લોન્ચ કર્યું છે, જેમાં ટીવી સ્બ્સક્રિપ્શન સાથે બિલ્ટ ઇન ઓટીટી ઓફર થશે, જેના માધ્યમે કોઇપણ સ્થળેથી કોઇપણ સ્ક્રીન પર ટીવી કે એટીટી ક્ન્ટેન્ટની કોઇ વધારાના ખર્ચ વગર પસંદગી થઇ શકશે. મધ્યપૂર્વનું ટેન્શન સહેજ હળવું થવાથી શેરબજારમાં સુધારો આગળ વધ્યો છે, જોકે નિષ્ણાતોના મતે પરિસ્થિતી હજુ પ્રવાહી છે. સુધારો સાર્વત્રિક કક્ષાનો અને દરેક સેકટરમાં જોવા મળ્યો છે, પરંતુ ખાસ કરીને સ્મોલ અને મિડકેપ શેરોમાં ફરી આકર્ષણ જોવા મળ્યું છે. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે, પરંતુ તે હજુ ઊંચા સ્તરે છે. શેરબજારમાં હાલ તુરત તો યુદ્ધની અસર ઓસરતી જોવા મળે છે, પરંતુ રોકાણકારોની નજર સતત મધ્યપૂર્વની આગામી ઘટનાઓ પર મંડાયેલી રહેશે અને તેને પરિણામે વોલેટાલિટી પણ રહેશે. આ સપ્તાહે કોર્પોરેટ ક્ષેત્રના નાણાકીય વર્ષ ૨૦૨૪ના માર્ચમાં પૂરા થયેલા ત્રિમાસિક સમયગાળાની કમાણી, યુએસ જીડીપીના વૃદ્ધિ અંદાજો અને મધ્યપૂર્વ પર ધ્યાન કેન્દ્રિત કરીને બજારો વધુ એકીકૃત થઈ શકે છે. રોકાણકારો યુએસ અને ભારતના મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ પીએમઆઈ ડેટા, યુએસ જીડીપી ડેટા અને જાપાનના (નાણાકીય) નીતિ નિવેદન જેવા આર્થિક ડેટા પોઇન્ટ્સને પણ ટ્રેક કરશે.

બજારના પીઢ નિરક્ષિકો અનુસાર ક્રૂડ ઓઇલલના ભાવમાં ૯૦ પ્રતિ બેરલથી નીચેનો ઘટાડો એ સંકેત આપે છે કે ઈરાન-ઈઝરાયેલ તણાવમાં વધારો થવાની મર્યાદિત સંભાવનાઓ હોઈ શકે છે. પરંતુ બજાર તેના પર નજર રાખશે અને તેથી નજીકના ગાળામાં તેલના ભાવમાં થોડી અસ્થિરતા જોવા મળી શકે છે.

ગયા અઠવાડિયે એફઆઈઆઈએ કેશ સેગમેન્ટમાં રૂ. ૧૧,૮૬૭ કરોડના સ્ટોકનું વેચાણ કર્યું હતું, જે એપ્રિલમાં અત્યાર સુધીમાં કુલ માસિક આઉટફ્લો રૂ. ૨૨,૨૨૯ કરોડ સુધી લઈ ગયો હતો, જ્યારે ડીઆઈઆઈએ સપ્તાહ દરમિયાન રૂ. ૧૨,૨૩૩ કરોડના શેરો અને મહિના દરમિયાન રૂ. ૨૧,૨૬૯ કરોડના શેરો ખરીદ્યા હતા. આ દર્શાવે છે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારોના આઉટફ્લોની ભરપાઈ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ કરવાનું ચાલુ રાખ્યું છે.

સ્થાનિક મોરચે, બજારના સહભાગીઓ કોર્પોરેટ અર્નિંગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે અને તેથી ત્યાં વધુ શેરલક્ષી કામકાજ જોવા મળશે. લગભગ ૧૬૦ કંપનીઓ આ અઠવાડિયે તેમની ત્રિમાસિક કમાણી જાહેર કરી રહી છે, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ, એક્સિસ બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર, બજાજ ફાઇનાન્સ, ઇન્ડસઇન્ડ બેન્ક, નેસ્લે ઇન્ડિયા, ટેક મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, એચસીએલ ટેકનોલોજિસ, ટાટા ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ, ભેલ, આઇસીઆઇસીઆઇ બેંક, એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની અને શ્રીરામ ફાઇનાન્સનો સમાવેશ થાય છે, જેઓ નિફ્ટીમાં સામૂહિક રીતે લગભગ ૩૪ ટકા વેઇટેજ ધરાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button