મુંબઈ : મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફએન્ડઓ) સેગમેન્ટમાં નવા નિયમો સહિત મુખ્ય છ પગલાનો અમલ ૨૧, નવેમ્બર ૨૦૨૪થી શરૂ કરી દીધો છે.
બજારના સહભાગીઓના પ્રતિસાદના આધારે અને નિષ્ણાત કાર્યકારી ગ્રુપ અને સેકન્ડરી માર્કેટ એડવાઈઝરી કમિટી દ્વારા સમીક્ષા બાદ સેબીએ ન્યુનતમ કોન્ટ્રેક્ટ મૂલ્ય અગાઉના રૂ. પાંચથી રૂ. ૧૦ લાખની રેન્જથી વધારીને રૂ. ૧૫ લાખ કર્યું છે. આ એડજસ્ટમેન્ટથી નવા રજૂ કરવામાં આવેલા એફએન્ડઓ કોન્ટ્રેક્ટસના લોટ સાઈઝને અસર થશે, જે હવે રૂ. ૧૫ લાખથી રૂ. ૨૦ લાખની રેન્જમાં આવશે.
ઉલ્લેખનીય છે કે, સેબીના પહેલી ઓકટોબર ૨૦૨૪ના સર્કયુલરમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ડેરિવેટીવ્ઝ કોન્ટ્રાક્ટની રજૂઆતના સમયે ન્યુનતમ મૂલ્ય રૂ. ૧૫ લાખ હશે, જેમાં સમીક્ષા દરમિયાન કોન્ટ્રેક્ટનું મૂલ્ય રૂ. ૧૫ લાખથી રૂ. ૨૦ લાખ વચ્ચે રહે તે સુનિશ્ચિત કરવા માટે લોટ સાઈઝ નક્કી કરવામાં આવી છે.
ડેરિવેટીવ્ઝ ટ્રેડીંગમાં કરેલા મુખ્ય ફેરફારો આ મુજબ છે:-
(૧) વિકલી એક્સપાયરીમાં ઘટાડો: હવે ઈન્ડેક્સ ડેરિવેટીવ્ઝ કોન્ટ્રેક્ટ્સ માટે વિકલી એક્સપાયરી દરેક એક્સચેન્જ માટે દીઠ માત્ર એક બેન્ચમાર્ક ઈન્ડેક્સ રહેશે, વધારે પડતાં સટ્ટાકીય ટ્રેડીંગને અંકુશમાં લેવા અને નેકેડ ઓપ્શન સેલિંગ અથવા અનકવર્ડ જોખમોને મર્યાદિત કરવાનો ઉદ્દેશ છે.
(૨) કોન્ટ્રેક્ટસ સાઈઝમાં વધારો: ડેરિવેટીવ્ઝ માટે ન્યુનતમ કોન્ટ્રેક્ટ મૂલ્ય રૂ. પાંચથી રૂ. ૧૦ લાખથી વધારીને રૂ. ૧૫ લાખ કરવામાં આવશે, જેના થકી ઓછી ક્ષમતાના નાના ટ્રેડરોને દૂર કરી જોખમ ઉઠાવી શકે એવા લોકો જ આ જોખમી સેગ્મેન્ટમાં ટ્રેડીંગ કરી શકે. આ કોન્ટ્રેક્ટનું મૂલ્ય આગળ જતાં રૂ. ૧૫ લાખથી રૂ. ૨૦ લાખની રેન્જમાં એડજસ્ટ કરાશે.
(૩) અતિરિક્ત માર્જિનની આવશ્યકતા: બજારમાં અસાધારણ અફડાતફડીથી રોકાણકારોને રક્ષણ માટે સેબી એક્સપાયરીના તમામ ઓપન શોર્ટ ઓપ્શન્સ પર બે ટકા વધારાનું એક્સ્ટ્રીમ લોસ માર્જિન (ઈએલએમ) લાગુ કરશે. જેનાથી ટેઈલ રિસ્ક કવરેજમાં વધારો થશે, જે ખાસ ઉંચા વોલ્યુમના સમયગાળા દરમિયાન વધારો થશે.
(૪) પ્રીમિયમનું અપફ્રન્ટ એકત્રીકરણ: પહેલી ફેબુ્રઆરી ૨૦૨૫થી બ્રોકરોએ ઓપ્શન પ્રીમિયમ્સ અપફ્રન્ટ એકત્ર કરવું જરૂરી રહેશે, આ ફેરફારથી ઈન્ટ્રા-ડે વધારે પડતાં લિવરેજને નિરૂત્સાહી કરવાનો ઉદ્દેશ છે અને રોકાણકારો તેમની પોઝિશનને કવર કરવા પર્યાપ્ત કોલેટરલ ધરાવે છે એની ખાતરી થશે.
આ પણ વાંચો…ભારે અફડાતફડી હોવા છતાં માર્કેટ કેપ માં રૂ. ૧૩.૯૭ લાખ કરોડની વૃદ્ધિ
(૫) કેલેન્ડર સ્પ્રેડ લાભ નાબૂદ: કેલેન્ડર સ્પ્રેડની પ્રણાલી, જુદી જુદી મુદ્દતમાં પોઝિશનને ઓફસેટ કરવાની તે જ દિવસે સમાપ્ત થતાં કોન્ટ્રેક્ટસ માટે નાબૂદ કરવામાં આવશે. આ પગલાનો હેતુ એક્સપાયરીના દિવસોમાં સટ્ટાકીય ટ્રેડીંગ ઘટાડવાનો છે.
(૬) ઈન્ટ્રા-ડે પોઝિશન લિમિટેડ પર નજર: પહેલી એપ્રિલ ૨૦૨૫થી શેર બજારો ટ્રેડિંગ દિવસ દરમિયાન ઈક્વિટી ઈન્ડેક્સ ડેરિવેટીવ્ઝ માટે પોઝિશન લિમિટનું નિરીક્ષણ શરૂ કરશે. જે ટ્રેડરોને ધ્યાન બહાર જાય તેવી પોઝિશનની લિમિટને પાર કરતાં અટકાવવામાં મદદરૂપ થશે.