સેબી દ્વારા ખાનગી સેક્ટરની ઈન્ડસઈન્ડ બૅન્કમાં ઈન્સાઈડર ટ્રેડિંગની તપાસ

મુંબઇ: ખાનગી સેક્ટરની ઈન્ડસઈન્ડ બેન્કની મુશ્કેલીઓ વધી છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ ઈન્ડસઈન્ડ બેન્કના વરિષ્ઠ અધિકારીઓ વિરૂદ્ધ ઈનસાઈડર ટ્રેડિંગની તપાસ હાથ ધરી છે. બેન્કે આ મહિનાની શરૂઆતમાં જ ડેરિવેટિવ્ઝ એકાઉન્ટમાં ગોટાળો થયો હોવાની માહિતી આપી હતી.
સેબીએ ઈન્ડસઈન્ડ બેન્કના પાંચ વરિષ્ઠ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા સોદાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. રેગ્યુલેટર તપાસ કરી રહ્યુ છે કે, શું અધિકારીઓ પાસે આવી ગોપનીય માહિતી હતી, જે જાહેર કરવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સેબીએ બેન્ક વિરૂદ્ધ ડિસ્ક્લોઝર નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ પણ તપાસ હાથ ધરી છે.
ખાનગી સેક્ટરની બેન્ક પર છેતરપિંડી તથા આંતરિક ચૂક મુદ્દે તપાસ ચાલી રહી છે. મુંબઈ સ્થિત બેન્કે આ મહિનાની શરૂઆતમાં જ કહ્યું હતું કે, તેણે કરન્સી ડેરિવેટિવ્ઝ બુકમાં એકાઉન્ટિંગ ભૂલ જોવા મળી છે. આ ગોટાળો છ વર્ષ પહેલાનો હોવાનો અંદાજ છે. જેમાં અંદાજિત 17.5 કરોડ ડોલરનો ગોટાળો જોવા મળ્યો છે. બેન્કે સ્વતંત્ર સમીક્ષા તેમજ તપાસ માટે ગ્રાન્ટ થોર્નટનની નિમણૂક કરી છે. જેથી આ છેતરપિંડી કે ગોટાળા મુદ્દે પુરાવા એકત્રિત કરી શકાય.
ઈન્સડઈન્ડ બેન્કે સાતમી માર્ચના સ્ટોક એક્સચેન્જીસને જણાવ્યું હતું કે, આરબીઆઈએ તેના એમડી અને સીઈઓ સુમંત કઠપાલિયાનો કાર્યકાળ એક વર્ષ માટે વધારી દીધો છે. જે 23 માર્ચ, 2026 સુધી કાર્યરત રહેશે. બેન્કે 10 માર્ચના રોજ સ્ટોક એક્સચેન્જીસ પર જણાવ્યું હતું કે, તેના ડેરિવેટિવ્ઝ એકાઉન્ટિંગમાં અમુક ગરબડ જોવા મળી છે. બેન્કે વિસ્તૃત આંતરિક સમીક્ષા કરી છે. જેમાં ડિસેમ્બર, 2024ની નેટવર્થમાં આશરે 2.35 ટકા નુકસાન થયુ હોવાનો અંદાજ છે. બેન્કને રૂ. 1600 કરોડની જોગવાઈ કરવી પડી છે.
બેન્કમાં ગોટાળાની જાહેરાત બાદ શેર સતત તૂટ્યો છે. જે 12 માર્ચે 605.40ની બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યો હતો. પાછલાં એક માસમાં શેર 38 ટકા તૂટ્યો છે. જ્યારે છ માસમાં શેર 55 ટકાથી વધુ તૂટ્યો છે.
આ પણ વાંચો: આ વર્ષે ચાંદીવાળાની ચાંદી ચાંદી થઈ ગઈઃ શેરના પ્રમાણમાં આટલું વળતર વધુ મળ્યું