ટોપ ન્યૂઝશેર બજાર

ડૉલર સામે રૂપિયામાં ત્રણ સત્રના ધોવાણને બ્રેક, 50 પૈસાનો ઉછાળો…

મુંબઈ: આજે વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં 0.60 ટકાનો તિવ્ર ઘટાડો અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ઘટાડો થવાની સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયામાં સતત ત્રણ સત્રથી થઈ રહેલા ધોવાણને બ્રેક લાગી હતી અને રૂપિયો 50 પૈસા ઊછળીને 85.45ની સપાટીએ બંધ રહ્યો હતો.

જોકે, ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 5045.36 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના અહેવાલોને ધ્યાનમાં લેતા રૂપિયામાં સત્ર દરમિયાન જોવા મળેલો 85 પૈસાનો સુધારો અમુક અંશે ધોવાઈ ગયો હોવાનું ફોરેક્સ ટ્રેડરરો એ જણાવ્યું હતું. અત્રે નોંધનીય બાબત એ છે કે છેલ્લાં ત્રણ સત્રમાં ડૉલર સામે રૂપિયો 53 પૈસા ગબડી ગયો હતો.

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 85.95ના બંધ સામે ભાવ ટૂ ભાવ 85.95ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 86.10 અને ઉપરમાં 85.11 સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે 50 પૈસા વધીને 85.45ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, ગઈકાલે રૂપિયો 36 પૈસા તૂટ્યો હતો. તાજેતરમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ તથા વૈશ્વિક સ્તરે જોખમી પરિબળોને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ જળવાઈ રહે તેમ જણાય છે.

જોકે, વિદેશી રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલીનું દબાણ અને માસાન્તને કારણે આયાતકારોની ડૉલરમાં લેવાલી રૂપિયામાં સુધારો મર્યાદિત રાખી શકે છે, એમ મિરે એસેટ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે આગામી સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયાની રેન્જ 85થી 85.70 આસપાસની રહી શકે છે.

દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.60 ટકા ઘટીને 99.36 આસપાસ તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.22 ટકા ઘટીને બેરલદીઠ 64.30 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આ સિવાય સ્થાનિક સ્તરે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 769.09 પૉઈન્ટનો અને 243.45 પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો. તેમ છતાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 5045.36 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી સુધારો સિમિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button