ડૉલર સામે રૂપિયામાં આઠ પૈસાનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલી ઉપરાંત આર્થિક ડેટાઓ સારા આવવાના આશાવાદ હેઠળ આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો આઠ પૈસાના સુધારા સાથે ૮૨.૯૩ના મથાળે બંધ રહ્યો હતો.
બજારના સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૦૩ના બંધ સામે સુધારાના ટોને ૮૨.૯૩ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૦૧ અને ઉપરમાં ૮૨.૮૬ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે આઠ પૈસાના સુધારા સાથે ૮૨.૯૫ના મથાળે બંધ રહ્યો હતો.
આજે ફુગાવા તેમ જ ઔદ્યોગિક ઉત્પાદનના ડેટાની જાહેરાત પૂર્વે સંભવિતપણે કેન્દ્રવર્તી બૅન્કની ડૉલરમાં વેચવાલી રહેતાં એશિયન બજારોમાં ડૉલર સામે રૂપિયામાં સુધારો જોવા મળ્યો હોવાનું એચડીએફસી સિક્યોરિટીઝનાં વિશ્ર્લેષક દિલીપ પરમારે જણાવતાં ઉમેર્યું હતું કે અમારા મતે આગામી ટૂંકા સમયગાળામાં ડૉલર સામે રૂપિયામાં ૮૨.૮૦ની સપાટી મહત્ત્વની ટેકાની અને ૮૩.૧૫ની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થાય તેમ જણાય છે.
દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૧૮ ટકા વધીને ૧૦૪.૭૬ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૮૧ ટકા વધીને બેરલદીઠ ૯૧.૩૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ૯૪.૦૫ પૉઈન્ટ વધીને બંધ રહ્યો હતો, જ્યારે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં સાધારણ ૩.૧૫ પૉઈન્ટનો ઘસરકો આવ્યો હતો. તેમ છતાં ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૧૪૭૩.૦૯ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.