
નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજાર માટે ઇન્ડેક્સ હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર મુખ્ય ચાલકબળ ગણાય છે અને તેના નાણાકીય પરિણામની બજારના સેન્ટિમેન્ટ પર જબરી અસર પડે છે. જોકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર અત્યાર સુધીના સૌથી વધુ નફાની જાહેરાત પછી પણ સપ્તાહના પહેલા સત્રમાં કેમ તૂટી રહ્યાં છે એવો સવાલ રિટેલ ઇન્વેસ્ટર્સને થઇ રહ્યો છે.
રિલાયન્સના શેર સવારના સત્રમાં જ ત્રણેક ટકા સુધી તૂટવાને કારણે બેન્ચમાર્કને ધક્કો લાગ્યો હતો અને બજારના માનસ પર પણ તેની નકારાત્મક અસર જોવા મળી હતી. આ લકાઇ રહ્યું છે ત્યારે ઉક્ત બ્લુચીપના શેરમાં ઘટાડો આગળ વધી રહ્યો છે. આનુ કારણે એવું જાણવા મળે છે કે મોટાભાગના અગ્રણી બ્રોકરેજ ફર્મે કંપનીની કામગારી અંગે અસંતોષ વ્યક્ત કર્યો છે.
પાછલા શુક્રવારે જાહેર થયેલા પ્રથમ ક્વાર્ટરના પરિણામોમાં પોતાનો અત્યાર સુધીનો સૌથી વધુ નફો અને એબિટા નોંધાવવા છતાં, અબજોપતિ મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (આરઆઇએલ)ના શેર સોમવારે બીએસઇ પર સવારના સત્રમાં ૨.૭ ટકા તૂટીને રૂ. ૧,૪૩૬.૮૫ બોલાયા હતા અને તેમાં ઘટાડો આગળ વધ્યો છે.
બજારના પીઢ અભ્યાસુઓ અનુસાર એશિયન પેઇન્ટ્સના ૮,૯૨૪ કરોડ રૂપિયાના હિસ્સાના વેચાણ અને અપેક્ષા કરતા ઓછા વ્યાજ ખર્ચ અને કરવેરા દ્વારા રૂ. ૩૦,૭૮૩ કરોડના નફામાં નોંધપાત્ર વધારો થયો છે. બહુવિધ બ્રોકરેજિસે જણાવ્યું હતું કે મુખ્ય વ્યવસાયિક સેગમેન્ટ્સમાં આંકડા અંદાજ ચૂકી ગયા છે. આ બ્રોકરેજ ફર્મમાં મોતીલાલ ઓસવાલ, એમકે, જેપી મોર્ગન વગેરેનો સમાવેશ થાય છે.
ગ્લોબલ બ્રોકરેજ ફર્મ જેફરીઝે સ્પષ્ટ મૂલ્યાંકન રજૂ કરતા નોંધ્યું કે કોન્સોલિડેટેડ એબિટા તેના અંદાજ કરતાં ત્રણેક ટકા નીચે આવ્યો છે. એ જ રીતે, ઓટુસી અને રિટેલ સેગમેન્ટ્સની કામગીરી અપેક્ષા સામે અનુક્રમે પાંચ ટકા અને ચાર ટકા પાછળ રહી છે.