
નિલેશ વાઘેલા
મુંબઈ: ઇન્ડેક્સમાં સૌથી વધુ ચલણી અને બ્લુચીપ ગણાતા રિલાયન્સના શેરમાં લગભગ એક ટકાનો ફટકો પડ્યાના એક દિવસ પછી, આજે 6 જાન્યુઆરી, મંગળવારે BSE પર સવારન સત્રમાં તેમાં વધુ પાંચ ટકાનો જોરદાર કડાકો જોવા મળ્યો હતો.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)ના શેરનો ભાવ ₹1,575.55 પર ખુલ્યો હતો, જે તેના અગાઉની ₹1,577.45ની બંધ સપાટી સામે સહેજ ઊંચો હતો. જોકે વેચવાલીનું દબાણ વધતા તે સત્ર દરમિયાન 5.1 ટકાના જોરદાર કડક સાથે ₹1,497.05ના નીચા સ્તરે પહોંચ્યો હતો. આ લખાઈ રહ્યું છે ત્યારે તેમાં થોડી વધઘટ થઈ રહી છે.
બજારના સાધનો અનુસાર, શનિવારે અમેરિકાએ ક્રૂડ ઓઇલ ઉત્પાદક અને સૌથી મોટા ઓઇલ ભંડાર ધરાવતા વેનેઝુએલા પર હુમલો કરીને તેના પ્રમુખ નિકોલસ માદુરો અને તેમની પત્નીને કબજે કર્યા પછી બજાર મૂડીકરણની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી એવી આ કંપનીના શેર દબાણ હેઠળ છે. મીડિયા અહેવાલો અનુસાર, વેનેઝુએલા સૌથી વધુ જાણીતા તેલ ભંડાર ધરાવે છે, અને વિશ્વભરના બજારોમાં આ ઘટનાની અસર જોવા મળશે.
માર્કેટ એનાલિસ્ટ્સને એવી ચિંતા છે કે જો યુએસ-વેનેઝુએલા સંઘર્ષ વધુ વધશે અને ક્રૂડ ઓઇલના ભાવમાં અસ્થિરતા લાવશે, તો તે ઓઇલ રિફાઇનર્સના માર્જિનને દબાવી શકે છે. આ કારણોસર ઓઇલ કંપનીઓના શેરમાં વેચવાલી અને દબાણ જોવા મળે છે.
દરમિયાન, રિલાયન્સે મંગળવારે એવા અહેવાલોને નકારી કાઢ્યા હતા કે રશિયન ક્રૂડ ઓઈલથી ભરેલા ત્રણ જહાજો તેની જામનગર રિફાઇનરીમાં જઈ રહ્યા છે.
કંપનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં આ અહેવાલને “સ્પષ્ટપણે ખોટો” ગણાવ્યો છે. તેણે ઉમેર્યું હતું કે રિફાઇનરીને છેલ્લા ત્રણ અઠવાડિયામાં કોઈ રશિયન ઓઈલ કાર્ગો મળ્યો નથી, અને જાન્યુઆરીમાં કોઈ રશિયન ક્રૂડ ઓઇલ ડિલિવરીની અપેક્ષા નથી.



