રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે બેન્ચમાર્કને ૭૧,૧૫૦ની નીચે ધકેલ્યો, બજારમાં સાવચેતીનું માનસ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજારમાં વચગાળાના અંદાજપત્રની રજૂઆત અને અમેરિકાની ફેડરલ રિઝર્વની જાહેરાત અગાુ સાવચેતીનું માનસ જામ્યુ છે. મંગળવારવા સત્રમાં ખાસ કરીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઇટીસી અને બજાજ ફાઇનાન્સ જેવા હેવીવેઇટ શેરોમાં વેચવાલીનું દબાણ વધતા બંને બેન્ચમાર્ક નેગેટીવ ઝોનમાં ધકેલાયા હતા. નોંધવું રહ્યું કે, સોમવારે સેન્સેક્સ ૧૩૦૦ પોઇન્ટ સુધી ઉછળી અંતે ૧૨૪૧ પોઇન્ટના ઉછાળા સાથે ૭૨,૦૦૦ની નજીક પહોંચી ગયો હતો. સેન્સેક્સ ૮૦૧.૬૭ પોઇન્ટ અથવા તો ૧.૧૧ ટકાના ઘટાડા સાથે ૭૧,૧૩૯.૯૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે નિફ્ટી ૨૧૫.૫૦ પોઇન્ટ અથવા તો ૦.૯૯ ટકાના ઘટાડા સાથે ૨૧,૫૨૨.૧૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.
સેન્સેક્સના શેરોમાં બજાજ ફાઇનાન્સ, ટાઇટન, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફિનસર્વ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઇટીસી અને એનટીપીસી મેજર લૂઝર્સ બન્યા હતા. જ્યારે ટાટા મોટર્સ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, હિંદુસ્તાન યુનિલીવર, પાવરગ્રીડ, ટેક મહિન્દ્રા અને ટીસીએસ ગેઇનર રહ્યાં છે. કોર્પોરેટ પરિણામની મોસમને કારણે શેરલક્ષી કામકજા થતાં રહે છે. ટાટા મોટર્સ ૨.૧૯ ટકા, હિન્દુસ્તાન યુનિલિવર ૦.૬૦ ટકા, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૦.૫૯ ટકા, ટેક મહિન્દ્રા ૦.૨૪ ટકા અને પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૦.૧૪ ટકા વધ્યા હતા, જ્યારે બજાજ ફાઈનાન્સ ૫.૧૭ ટકા, ટાઈટન કંપની ૨.૧૩ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૩.૦૮ ટકા, એનટીપીસી ૨.૮૩ ટકા અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ૨.૮૧ ટકા ઘટ્યા હતા. બધા ગ્રુપની કુલ ૧૪ કંપનીઓમાંથી ૯ કંપનીઓને ઉપલી અને ૫ કંપનીને નીચલી સર્કીટ લાગી હતી.
બજાજ ફાઇનાન્સના પરિણામ બજારની અપેક્ષામાં ઊણાં ઉતર્યા હોવાથી તેના શેરમાં ૫.૦૩ ટકાનો કડાકો પડ્યો હતો. નેટવર્ક પીપલ સર્વિસીસ ટેક્નોલોજીસ લિમિટેડ (એનપીએસટી)એ નાણાકીય વર્ષ ૨૦૨૪ના ત્રીજા ત્રિમાસિક અનઓડિટેડ નાણાકીય પરિણામોમાં ૨૧૦.૮૩ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૩૨.૦૮ કરોડની કુલ આવક, ૨૨૦.૨૭%ની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૧૦.૯૯ કરોડનો એબિટા, ૩૪.૨૪ ટકાનું એબિટા માર્જિન, ૨૬૧.૩૬%ની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૬.૫૩ કરોડનો કર બાદ નફો, ૨૦.૩૬ ટકાનું નેટપ્રોફિટ માર્જિન નોંધાવ્યું છે. આઇટી અને આઇટીઝ સોલ્યુશન્સ પ્રોવાઇડર, કોલકાતા સ્થિત યુફોરિયા ઈન્ફોટેક (ઈન્ડિયા) લિમિટેડે વેબલ ટેક્નોલોજી લિમિટેડ પાસેથી રૂ. ૯૩.૯૦ લાખના મૂલ્યના વર્ક ઓર્ડર મેળવ્યો છે. આ ઓર્ડર મે, ૨૦૨૪ની અંદર પૂર્ણ થવાની અપેક્ષા છે. વેબલ ટેક્નોલોજી લિમિટેડ એ પશ્ર્ચિમ બંગાળ સરકાર માટે આઇટી અને આઇટીઝના અમલીકરણ માટે નોડલ એજન્સી છે.
નોન-ફેરસ મેટલના વાઇન્ડિંગ વાયર અને સ્ટ્રીપ્સની ઉત્પાદક શેરા એનર્જી લિમિટેડે નાણાકીય વર્ષ ૨૦૨૪ના ત્રીજા ક્વાર્ટરના અનઓડિટેડ નાણાકીય પરિણામોમાં ૩૭.૦૩ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૨૦૭.૦૧ કરોડની કુલ આવક, ૬૯.૦૯ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૮.૩૭ કરોડનું એબિટા, ૧૩૮.૩૬ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૫.૨૨ કરોડનો ચોખ્ખો નફો અને ૧૦૮.૯૩ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૨.૩૪ની શેરદીઠ કમાણી નોંધાવી છે. ચાઇનાએ સતત ગબડતા શેરબજારને ટેકો આપવાની અને ચાઇના એવરગ્રાન્ડેને લિક્વિડેશનમાં જવાનો આદેશ આપ્યો ત્યારબાદ સોમવારે એશિયાઇ બજારોમાં સુધારો જોવા મળ્યો હતો. જોકે, મંગળવારે મિશ્ર માહોલ જોવા મળ્યો હતો. હોંગકોંગ અને શાંઘાઇ એક્સચેન્જમાં પીછેહઠ નોંધાઇ હતી. અમેરિકન બજારોમાં મિશ્ર વલણ હતું અને યુરોપના બજારોમાં મોટેભાગે નરમાઇ જોવા મળી હતી. હોંગકોંગ કોર્ટે ૩૦૦ અબજ ડોલરની લાયેબિલિટી સાથેની વિશ્ર્વની આ સૌથી ભારે દેવું ધરાવતી રિઅલ એસ્ટેટ કંપની નાદાર થઇ ગઇ હોવાથી તેને ફડચામાં લઇ જવાનો આદેશ આપ્યો ત્યારબાદ તેના શેર સસ્પેન્ડેડ રહ્યાં હતાં.
જોકે, યુએસ ડેટામાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વહેલી તકે ઘટાડો થવાના સંકેત સાંપડ્યા હોવાથી વિશ્ર્વ બજારના સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળ્યો હતો. ભારતીય શેરબજાર માટે આ મહત્ત્વનું અઠવાડિયું રહેશે જેમાં બહુપ્રતિક્ષિત વચગાળાનું બજેટ રજૂ થવાનું છે અને કોર્પોરેટ પરિણામો પણ જાહેર થવાના છે. અગ્રણી માર્કેટ એનાલિસ્ટે કહ્યું કે, આ અઠવાડિયે બે મહત્વની ઘટનાઓ થવાની છે, જેમાં વચગાળાનું બજેટ અને રેટના નિર્ણય અંગેની અમેરિકાની ફેડરલ રિઝર્વની બેઠકનો સમાવેશ છે. પરંતુ, તેમના મતે આ ઘટનાઓ બજારને મોટી અસર કરે તેવી શક્યતા નથી. બજારને અસર કરી શકે તેવી મોટી જાહેરાતો વિના બજેટ માત્ર એક વોટ ઓન એકાઉન્ટ હશે. એ જ રીતે ફેડરલના નિર્ણય અંગે જોઈએ તો, વ્યાજ દરમાં કોઈ વહેલા કાપની અપેક્ષા નથી, પરંતુ તેની કોમેન્ટ્રી પર ઝીણવટથી નજર રાખવામાં આવશે. એકંદર બજારને તેના પરથી જ દિશા મળશે. એશિયાઇ બજારોમાં અંતે ટોકિયોમાં સુધારો જોવા મળ્યો હતો, જ્યારે સિઓલ, શાંઘાઇ અને હોંગકોંગ નેગેટીવ ઝોનમાં બંધ રહ્યાં હતાં. યુરોપના શેરબજારોમાં ખૂલતા સત્રમાં સુધારો જોવા મળ્યો હતો. અમેરિકાના શેરબજારો સોમવારે પોઝિટીવ ઝોનમાં બંધ રહ્યાં હતાં. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૨૧ ટકા વધીને બેરલદીઠ ૮૨.૫૭ ડોલર બોલાયું હતું. એક્સચેન્જના ડેટા અનુસાર સોમવારના સત્રમાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોેએ રૂ. ૩૨૨૧.૩૪ કરોડની જ્યારે, વિદેશી સંસ્થાકીય રોકાણકારોેએ રૂ. ૧૧૦.૦૧ કરોડની લેવાલી નોંધાવી હતી.