શેર બજાર

આરબીઆઇની લ્હાણી, શૅરબજારની કમાણી: બજારને નવાં શિખરે પહોંચાડવામાં ડિવિડંડ કઇ રીતે બન્યું ટ્રીગર?

નિલેશ વાઘેલા

મુંબઈ: શેરબજારમાં ભારે તેજીના માહોલ વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી નવી ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યા છે. વિશ્ર્વબજારમાં એકંદર નરમાઇ રહેવા સાથે ફેડરલ રિઝર્વ તરફથી પણ નકારાત્મક સંકેત મળવા છતાં રિઝર્વ બેન્કના ડિવિડંડનું ટ્રીગર મળતાં ભારતીય શેરબજાર સ્પ્રિંગની જેમ ઊછળ્યું હતું. જ્યારે શેરબજાર ટ્રેડિંગ માટે ખુલ્યું ત્યારે રોકાણકારોની નજર વિશ્ર્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાની સેન્ટ્રલ બેન્ક, ફેડરલ રિઝર્વના ગવર્નર જેરોમ પોવેલના સંકેત પર હતી.

જોકે, બપોરના સત્ર સુધીમાં રોકાણકારોનું ફોકસ બદલાયું અને તેમનું ધ્યાન દેશની મધ્યસ્થ બેન્ક, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ કરેલી ડિવિડંડની લહાણી પર કેન્દ્રિત થતાં બજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. સત્રને અંતે સેન્સેક્સે ૧૧૯૬.૯૮ પોઇન્ટ અથવા તો ૧.૬૧ ટકાના ઉછાળા સાથે ૭૫,૦૦૦ની સપાટી પુન: હાંસલ કરતા ૭૫,૪૧૮.૦૪ પોઇન્ટની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. એ જ રીતે, નિફ્ટી ૩૬૯.૮૫ પોઈન્ટ અથવા ૧.૬૪ ટકા વધીને ૨૨,૯૬૭.૬૫ પોઇન્ટની વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યો છે.

ફેડરલ રિઝર્વની મિનિટ્સમાં દર્શાવેલ ફુગાવાના પ્રમાણ અને તેના પરના અંકુશ અંગે ફેડરલના અધિકારીઓએ વ્યક્ત કરેલી ચિંતાઓને અવગણીને તેજીવાળાઓએ ભારતની કેન્દ્રીય બેંક દ્વારા સરકાર માટે જાહેર કરાયેલ રૂ. ૨.૧ લાખ કરોડના બમ્પર ડિવિડન્ડના લાભને ધ્યાનમાં લેવાનું પસંદ કર્યું હતું. આને પરિણામે જોરદાર લેવાલી નીકળતાં સેન્સેક્સ ૧,૨૦૦ પોઈન્ટથી વધુ ઉછળીને ૭૫,૪૫૦ પોઇન્ટની નવી તાજી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટીએ પણ એકાદ ટકાના ઉછાળા સાથે ૨૨,૯૦૦ પોઇન્ટના લેવલ વટાવીને નવી ઓલ-ટાઇમ રેકોર્ડ હાઈ સપાટી હાંસલ કરી ૨૩,૦૦૦ની લગોલગ પહોંચી ગયો હતો.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ૩૧ માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે સરકારને રેકોર્ડ રૂ. ૨.૧ લાખ કરોડનું ડિવિડન્ડ ચૂકવશે, જે બજેટની અપેક્ષા કરતાં બમણા કરતાં
વધુ છે.

આ રકમ નવી સરકારનો કાર્યભાર સંભાળે તે પહેલાં આવક વધારવામાં મદદ કરશે. આરબીઆઇ બોર્ડે ૨૨મી મેના રોજ તેની ૬૦૮મી બેઠકમાં સરપ્લસના ટ્રાન્સફરને મંજૂરી આપી હોવાનું કેન્દ્રીય બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું.

અગ્રણી મ્યુચ્યુઅલ ફંડના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ અનુસાર આ સત્રમાં સૌથી મોટી સકારાત્મક બાબતમાં આરબીઆઇ તરફથી સરકારને મળેલું રૂ. ૨.૧૧ લાખ કરોડનું વિક્રમી ડિવિડન્ડ છે, જે સરકારને જીડીપી વધારવામાં અને સાથે રાજકોષીય ખાધ ઘટાડવામાં મદદરૂપ બનશે.

એ જ સાથે સરકાર આ નાણાંનો ઉપયોગ કરીનેે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચમાં વધારો કરી શકે છે, જે દેશની વિકાસ તરફની ગતિમાં વધારો કરી શકે છે. દરમિયાન બોન્ડ યીલ્ડમાં તીવ્ર ઘટાડો થયો છે જે સરકાર દ્વારા ઓછા ઉધારને દર્શાવે છે.

સેન્સેક્સ કંપનીઓમાં લાર્સન એન્ડ ટુબ્રો, મારૂતિ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એક્સિસ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી બેંક, બજાજ ફિનસર્વ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. જોકે, પાવરગ્રીડ, સન ફાર્મા, એનટીપીસી અને જેએસડબલ્યુ સ્ટીલ ટોપ લુઝર શેરોની યાદીમાં હતા.

અગ્રણી હૂક અને લૂપ ઉત્પાદક અને એક્સપોર્ટર, સ્કાય ઇન્ડસ્ટ્રીઝે ૨૦૨૪ના ચોતા ત્રિમાસિક ગાળાના ઓડિટેડ નાણાકીય પરિણામોમાં ૨૨.૫૪ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૨૧.૭૫ કરોડની કુલ આવક, ૨૨.૫૪% ની વાર્ષિક વૃદ્ધિ અને ૧૭૬.૯૭ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૧.૫૩ કરોડનો ચોખ્ખો નફો, ૭૦.૭૯ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૨.૭૧ કરોડનો એબિટા નોંધાવ્યો છે. એબિટા માર્જિન ૧૨.૪૮ ટકા અને નેટ પ્રોફિટ માર્જિન ૬.૯૦ ટકા નોંધાયું છે.

ચોથા ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં ૧૮૭ ટકાનો ઉછાળો નોંધાવનાર નાયકનો શેર બે ટકા ઊછળ્યો હતો, જ્યારે ચોથા ક્વાર્ટરમાં ૩૪ ટકાના ઉછાળા છતાં સન ફાર્મા નો શેર ત્રણ ટકા તૂટ્યો હતો.
જોકે જેફરીઝ સન ફાર્મા પર બાય રેટિંગ જાળવી રાખ્યું છે. એનએસઇ પર ગો-ડીજીટનો શેર તેની આઇપીઓ કિંમત કરતાં ૫ાંચ ટકા ઊંચા પ્રીમિયમ પર લિસ્ટ થયો હતો અને ૧૨ ટકા વધ્યો છે. એનએફએચએએસ-ફાઇવના ડેટા અનુસાર ભારતમાં કાળઝાળ ગરમીને કારણે બાળકોમાં અતિસાર, ડીહાઇડ્રેશનની ટકાવારી વધતી જાય છે, આ અંગે જાગરુકતા વધારવી જોઇએ કે ડિહાઇડ્રેશન માટે શુગર આધારિત પીણાં નહીં, પરંતુ વિશ્ર્વ સ્વાસ્થ્ય સંસ્થા (ડબલ્યુએચઓ)ની ભલામણ પ્રાપ્ત ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ (ઓઆરએસ)નો જ ઉપયોગ કરવો જોઇએ.

નોન વોવેન ફેબ્રિક્સની ઉત્પાદક અને ૧૦૦ ટકા નિકાસલક્ષી એકમ ફાઇબરવેબ ઇન્ડિયાએ તેના નાણાં વર્ષ ૨૦૨૪ના ચોથા ક્વાર્ટરના ઓડિટેડ પરિણામમાં ૩૨૭.૫૫ ટકાના વધારા સાથે રૂ. ૨૦.૯૫ કરોડની કુલ આવક નોંધાવી છે.

એબિટા રૂ. ૫.૪૦ કરોડની નુકસાની સામે ઉક્ત ગાળામાં રૂ. ૫.૩૩ કરોડના લાભમાં રહ્યો હતો. કંપનીએ ગયા વર્ષે રૂ. ૫.૧૫ કરોડની ખોટ નોંધાવી હતી તેની સામે આ વખતે રૂ. ૩.૫૨ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.
લાર્સન એન્ડ ટુબ્રો ૩.૬૪ ટકા, એમએન્ડએમ ૩.૫૫ ટકા, એક્સિસ બેન્ક ૩.૩૦ ટકા, મારૂતિ સુઝુકી ૩.૧૬ ટકા, અલ્ટ્રા સિમેન્ટ ૨.૭૪ ટકા, એચડીએફસી બેન્ક ૨.૨૨ ટકા, ઈન્ડસ ઈન્ડ બેન્ક ૨.૧૪ ટકા અને આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૯૯ ટકા વધ્યા હતા. સેન્સેક્સ સમાવિષ્ટ ત્રણ સ્ક્રિપ સન ફાર્મા ૨.૯૪ ટકા, પાવરગ્રીડ ૧.૮૬ ટકા અને એનટીપીસી ૦.૪૩ ટકા ઘટ્યા હતા. તેજીના અન્ય પરિબળોમાં બોન્ડ યીલ્ડમાં ઘટાડો બેન્કિંગ શેરો માટે હકારાત્મક છે. બ્રેન્ટ ક્રૂડ ૮૨ ડોલરની નીચે ગબડવું એ ભારતના અર્થતંત્ર માટે સકારાત્મક છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button