રિઝર્વ બેન્ક આઇ-સીઆરઆર તબક્કાવાર રીતે પાછો ખેંચી લેશે
(વાણિજય્ પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: રિઝર્વ બેન્ક (આરબીઆઇ)એ તબક્કાવાર રીતે ઇન્ક્રીમેન્ટલ કેશ રિઝર્વ રેશિયો (આઇ-સીઆરઆર) પાથો ખેંચી લેવાનો નિર્ણય લીધો છે.
દેશની કેન્દ્રિય બૅન્કે એક પરિપત્રમાં જણાવ્યું છે કે, વર્તમાન અને વિકસતી પ્રવાહિતાની સ્થિતિના મૂલ્યાંકનના આધારે એવું નક્કી કરવામાં આવ્યું છે કે, આઇ-સીઆરઆર હેઠળ એકત્ર કરાયેલી રકમ તબક્કાવાર રીતે મુક્ત કરવામાં આવશે જેથી કરીને સિસ્ટમની પ્રવાહિતાને અચાનક આંચકા ન આવે અને નાણાં બજાર વ્યવસ્થિત રીતે કાર્યરત રહી શકે. આઇ-સીઆરઆર અંતર્ગત એકત્ર કરાયેલા નાણાં ભંડળમાંથી ૨૫ ટકા રકમ નવમી સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ મુક્ત કરવામાં આવશે, આ પછી વધુ અન્ય ૨૫ ટકા ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ મુક્ત કરવામાં આવશે અને બાકીના ૫ચાસ ટકા સાતમી ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ મુક્ત કરવામાં આવશે.
આરબીઆઇ ગવર્નરે તેમના નાણાકીય નીતિના નિવેદનમાં જાહેર કર્યું હતું કે, ઇન્ક્રીમેન્ટલ કેશ રિઝર્વ રેશિયો (આઇ-સીઆરઆરનો)નો હેતુ બેંકિંગ સિસ્ટમમાં રૂ. ૨૦૦૦ની નોટ પરત કરવા સહિતના વિવિધ પરિબળો દ્વારા ઉત્પન્ન થતી વધારાની પ્રવાહિતાને શોષવાનો છે.
એ જ વખતે એવું સૂચવવામાં આવ્યું હતું કે આઇ-સીઆરઆર, એ લિક્વિડિટી ઓવરહેંગને મેનેજ કરવા માટે એક અસ્થાયી માપદંડ રહેશે અને તેની સમીક્ષા આઠમી સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ અથવા તે પહેલાં તહેવારની મોસમ અગાઉ બેંકિંગ સિસ્ટમમાં એકત્ર કરાયેલા ભંડોળને પરત કરવા માટે કરવામાં આવશે.