સેન્સેક્સ સતત સાતમા સત્રમાં સરક્યો નીચી સપાટીએ, નિફ્ટી ૨૪,૬૫૦ની નીચે સરક્યો…

નિલેશ વાઘેલા
મુંબઇ: આરબીઆઇની એમપીસી મીટિંગ પહેલા સાવચેતીના માનસ વચ્ચે નિફ્ટી અને સેન્સેક્સમાં અસ્થિરતા જોવા મળી અને મીડિયા અને ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સમાં ઘટાડાને કારણે દિવસના ઉચ્ચતમ સ્તરથી ૫૦૦ પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો હતો. આઇટી, ઓઇલ, ગેસ અને મેટલ શેરોમાં વધારાને કારણે સવારે ઠ સત્રની પડતીને બ્રેક લાગી હતી.
પરંતુ બીજી બાજુ, એફએમસીજી કાઉન્ટર્સમાં તીવ્ર ઘટાડાએ ઉછાળાને મર્યાદિત કરી દીધો અને બેન્ચમાર્ક નેગેટીવ ઝોનમાં સરકી ગયા હતા. દિવસ દરમિયાન, તે ૮૦,૮૫૧.૩૮ ની ઊંચી અને ૮૦,૨૪૮.૮૪ની નીચી સપાટીને અથડાયા બાદ સત્રને અંતે સેન્સેક્સ ૬૧.૫૨ પોઈન્ટ અથવા ૦.૦૮ ટકા ઘટીને ૮૦,૩૬૪.૯૪ પર સ્થિર થયો હતો.
જ્યારે સતત સાતમા સત્રમાં ઘટાડા સાથે, નિફ્ટી ૧૯.૮૦ પોઈન્ટ અથવા ૦.૦૮ ટકા ઘટીને ૨૪,૬૩૪.૯૦ પર બંધ થયો હતો. નિફ્ટી સતત સાત સત્રોમાં ૩ ટકાથી વધુ ઘટ્યો છે. નોંધવું રહ્યું કે, અમેરિકન ટેરિફ અને વિઝા ફીની ચિંતાઓ વચ્ચે આઇટી અને ફાર્મા શેરોના ધોવાણ વચ્ચે ભારતીય બજારો સપ્તાહને અંતે ૨.૭૦ ટકા જેટલા કડાકા સાથે લગભગ ત્રણ સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા છે.
નિફ્ટીમાં એક્સિસ બેંક, મારુતિ સુઝુકી, એલ એન્ડ ટી, એપોલો હોસ્પિટલ્સ, ડો. રેડ્ડીઝ લેબ્સ સૌથી વધુ ઘટ્યા હતા, જ્યારે ઇટર્નલ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ડસઇન્ડ બેંક, ટાઇટન કંપની, વિપ્રો વધ્યા હતા. બીએસઈ પર ૧૪૦થી વધુ શેરો બાવન સપ્તાહની ટોચે પહોંચ્યા હતા, જેમાં સુપ્રીમ પેટ્રો, ઉષા માર્ટિન, ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પ, ઇન્ડિયન બેંક, આરબીએલ બેંક, મિન્ડા કોર્પ વગેરેનો સમાવેશ થાય છે.
વીવર્ક ઇન્ડિયાએ રૂ. ૩,૦૦૦ કરોડના પ્રારંભિક જાહેર ઓફર માટે પ્રતિ શેર રૂ. ૬૧૫ થી રૂ. ૬૪૮ની પ્રાઇસ બેન્ડની જાહેર કરી છે. આ સાથે કંપનીનું મૂલ્યાંકન હાલમાં રૂ. ૮,૬૮૫ કરોડ જેટલું થયું છે. આઇપીઓ ત્રીજી ઓક્ટોબરે સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને સાતમી ઓક્ટોબરે બંધ થશે, એન્કર ઇન્વેસ્ટર્સ બિડ પહેલી ઓક્ટોબરે થશે. શેરની ફાળવણી આઠમી ઓક્ટોબરે અને બીએસઇ તથા એનએસઇ પર લિસ્ટિંગ ૧૦ ઓક્ટોબરે થશે.
સોમવારે બપોરના સત્રમાં બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકોએ શરૂઆતનું ગેઈન ગુમાવીને એકાએક ગબડવા લાગ્યા હતા. બુધવારે ભારતીય રિઝર્વ બેંકના નીતિ પરિણામ પહેલા રોકાણકારો પણ આશાવાદી રહ્યા હતા પરંતુ હવે તેમાં સંશય જાગ્યો છે! આરબીઆઇ રેટ ૫.૫૦ના દરે જાળવી રાખે એવી ધારણા છે, પરંતુ અમુક અર્થશાસ્ત્રી માને છે કે આરબીઆઇ સરપ્રાઇઝ રેટકટ જાહેર કરી શકે.
ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા સતત વેચવાલીથી સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર પડી છે. એફઆઈઆઈના સતત આઉટફ્લોને કારણે ઇક્વિટી અને રૂપિયા પર દબાણ વધી રહ્યું છે બીજી મહત્વની બાબતમાં ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે વેપાર ચર્ચાઓ અંગેની ચિંતાઓએ પણ મૂડને ઠંડો પાડ્યો હતો. ભારત અને યુએસ હજુ પણ વેપાર સોદાથી થોડા દૂર છે, ટેરિફ રોલબેક એક મુખ્ય મુદ્દો છે,એમ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના ભૂતપૂર્વ રાજદૂત જયંત દાસગુપ્તાએ એક ન્યૂઝ પોર્ટલને જણાવ્યું હતું.
આ સપ્તાહે બજારને અસરકર્તા મુખ્ય પરિબળોમાં આરબીઆઇ નીતિ પરિણામ, યુએસ બજારના સંકેતો, આઇપીઓનો ધસારો, રૂપિયામાં નબળાઈ અને ક્રૂડના ભાવ વલણનો સમાવેશ થાય છે. ૧૯ સપ્ટેમ્બરથી ઇન્ડેક્સમાં ઘટાડો થઈ રહ્યો છે, જે સતત છ સત્રમાં ત્રણેક ટકાથી વધુ ધોવાણ દર્શાવે છે. શુક્રવારથી છ સત્રોમાં સેન્સેક્સમાં ૨,૫૮૭.૫૦ પોઈન્ટ અથવા ૩.૧૬ ટકાનું ધોવાણ નોંધાયું છે.
ટ્રમ્પે વીઝા ફીના વધારા બાદ ભારત પરના બીજા આક્રમણમાં ફાર્મા પર તોતિંગ ટેરિફ નાખીને ઇક્વિટી બજારનું મોરલ ખરડી નાંખ્યું છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નવી એચ-વન બી વિઝા અરજીઓ પર ૧૦૦,૦૦૦ ડોલરની ફી લાદવામાં આવ્યા બાદ રોકાણકારોમાં સાવચેતીનું સેન્ટિમેન્ટ સર્જાતા આઇટી શેરોમાં કડાકાનો દોર જોવા મળ્યો છે. વિઝાના નિયમોના ફેરફારને કારણે ભારતનું ૨૮૩ અબજ ડોલરના આઇટી આઉટસોર્સિંગ મોડેલ વિક્ષેપિત થવાની ધારણા હોવાનું સાધનોએ જણાવ્યું હતું.
વર્તમાન પરિસ્થિતિમાં વિશ્ર્લેષકો રોકાણકારોને મૂળભૂત રીતે મજબૂત શેરો પર ધ્યાન કેન્દ્રિત કરીને સાવધાની રાખવાનું સૂચન કરે છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી મહિનાથી બ્રાન્ડેડ દવાઓ પર ૧૦૦ ટકા ડ્યુટીની જાહેરાત કર્યા પછી ફાર્મા અને આઇટી શેરમાં ભારે વેચવાલી જોવા મળી છે.
વર્ષ ૨૦૨૫નું આ સૌથી ખરાબ સપ્તાહ રહ્યું હતું. બજાર હજુ એચવન-બી વિઝામાં કરવામાં આવેલા તોતિંગ વધારાની અસર પચાવી રહ્યા છે, ત્યારે ફાર્મા ટેરિફનો નવો ફતવો આવ્યો છે. બજાર ગુરુવારે, બીજી ઓક્ટોબરે મહાત્મા ગાંધી જયંતિ અને દશેરા નિમિત્તે સ્ટોક એક્સચેન્જ બંધ રહેશે. સપ્તાહ દરમિયાન એફઆઇઆઇએ રૂ. ૧૯,૫૭૦ કરોડનું નેટ સેલીંગ નોંધાવ્યું હતું, જ્યારે ડીઆઇઆઇએ રૂ. ૧૬,૨૦૦ કરોડના ઇક્વિટી શેરની લેવાલી નોંધાવી છે.
આ પણ વાંચો…એસએમઇ સેગમેન્ટમાં લિસ્ટિંગ સમયે નુકસાન સાથે બંધ થયેલી કંપનીઓની સંખ્યા સતત વધારો…