પ્રોફિટ બુકિંગ: સેન્સેક્સ ૬૮૦ની છલાંગ સાથે ૭૨,૦૦૦ને સ્પર્શી ફરી ૭૧,૪૦૦ની નીચે લપસ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ખૂલતા સત્ર સાથે જોરદાર તેજી નોંધાવ્યા બાદ છેલ્લી ઘડીની વેચવાલીના મારામાં લગભગ તમામ સુધારો ગુમાવીને સેન્સેક્સ ૨૧,૪૦૦ની નીચે સરકી ગયો હતો, જ્યારે નિફ્ટીએ ૨૧,૫૦૦ની સપાટી માંડ ટકાવી હતી. રોકાણકારોએ મહત્ત્વના મેક્રોઇકોનોમિક ડેટા અને કોર્પોરેટ પરિણામોની જાહેરાત અગાઉ પ્રોફિટ બુકિંગ કરવાનું પસંદ કર્યું હતું.
સત્ર દરમિયાન ૬૮૦ની છલાંગ લગાવીને અંતે છેલ્લી ઘડીની વેચવાલીને કારણે સેન્સેક્સ અંતે માત્ર ૩૦.૯૯ પોઇન્ટ અથવા તો ૦.૦૪ ટકાના સુધારા સાથે ૭૧,૩૮૬.૨૧ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે નિફ્ટી સત્ર દરમિયાન ૨૧,૭૨૪.૪૫ની ૨૧૧ પોઇન્ટ ઊંચી સપાટીને અથડાઇને અંતે ૩૧.૮૫ પોઇન્ટ અથવા તો ૦.૧૫ ટકાના સુધારા સાથે ૨૧,૫૪૪.૮૫ની સપાટીએ સ્થિર થયો હતો.
ગિફ્ટ નિફ્ટી સાથે એશિયન બજારોના સારા સંકેત વચ્ચે આઇટી શેરો અને ઓટો અગ્રણી બજાજ ઓટોની આગેવાની હેઠળ શરૂ થયેલી લેવાલીને પગલે સ્થાનિક બજાર મંગળવારે ઊંચા મથાળે ખૂલ્યું હતું. વોલેટિલિટી સૂચક, ઇન્ડિયા વીઆઇએક્સ, ચાર ટકા ઘટ્યો હતો. ઝી અને સોનીનું મર્જર ફરી ઘોંચમાં પડ્યું હોવાની ચર્ચા વચ્ચે ઝીના શેરમાં તીવ્ર ઘટાડાને કારણે મીડિયા શેર ગબડ્યા હતા. અન્ય તમામ ક્ષેત્રીય શેરઆંકો પોઝિટિવ વલણ સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
જોકે બપોરના સત્ર દરમિયાન ઊંચે મથાળે વેચવાલીના મારા વચ્ચે ઝડપી કડાકા સાથે નેગેટવ ઝોનમાં સરી પડ્યું હતું અને નીચા મથાળે લેવાલીનો ટેકો મળતાં ફરી પોઝિટીવ ઝોનમાં પાછું ફર્યું હતું.જિયોજિત ફાઇનાન્સિયલના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ, ડો. વી કે વિજયકુમાર કહે છે કે લોંગ પોઝિશન સતત ઘટી રહી છે અને શોર્ટ પોઝિશન્સ વધી રહી છે. આ શોર્ટ બિલ્ડઅપ એવી ધારણા પર આધારિત છે કે હાલના ઊંચા મૂલ્યાંકનને ટકાવી રાખવું મુશ્કેલ છે અને કેટલાક ટ્રિગર્સ તીવ્ર કરેક્શન તરફ દોરી શકે છે.
સેન્સેક્સના શેરોમાં લાર્સન, ભારતી એરટેલ, એચસીએલ ટેકનોલોજી, ટાટા મોટર્સ, સન ફાર્મા અને ટાટા સ્ટીલ ટોપ ગેઇનર્સ, જ્યારે નેસ્લે, એશિયન પેઇન્ટ, બજાજ ફિનસર્વ, એચડીએફસી બેન્ક અને એક્સિસ બેન્ક ટોપ લુઝર્સ બન્યાં હતાં. આફ્રિકન દેશોના વિકાસ સાથે વેપારી તકો ઝડપી લેવા પ્લેટપોર્મ પુરુ પાડનાર એલઆઈબીએફ એક્સપો ૨૦૨૪માં ૧૮થી ૨૧ જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર ખાતે યોજાનારી આ ઈવેન્ટમાં લગભગ ૩૪ વિવિધ ક્ષેત્રો, જેમ કે, બેન્કિંગ અને નાણાકીય સેવાઓ, રિયલ એસ્ટેટ, સ્ટાર્ટ-અપ્સ અને ફૂડ તથા એગ્રિકલ્ચર વગેરેના સહભાગ સાથે ઈવેન્ટમાં ૩૦થી વધુ દેશના વેપારો એક છત હેઠળ પ્રદર્શિત કરશે. એલઆઈબીએફ સહભાગીઓને સહયોગ અને વૃદ્ધિ માટે આંતરરાષ્ટ્રીય દર્શકોને પ્રોડક્ટો અને સેવાઓની તેમની વૈવિધ્યપૂર્ણ શ્રેણી રજૂ કવા વૈશ્ર્વિક મંચ આપશે, જેમાં ત્રીસથી વધુ દેશ સહભાગી થવાની અપેક્ષા છે.
કર્ણાટક રાજ્યમાં સિમેન્ટ અને સોલાર પાવર જનરેશન અને ડિસ્ટ્રિબ્યુશનના ઉત્પાદનમાં વ્યસ્ત શ્રી કેશવ સિમેન્ટ એન્ડ ઇન્ફ્રા લિમિટેડને સિમેન્ટની શ્રેષ્ઠ ગુણવત્તા જાળવવા અને પાછલા ત્રણ વર્ષમાં શૂન્ય ઉત્પાદન નિષ્ફળતા હાંસલ કરવા બદલ બ્યુરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઇએસ), હુબલી ખાતે પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ એવોર્ડ ૭૭માં બીઆઇએસ સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન આપવામાં આવ્યો હતો. એશિયન બજારોમાં સિઓલ, શાંઘાઈ અને હોંગકોંગ નેગેટીવ ઝોનમાં સ્થિર થયા હતા. જાપાનનું શેરબજાર રજાઓ માટે બંધ હતું. યુરોપિયન બજારોમાં ખૂલતા સત્રમાં નેગેટીવ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. પાછલા સત્રમાં શુક્રવારે અમેરિકન બજારો સાધારણ ઉછાળા સાથે બંધ થયા હતા. જોકે, અમેરિકાના નોન-ફાર્મ પેરોલ ડેટા અપેક્ષા કરતાં વધુ સારા આવ્યાં હોવાને કારણે વ્યાજ દરના કાપ અંગેના આશાવાદમાં ઓટ આવી છે. આ ઉપરાંત અમેરિકાના દસ વર્ષના બોન્ડની યિલ્ડમાં વધારો થયો હોવાને કારણે પણ બજારમાં વ્યાપક વેચવાલી જોવા મળી હતી. બજારના સાધનો અનુસાર નજીકના ગાળામાં રોકાણકારોનું ધ્યાન આગામી પરિણામની સિઝન તરફ રહેશે.
એક્સચેન્જના ડેટા અનુસાર વૈશ્ર્વિક ઓઈલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૧.૨૧ ટકા ઘટીને ૭૭.૮૧ ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ શુક્રવારે રૂ. ૧૬.૦૩ કરોડની ઇક્વિટી ખરીદી હતી. શુક્રવારે બીએસઇ બેન્ચમાર્ક ૧૭૮.૫૮ પોઈન્ટ અથવા ૦.૨૫ ટકા વધીને ૭૨,૦૨૬.૧૫ પર સેટલ થયો હતો. નિફ્ટી ૫૨.૨૦ પોઈન્ટ અથવા ૦.૨૪ ટકા વધીને ૨૧,૭૧૦.૮૦ પર પહોંચ્યો હતો.
લાર્સન એન્ડ ટુબ્રો ૧.૫૫ ટકા, ભારતી એરટેલ ૧.૫૦ ટકા, ટાટા મોટર્સ ૧.૩૨ ટકા, સન ફાર્માસ્યુટિકલ્સ ઈન્ડસ્ટ્રીઝ ૧.૨૫ ટકા અને ટાટા સ્ટીલ ૧.૨૧ ટકા વધ્યા હતા, જ્યારે નેસલે ઈન્ડિયા ૧.૦૩ ટકા, એશિયન પેઈન્ટ્સ ૦.૯૦ ટકા, બજાજ ફિનસર્વ ૦.૮૮ ટકા, એચડીએફસી બેન્ક ૦.૮૦ ટકા અને એક્સિસ બેન્ક ૦.૫૭ ટકા ઘટ્યા હતા. બધા ગ્રુપની કુલ ૧૨ કંપનીઓમાંથી ૯ કંપનીઓને ઉપલી અને ૩ કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી.