પતંજલિ ફૂડ્સના શેરમાં ૬૭ ટકાનું પતન? જાણો કારણ

નિલેશ વાઘેલા
મુંબઇ: પતંજલિ ફૂડ્સના શેરમાં એકાએક તોતિંગ કડાકો પડતા રોકાણકારો ડઘાઇ ગયા હતા. આ કંપનીના શેરનો ભાવ રૂ. ૧૮૦૦થી સીધો રૂ. ૬૦૦ જેવો બોલાઇ ગયો હોવાથી આશ્ર્ચર્ય સર્જાયું હતું. સામાન્ય રીતે કંપનીને મોટો ઝટકો લાગ્યો હોય અથવા ખોટું થયું હોય ત્યારે આવું થતું હોય છે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે.
ખરેખર, આ ઘટાડો કોઈ નુકસાનને કારણે નહીં, પરંતુ બોનસ શેર મળવાને કારણે થયો હતો. એટલે કે, કંપનીએ તેના રોકાણકારોને બોનસ શેર આપ્યા છે અને જ્યારે આવું થાય છે, ત્યારે શેરની કિંમત આપમેળે ઘટી જાય છે, જો કે કુલ રોકાણનું મૂલ્ય એ જ રહે છે.
આપણ વાંચો: MRF Stock: શેરબજારના ‘બાહુબલી’ શેરનો ભાવ 52 અઠવાડિયાના તળિયે, બજારમાં કેમ થઈ ઉથલપાથલ?
વાસ્તવમાં બોનસ શેરના સમાયોજન પછી, આજે પતંજલિ ફૂડ્સના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ શેર સત્ર દરમિયાન ૧.૨૧ ટકાના કડાકા સાથે રૂ. ૫૯૨.૯૦ સુધી ગબડ્યા બાદ અંતે ૦.૪૫ ટકાના ઘટાડે રૂ. ૫૯૮ની સપાટીએ સ્થિર થયા છે. બોનસ શેર ઇશ્યૂ પછી, કંપનીનું માર્કેટ કેપ હવે લગભગ રૂ. ૬૪,૮૫૬ કરોડ છે. અને એ જ સાથે, કંપનીનો પી ઇ રેશિયો હવે લગભગ ૧૮ જેવો છે.
પતંજલિ ફૂડ્સના ડિરેકટર્સ બોર્ડે જુલાઈમાં યોજાયેલી બેઠકમાં બોનસ શેર જારી કરવાનો નિર્ણય લીધો હતો. આ બોનસ ઇશ્યૂ ૨:૧ના ગુણોત્તરમાં જારી કરવામાં આવ્યો છે. એટલે કે, કંપનીના તમામ પાત્ર શેરધારકોને તેમની પાસેના દરેક એક શેર માટે બે બોનસ શેર આપવામાં આવ્યા હતા. અર્થાત શેરધારકો પાસે રહેલા શેરની સંખ્યા ત્રણ ગણી થશે. આ માટેની રેકોર્ડ તારીખ ૧૧ સપ્ટેમ્બર રાખવામાં આવી હતી.
આપણ વાંચો: Stock Market: સાડા ત્રણ વર્ષમાં 2000 ટકા વધ્યો આ કંપનીના શેરનો ભાવ , કંપનીએ જણાવ્યું આ કારણ…
ચાલો આને એક ઉદાહરણ દ્વારા સમજીએ. જો પહેલા તમારી પાસે બે શેર હતા અને દરેક શેરની કિંમત ૯૦૦ રૂપિયા હતી, તો કુલ કિંમત ૧૮૦૦ રૂપિયા છે. બોનસ શેર મેળવ્યા પછી, તમારી પાસે ત્રણ શેર હશે, પરંતુ દરેક શેરની કિંમત ૬૦૦ રૂપિયાની આસપાસ રહેશે. કુલ કિંમત હજુ પણ ૧૮૦૦ રૂપિયા રહેશે.
બોનસ ઇશ્યૂ પછી જ્યારે શેરની સંખ્યા વધે છે, ત્યારે શેરના ભાવમાં તે જ પ્રમાણમાં ઘટાડો થતો દેખાય છે. આ જ કારણ છે કે બુધવારે પતંજલિ ફૂડ્સના શેરમાં ૬૭ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ વાસ્તવમાં કંપનીના શેરની કિંમત બોનસ શેરના પ્રમાણમાં જ ગોઠવાઈ છે.