
નિલેશ વાઘેલા
મુંબઇ: પ્રાઇમરી માર્કેટમાં ફરી હલચલ વધી રહી છે. આ સપ્તાહે નવ આઇપીઓ આવી રહ્યાં છે, જેમાંથી ચાર મેઇનબોર્ડના અને બાકીના એસએમઇ સેગમેન્ટમાં આવી રહ્યાં છે. વાસ્તવમાં ચાલુ વર્ષમાં આ પહેલી વાર એવું બનશે, જ્યારે મેઈનબોર્ડ સેગમેન્ટમાંથી એક જ અઠવાડિયામાં ચાર પબ્લિક ઇશ્યૂ ખુલી રહ્યા છે.
પાછલા ઓક્ટોબરથી શેરબજારમાં જામેલા નિરસ હવામાન અને ભૌગોલિક રાજકીય તણાવ અને વેપાર યુદ્ધ જેવી વૈશ્ર્વિક ચિંતાઓ હળવી થયા પછી એપ્રિલના બીજા અઠવાડિયાથી બજારના સેન્ટિમેન્ટમાં સુધારો થયો છે, જેને કારણે પ્રાથમિક બજારનો મૂડમાં સુધારો જોવા મળ્યો છે.
સોમવારે ૨૬મી મેના રોજ મેઇન બોર્ડમાં બે ભરણાં આવી રહ્યાં છે, જેમાં એજિસ વોપેક ટર્મિનલ્સ અને સ્કલોસ બેંગોલર લિમિટેડનો સમાવેશ છે. જ્યારે તે પછીના દિવસે ૨૭મીએ એસએમઇ સેગમેન્ટમાં બે આઇપીઓ પ્રવેશી રહ્યાં છે અને ૨૮મીએ સ્કોડા ટ્યૂબનો મેઇન બોર્ડ ઇશ્યૂ આવી રહ્યો છે.
સ્કોડા ટ્યુબ્સ લિમિટેડ રૂ. ૨૨૦.૦૦ કરોડના બુકબિલ્ડિંગ આઇપીઓ સાથે ૨૮ મે, ૨૦૨૫ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને ૩૦ મેના રોજ બંધ થશે. શેરની ફાળવણી બીજી જૂન, ૨૦૨૫ના રોજ અને એનએસઇ, બીએસઇ પર લિસ્ટિંગ ચોથી જૂને થવાની સંભાવના છે. પ્રાઇસ બેન્ડ રૂ. ૧૩૦થી રૂ. ૧૪૦ પ્રતિ શેર અને લઘુત્તમ લોટ સાઈઝ ૧૦૦ શેર છે.
બજારના સેન્ટિમેન્ટમાં સુધારો અને વૈશ્ર્વિક સંકેતોને સ્થિર કરવાથી લગભગ ચાર મહિનાની મંદી પછી ભારતનું આઇપીઓ બજાર ફરી મજબૂત થઈ રહ્યું છે. વિશ્ર્લેષકોના મતે, મોટાભાગની કંપનીઓ સામાન્ય મૂલ્યાંકન પસંદ કરી રહી છે અને વર્તમાન રોકાણકારોની ભૂખને અનુરૂપ તેમના ઓફર-ફોર-સેલ હિસ્સાને ઘટાડી રહી છે.
એનએસઇના આઇપીઓ અંગે સેબી ચીફે જણાવ્યું છે કે બાકી રહેલા તમામ મુદાનો ટૂંક સમયમાં જ હલ કાઢવામાં આવશે. દરમિયાન, સેન્સેક્સમાં જૂન મહિનાથી નેસ્લે ઇન્ડિયા અને ઇન્ડસઇન્ડ બેન્કને બાકાત કરવામાં આવશે અને તેને સ્થાને ટાટાની કંપની ટ્રેન્ટ અને સરકારી કંપની બીઇએલને સ્થાન મળશે.