શેર બજાર

નિક્કીનો કડાકો ભારે પડ્યો: સેન્સેક્સ ૨,૭૦૦ પોઇન્ટ સુધી નીચે પટકાયો

મુંબઇ: શેરબજારમાં અમાસ પછીનો સોમવાર કાળોમસ ઉગ્યો હતો અને ભયાનક ગ્લોબલ સેલઓફ વચ્ચે બજારમાં ભારે ભયાનક ધોવાણ જોવા મળ્યું હતું. અમેરિકાના અર્થતંત્રની ચિંતા વચ્ચે વૈશ્ર્વિક ઇક્વિટી બજારોમાં વેચવાલીનું દબાણ વધી જવાને કારણે સેન્સેક્સ અને નિફ્ટી ભયાનક ઝટકા સાથે નેગેટીવ ઝોનમાં ઊંડે ગબડ્યા હતા અને એક તબક્કે સેન્સેક્સ ૨,૭૦૦ પોઇન્ટ સુધી અને નિફ્ટી ૮૨૪ પોઇન્ટ સુધી નીચે પટકાયો હતો. અંતે સેન્સ્ોક્સ ૨૨૨૨.૫૫ અથવા ૨.૭૪ ટકાના કડાકા સાથે ૭૮,૭૫૯.૪૦ની સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે નિફ્ટી ૬૬૨.૧૦ પોઇન્ટ અથવા તો ૨.૬૮ ટકાના કડાકા સાથે ૨૪,૦૫૫.૬૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. સેન્સેક્સના ૩૦માંથી માત્ર બે શેર ગ્રન ઝોનમાં હતા, જેમાં એચયુએલ અને નેસ્લેનો સમાવેશ હતો. એશિયન પેઇન્ટ, સન ફાર્મા, આઇટીસી, ઇન્ડસઇન્ડ બેન્ક, એનટીપીસી, કોટક બેન્ક, ભારતી એરટેલ, બજાજ ફાનિાન્સ આઇસીઆઇસીઆઇ બેન્ક, એક્સિસ બેન્ક વગેરેનો ટોપ લૂઝર્સ શેરોમાં સમાવેશ હતો.

મૂડીબજારમાં ચલચલ જારી છે, એસએમઇ સેગમેન્ટમાં એસ્થેટિક એન્જિનિયર્સ લિમિટેડ આઠમી ૮ ઓગસ્ટે રૂ. ૨૬.૪૭ કરોડના આઇપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે અને પ્રાઇસ બેન્ડ રૂ. ૫૫થી રૂ. ૫૮ પ્રતિ શેર નક્કી થઇ છે. મિનિમમ લોટ સાઈઝ ૨,૦૦૦ શેરની છે. શેર એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટેડ થશે. સબ્સ્ક્રિપ્શન ૧૨ ઓગસ્ટે બંધ થશે. લીડ મેનેજર નાર્નોલિયા ફાયના-ન્સિયલ સર્વિસ અને રજિસ્ટ્રાર સ્કાય-લાઇન ફાઇનાન્શિયલ સર્વિસિસ છે. કંપની ડિઝાઇન, એન્જિનિયરિંગ, ફેબ્રિકેશન અને રવેશ સિસ્ટમ્સના ઇન્સ્ટોલેશનમાં અગ્રણી કંપનીઓમાંની એક છે. યુએસ અર્થતંત્રમાં મંદીની આશંકા વચ્ચે ગ્લોબલ માર્કેટમાંં અત્યંત નકારાત્મક વલણ સર્જાવાને કારણે સ્થાનિક ઈક્વિટી બજારમાં એક તબક્કે બેન્ચમાર્ક ઇન્ડેકસ સેન્સેક્સ અને નિફ્ટી સોમવારે ત્રણ ટકાથી વધુ તૂટી ગયા હતા. જાપાનના નિક્કીમાં ૧૨ ટકાથી વધુના કડાકાને કારણે પણ બજારના સેન્ટિમેન્ટને ખરાબ રીતે નુકસાન થયું હતું.

બપોરના સત્રમાં સેન્સેક્સ ૨,૬૮૬.૦૯ પોઈન્ટ અથવા ૩.૩૧ ટકા ઘટીને ૭૮,૨૯૫.૮૬ પર પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી ૮૨૪ પોઈન્ટ અથવા ૩.૩૩ ટકા ઘટીને ૨૩,૮૯૩.૭૦ની નીચી સપાટીને અથડાયો હતો. બપોરના કામકાજ દરમિયાન રોકાણકારોની સંપત્તિ રૂ. ૧૭.૧૧ લાખ કરોડ ઘટીને રૂ. ૪૪૦ લાખ કરોડના સ્તરે પહોંચી હતી. એશિયન બજારોમાં સિઓલ, ટોક્યો, શાંઘાઈ અને હોંગકોંગમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. જાપાનનો નિક્કી ૨૨૫ શેર ઇન્ડેક્સ સોમવારે ૧૨ ટકાથી વધુ ગબડ્યો હતો કારણ કે રોકાણકારો ચિંતિત હતા કે યુએસ અર્થતંત્ર અપેક્ષા કરતા વધુ ખરાબ સ્થિતિમાં હોઈ શકે છે. તે શુક્રવારે ૫.૮ ટકા ઘટ્યો હતો અને પાછલા બે ટ્રેડિંગ સેશનમાં ૧૮.૨ ટકાના કડાકા સાથે અત્યાર સુધીનો બે દિવસનો સૌથી ખરાબ કડાકો નોંધાવ્યો છે. યુએસ બજારોમાં શુક્રવારે બપોરના સત્ર સુધીમાં થયેલા નોંધપાત્ર ધોવાણમાં સેન્સેક્સ પેકમાંથી ટાટા મોટર્સ છ ટકા કડાકો નોંધાયો હતો. અદાણી પોર્ટ્સ, ટાટા સ્ટીલ, એસબીઆઈ અને જેએસડબ્લ્યુ સ્ટીલમાં પણ મોટું ધોવાણ હતું. જોકે, હિન્દુસ્તાન યુનિલિવર અને નેસ્લે પોઝીટીવ ટેરીટરીમાં ટ્રેડ થઈ રહ્યા હતા. બજારના સાધનો અનુસાર શેરબજારોમાં તાજેતરની તેજી મુખ્યત્વે અમેરિકન અર્થતંત્ર માટે સોફ્ટ લેન્ડિંગની સર્વસંમતિની અપેક્ષાઓ દ્વારા પ્રેરિત હતી. જોકે જુલાઈમાં અમેરિકામાં રોજગાર સર્જનમાં ઘટાડા સાથે યુએસ બેરોજગારી દર તીવ્ર વધારા સાથે ૪.૩ ટકા સુધી પહોંચ્યો હોવાથી, આ રેટ કટની અપેક્ષા હવે હવે પૂરી થાય એવી સંભાવના સાવ ઘટી ગઇ છે. આ ઉપરાંત મધ્ય પૂર્વમાં ભૌગોલિક રાજકીય તણાવ પણ બજારની સેન્ટિમેન્ટ ડહોળવારું પરિબળ છે. એક્સચેન્જ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શુક્રવારે રૂ. ૩,૩૧૦ કરોડના મૂલ્યની ઇક્વિટી ઓફલોડ કરી હતી. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૯૦ ટકા ઘટીને ડોલર ૭૬.૧૨ પ્રતિ બેરલ થયું છે. જાપાનમાં વ્યાજ દરમાં વધારાને પગલે રિવર્સ યેન કેરી ટ્રેડનો ભય ઇક્વિટી માર્કેટને ડહોળી નાંખનાર પ્રારંભિક ઉત્પ્રેરક પરિબળ રહ્યું હતું અને ત્યારબાદ અત્યંત નબળા જોબ ડેટા પછી યુએસએમાં મંદીની આશંકા વધુ પ્રબળ બનતાં વૈશ્ર્વિક બજારમાં ગભરાટ ફેલાવી દીધો છે. પાછલા સત્રમાં શુક્રવારે વેચાણના વ્યાપક દબાણ વચ્ચે, શુક્રવારે બીએસઇ બેન્ચમાર્ક ૮૮૫.૬૦ પોઈન્ટ અથવા ૧.૦૮ ટકા ઘટીને ૮૦,૯૮૧.૯૫ પર બંધ થયો હતો. જ્યારે એનએસઇનો વ્યાપક પાયો ધરાવતો બેન્ચમાર્ક નિફ્ટી ૨૯૩.૨૦ પોઈન્ટ અથવા ૧.૧૭ ટકા ઘટીને ૨૪,૭૧૭.૭૦ પર બંધ થયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button