નિફ્ટી ફરી એક નવી ઓલ ટાઈમ હાઈ સપાટીને અથડાઇને નેગેટિવ ઝોનમાં સરક્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નિફ્ટી ફરી એક નવી ઓલ ટાઈમ હાઈ સપાટીને અથડાઇને નેગેટવી ઝોનમાં સરક્યો હતો. સેન્સેક્સ પણ સાથે લપસ્યો હતો. સપ્તાહના છેલ્લા દિવસે બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી સારા પ્રારંભ પછી નેગેટીવ ઝોનમાં લપસ્યા હતા. ખાસ કરીને, આઇટી અને પસંદગીના બેન્કિંગ શેરોમાં વેચવાલીને કારણે પ્રારંભિકસુધારો ભૂંસાઇ ગયો હતો.
શેરબજારમાં તેજીનો તરખાટ સપ્તાહના અંતિમ સત્રમાં પણ ચાલુ રહ્યો છે. વિશ્વ બજારના સુધારા સાથે સ્થાનિક સ્તરે ભરપૂર પ્રવાહિતાના જોરે નિફ્ટી સતત નવા વિક્રમ બનાવતો આગળ ધપી રહ્યો છે. તેજીની ઝડપી આગેકૂચ સાથે નિફ્ટી ખુલતા સત્રમાં ૨૨,૨૯૭ પોઇન્ટની નવી ઊંચી સપાટીએ અને સેન્સેકસ ૭૩,૪૧૪ પોઇન્ટની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. જોકે ભારે અફડાતફડી વચ્ચેે બંને બેન્ચમાર્ક ઇન્ડેક્સ બધો સુધારો ગુમાવી નેગેટિવ ઝોનમાં સરી ગયા હતા.
બીએસઇનો ૩૦ શેરવાળો સેન્સેક્સ ૧૫.૪૪ પોઈન્ટ અથવા ૦.૦૨ ટકા ઘટીને ૭૩,૧૪૨.૮૦ પોઈન્ટ્સ પર બંધ થયો હતો અને તેના ૧૭ ઘટકો રેડ અને ૧૩ ગ્રીન ઝોનમાં બંધ થયો હતો. ઇન્ડેક્સ ઉંચે મથાળે ખૂલ્યો હતો, પરંતુ રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગને કારણે પાછળથી નેગેટીવ ઝોનમાં ગબડીં ગયો હતો. બેરોમીટર દિવસ દરમિયાન ૭૩,૪૧૩.૯૩ની ઊંચી અને ૭૩,૦૨૨ની નીચી સપાટી વચ્ચે અથડાયો હતો. એનએસઇનો બેન્ચમાર્ક નિફ્ટી ૪.૭૫ પોઈન્ટ અથવા ૦.૦૨ ટકાના ઘટાડા સાથે ૨૨,૨૧૨.૭૦ પોઈન્ટ પર બંધ થયો હતો કારણ કે એફએમસીજી, ફાર્મા અને ફાઈનાન્શિયલ શેર્સમાં જે વધારો નોંધાયો હતો, તે આઈટી અને ખાનગી બેન્ક શેર્સમાં થયેલા ધોવાણ સાથે ધોવાઇ ગયો હતો. બેરોમીટર ઇન્ટ્રા-ડે ટ્રેડમાં ૨૨,૨૯૭.૫૦ની વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.