Top Newsશેર બજાર

શેરબજાર: મેટલમાં જોરદાર કડાકા, જાણો એકાએક શું થયું?

નિલેશ વાઘેલા
મુંબઈ: લાલચોળ તેજી પર સવાર મેટલ શેરોમાં એકાએક સપ્તાહના છેલ્લા દિવસે જોવા મળેલા જોરદાર ધોવાણથી રોકાણકારો મૂંઝાઈ ગયા છે. એક તબક્કે સેન્સેક્સ ૬૦૦ પોઇન્ટ ગબડ્યો હતો અને માર્કેટ કેપિટલાઈઝેશનમાં ચાર લાખ કરોડ રૂપિયાનો ધુમાડો થઈ ગયો હતો.

સવારના સત્રમાં મેટલ કંપનીઓના શેરમાં જોરદાર વેચવાલીને કારણે મોટો ઘટાડો થયો હતો, જેના કારણે નિફ્ટી મેટલ ઇન્ડેક્સ લગભગ પાંચ ટકા નીચે આવી ગયો હતો. બજારના સાધનો અનુસાર કોમોડિટીના ભાવમાં તીવ્ર વધારા અને ઘટાડા પછી નફામાં બુકિંગ વચ્ચે આ ઘટના બની છે. શુક્રવારે નિફ્ટી મેટલ ઇન્ડેક્સ લગભગ પાંચ ટકા ઘટીને ૧૧,૮૫૫.૮૫ પર પહોંચ્યો હતો.

પાછલા ત્રણ દિવસના વધારાનો સિલસિલો આ રીતે તૂટી ગયો છે. આ ત્રણ દિવસ દરમિયાન મેટલ ઇન્ડેક્સમાં લગભગ નવ ટકાનો તોતિંગ વધારો થયો હતો. આ સેક્ટરલ ઇન્ડેક્સ આ લખાઈ રહ્યું છે ત્યારે બજારમાં સૌથી વધુ ઘટાડો દર્શાવે છે.
માર્કેટ એનાલિસ્ટ કહે છે કે આગ ઝરતી તેજી પછી પ્રોફિટ બુકિંગને કારણે મેટલ શેરોમાં ઘટાડો આંશિક રીતે થઈ શકે છે. વધુમાં, આજે ધાતુના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. MCX પર સોના અને ચાંદીના વાયદામાં લગભગ છ ટકાનો ઘટાડો થયો છે, જ્યારે ફેબ્રુઆરીની સમાપ્તિ સાથે કોપર અને એલ્યુમિનિયમના વાયદામાં સવારના ટ્રેડિંગ કલાકોમાં ચાર ટકાનો ઘટાડો થયો છે.

આ ઉપરાંત મહત્વના કારણમાં યુએસ ફેડરલ રિઝર્વને વધુ આક્રમક ચેરમેન મળી શકે છે તેવી અટકળો વચ્ચે આંતરરાષ્ટ્રીય ધાતુના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ શુક્રવારે ફેડ ચેરમેન જેરોમ પોવેલના સ્થાને પોતાની પસંદગીની વ્યક્તિની જાહેરાત કરવાનો ઇરાદો ધરાવે છે, કારણ કે મે મહિનામાં જેરોમ પોવેલના પદ છોડ્યા પછી અમેરિકન સેન્ટ્રલ બેંકનું નેતૃત્વ કોણ કરશે તે અંગે અટકળો વધુ તીવ્ર બની છે.

તેથી, ફેડરલ ચેરમેનની સંભવિત આક્રમક નીતિઓ, ડોલરમાં સુધારો અને સોનાની વધુ પડતી ખરીદી (ઓવર બોટ)ની સ્થિતિને કારણે કિંમતી ધાતુના ભાવમાં ઘટાડો થયો હોવાનું સાધનોએ જણાવ્યું હતું.

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.

સંબંધિત લેખો

Back to top button