આઇટી અને એફએમસીજી શેરોની લાવલાવ વચ્ચે નિફ્ટીએ નોંધાવી ૨૪,૮૦૦ની નવી ઓલટાઇમ હાઇ સપાટી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શેરબજારમાં ગુરુવારે સતત ચોથા દિવસે પણ વિક્રમી આગેકૂચ જારી રહી હતી, જેમાં બેન્ચમાર્ક સેન્સેક્સે પ્રથમ વખત ૮૧,૦૦૦ પોઇનટની સપાટી વટાવી છે અને નિફ્ટીએ આઇટી, ઓઇલ અને ગેસ તથા એફએમસીજી શેરોની લેવાલીને વિક્રમી ૨૪,૮૦૦ની આધારે સપાટી સર કરી લીધી છે.
સત્રના પ્રારંભિક તબક્કે નીચી સપાટીએ ગબડેલા સેન્સેક્સે રિબાઉન્ડ સાથે ૬૨૬.૯૧ પોઈન્ટ અથવા ૦.૭૮ ટકાના ઉછાળા સાથે ૮૧,૩૪૩.૪૬ની નવી સર્વકાલીન ઊંચી સપાટી હાંસલ કરી છે. બેન્ચમાર્ક નબળા ટોન સાથે ખુલ્યો હતો અને પ્રારંભિક કામકાજ દરમિાયન ૮૦,૩૯૦.૩૭ પોઇન્ટની નીચી સપાટીએ અથડાયો હતો. આમ નીચી સપાટી સામે સેન્સેક્સ લગભગ ૧૦૦૦ પોઇન્ટ જેવો ઊછળ્યો છે.
જોકે, આઇટી શેર ટીસીએસ, ઇન્ફોસિસ અને ટેક મહિન્દ્રા સાથે ઇન્ડેક્સ હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં લેવાલીનો સારો ટેકો મળ્યા બાદ બપોરના સત્રમાં બેન્ચમાક૪ પોઝિટિવ ઝોનમાં આગળ વધતો રહ્યો હતો.
સત્ર દરમિયાન બેરોમીટર ૮૦૬ પોઈન્ટ અથવા ૦.૯૯ ટકા વધીને ૮૧,૫૨૨.૫૫ના નવા વિક્રમી ઈન્ટ્રા-ડે શિખરે પહોંચ્યો હતો. બૃહદ પાયો ધરાવતા એનએસઇના બેન્ચમાર્ક નિફ્ટીએ પણ પ્રારંભિક નુકસાની ખંખેરીને ૧૮૭.૮૫ પોઈન્ટ અથવા ૦.૭૬ ટકાના ઉછાળા સાથે ૨૪,૮૦૦.૮૫ પોઇન્ટના સર્વકાલીન ક્લોઝિંગ હાઈ લેવલ પર સેટલ થયો છે. દિવસ દરમિયાન, તે ૨૨૪.૭૫ પોઈન્ટ અથવા ૦.૯૧ ટકા ઉછળીને ૨૪,૮૩૭.૭૫ પોઇન્ટની જીવનકાળની નવી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.
સેન્સેક્સ શેર્સમાં ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ સૌથી વધુ ૩.૩૩ ટકા વધ્યો હતો. જૂન ક્વાર્ટરના નાણાકીય પરિણામોની જાહેરાત અગાઉ જ ઇન્ફોસિસનો શેર ૧.૯૩ ટકા ઊછળ્યોે હતો. બજારના કલાકો પછી આઇટી અગ્રણીએ એપ્રિલ-જૂન સમયગાળા માટે કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો સાત ટકા વધીને રૂ. ૬,૩૬૮ કરોડ નોંધ્યો હતો અને ચાલુ નાણાકીય વર્ષ માટે તેનો વૃદ્ધિનો અંદાજ પણ વધાર્યો હતો.
બજાજ ફિનસર્વ, ઇન્ફોસીસ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટેક મહિન્દ્રા, હિન્દુસ્તાન યુનિલીવર, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને એચસીએલ ટેક્નોલોજીસ અન્ય ટોપ ગેઇનર્સમાં હતા. આનાથી વિપરીત એશિયન પેઇન્ટ્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, એનટીપીસી અને અદાણી પોર્ટ્સ ટોપ લૂઝર્સ શેરોમાં સામેલ હતા. પ્રાઇમરી માર્કેટમાં એસએમઇ કંપનીઓના ભરણાં અવિરત રહ્યાં છે. એડવાન્સ ફાઇનાન્શિયલ ટેકનોલોજી સોલ્યુશન્સ પ્રોવાઇડર આરએનએફઆઇ સર્વિસીસ લિમિટેડે ૨૨ જુલાઈ, ૨૦૨૪ના રોજ પ્રારંભિક પબ્લિક ઑફરિંગ સાથે મૂડીબજારમં પ્રવેશ કરશે. કંપની રૂ. ૭૦.૮૧ કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય ધરાવે છે. શેર એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટેડ થશે. પ્રાઇસ બેન્ડ રૂ. ૯૮થી રૂ. ૧૦૫ પ્રતિ શેર છે અને લોટ સાઈઝ ૧,૨૦૦ ઈક્વિટી શેરની છે.
વોટર સપ્લાય અને સીવરેજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં સ્પેશિયાલિટી ધરાવતી વી એલ ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ લિમિટેડ ૨૩ જુલાઈ, ૨૦૨૪ના રોજ ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ સાથે મૂડી બજારમાં પ્રવેશ કરશે. કંપની રૂ. ૧૮.૫૨ કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય ધરાવે છે. શેર એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ થવાના છે. પ્રાઇસ બેન્ડ રૂ. ૩૯થી રૂ. ૪૨ પ્રતિ શેર નક્કી થઇ છે અને લોટ સાઈઝ ૩,૦૦૦ ઈક્વિટી શેરની છે.
સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ સ્ક્રિપ્સમાંના મુખ્યત્વે ટીસીએસ ૩.૫૩ ટકા, બજાજ ફિનસર્વ ૨.૫૭ ટકા, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૨.૩૨ ટકા, ઈન્ફોસિસ ૧.૯૩ ટકા, હિંદુસ્તાન યુનિલિવર ૧.૭૪ ટકા, ટેક મહિન્દ્ર ૧.૬૦ ટકા, એચસીએલ ટેકનોલોજી ૧.૫૪ ટકા, સ્ટેટ બેન્ક ૧.૪૨ ટકા કોટક બેન્ક ૦.૯૯ અને આઈટીસી ૦.૯૯ ટકા વધ્યા હતા, જ્યારે એશિયન પેઈન્ટ્સ ૧.૪૮ ટકા, જેએસડબલ્યુ ૦.૮૯ ટકા, એનટીપીસી ૦.૭૧ ટકા, અદાણી પોર્ટ્સ ૦.૫૨ ટકા, પાવર ગ્રીડ ૦.૪૨ ટકા, તાતા સ્ટીલ ૦.૪૨ ટકા, એચડીએફસી બેન્ક ૦.૩૩ ટકા અને અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૧૦ ટકા ઘટ્યા હતા.
નિષ્ણાતોએ કહ્યું હતું કે, આઇટી શેરોમાં નવેસરથી ખરીદીને કારણે બીજા અર્ધવાર્ષિક ગાળામાં ફ્રન્ટલાઈન બેન્ચમાર્ક મજબૂત બન્યા હતા. રૂપિયો નબળો પડવા સાથે જૂન ક્વાર્ટરમાં દેશની અગ્રણી આઇટી કંપનીઓના મજબૂત કામગીરીના અહેવાલો પછી સેક્ટર માટે રોકાણકારોનો આશાવાદ વધ્યો હતા. સપ્ટેમ્બર સુધીમાં યુએસ ફેડરલના દરમાં કાપની વધતી આશા પર યુએસ બોન્ડ યીલ્ડમાં નરમાઈએ પણ ભારતીય ઇક્વિટીમાં એફઆઇઆઇના પ્રવાહને વેગ
આપ્યો છે.
એશિયન બજારોમાં, શાંઘાઈ અને હોંગકોંગના બેન્ચમાર્ક પોઝિટિવ ઝોનમાં સ્થિર થયાં હતાં, જ્યારે સિઓલ અને ટોકિયો નીચા મથાળે બંધ થયા હતા. યુરોપિયન બજારોમાં તેજી જોવા મળી હતી. બુધવારે અમેરિકાના બજારો મોટે ભાગે નીચા મથાળે બંધ રહ્યા હતા. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૧૪ ટકા ઘટીને ૮૪.૯૬ ડોલર પ્રતિ બેરલ બોલાયું હતું.
એક્સચેન્જ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ મંગળવારે રૂ. ૧,૨૭૧.૪૫ કરોડના મૂલ્યના ઇક્વિટી શેર ખરીદ્યા હતા. બુધવારે મોહરમના કારણે શેરબજાર બંધ રહ્યા હતા.
દરમિયાન, શુક્રવારથી બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડબ્રેક રન પર છે. સતત ચાર સત્રોમાં બંને બેન્ચમાર્ક તેમની લાઇફટાઇમ હાઇ સપાટીએ ટ્રેડ થયા છે. શુક્રવારથી અત્યાર સુધીમાં નિફ્ટી લગભગ ૪૮૫ પોઈન્ટ અથવા ૧.૯૮ ટકા ઊછળ્યો છે જ્યારે સેન્સેક્સે ૧૪૪૬ પોઈન્ટ અથવા ૧.૭૯ ટકાની છલાંગ લગાવી છે.