નિફ્ટી ૨૫,૦૦૫ પોઇન્ટની ત્રણ સપ્તાહની ઊંચી સપાટીએે પહોંચ્યો | મુંબઈ સમાચાર
શેર બજાર

નિફ્ટી ૨૫,૦૦૫ પોઇન્ટની ત્રણ સપ્તાહની ઊંચી સપાટીએે પહોંચ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઇ:
સતત સાતમા દિવસની આગેકૂચમાં સેન્સેક્સે ૧૨૩ પોઇન્ટના સુધારા સાથે ૮૧,૫૦૦ની સપાટી વટાવી હતી જ્યારે, નિફ્ટી ૨૫,૦૦૫ની ત્રણ સપ્તાહ ઊંચી સપાટીએે પહોચ્યો હતો. અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા રેટ ઘટાડાની આશા વચ્ચે વૈશ્ર્વિક બજારોમાં જળવાયેલા તેજીના માહલની અસર સ્થાનિક બજાર પર દેખાઇ હતી. ફેડરલની બેઠકના પરિણામ આવતા સપ્તાહે ૧૬મી અને ૧૭મી દરમિયાન થવાની અપેક્ષા છે.

સત્રને પ્રારંભે ઊંચા મથાળે ખૂલ્યા બાદ પોઝિટીવ અને નેગેટીવ ઝોનમાં અથડાઇને અંતે બીએસઇનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ ૧૨૩.૫૮ પોઈન્ટ અથવા ૦.૧૫ ટકા વધીને ૮૧,૫૪૮.૭૩ પર બંધ થયો હતો. દિવસ દરમિયાન, તે ૨૧૭.૦૭ પોઈન્ટ અથવા ૦.૨૬ ટકા વધીને ૮૧,૬૪૨.૨૨ની સપાટીએ અથડાયો હતો. જ્યારે એનએસઇનો ૫૦ શેરો ધરાવતો એનએસઈ નિફ્ટી ૩૨.૪૦ પોઈન્ટ અથવા ૦.૧૩ ટકા વધીને ૨૫,૦૦૫.૫૦ પોઇન્ટની લગભગ ત્રણ સપ્તાહની ઊંચી સપાટીએ બંધ થયો હતો, જે સતત સાતમા દિવસે વધારો દર્શાવે છે.

આ પણ વાંચો: ઓરેકલના એક દિવસના ઉછાળાએ રિલાયન્સ અને મસ્કને ઝાંખા પાડ્યા!

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, ભારત સાથેના વેપારના ઘર્ષણને સરળ બનાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરવાની યોજના બનાવી હોવાનું જાહેર કર્યું ત્યારબાદથી બજારના સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળ્યો છે. ટેરિફ વાટાઘાટો ફરીથી શરૂ થવાની આશાએ આઇટીના શેરમાં સારો ઉછાળો જોવા મળ્યો હતો. જોકે, બે દિવસમાં પાંચથી સાતેક ટકાના ઉછાળા બાદ ગુરુવારના સત્રમાં આઇટી શેરોમાં પ્રોફિટન બુકિંગ સાથે પીછેહઠ જોવા મળી હતી. આ ઉપરાંત તાજેતરના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના સુતાર્કિકીરણ બાદ શેરબજારનો અંડરટોન મજબૂત બન્યો છે.

સેન્સેક્સમાં એનટીપીસી સૌથી વધુ વધનાર શેર બન્યો હતો, જે ૧.૬૩ ટકા વધીને રૂ. ૩૩૦.૯૦ પર બંધ થયો હતો. એક્સિસ બેંક ૧.૬૧ ટકા, ઇટર્નલ ૧.૩૪ ટકા, પાવર ગ્રીડ ૧.૩૩ ટકા, ભારતી એરટેલ ૧.૨૯ ટકા અને સન ફાર્મા ૦.૯૯ ટકા વધ્યો હતો.
ભારતી એરટેલ, એક્સિસ બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇટર્નલ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એવા પાંચ શેર હતા, જેમણે સેન્સેક્સના ઉછાળામાં મોટો ફાળો આપ્યો હતો. ક્ષેત્રીય સૂચકાંકોમાં, ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ ૧.૧૯ ટકા વધીને ૨૬,૨૪૧.૭૨ પર બંધ થયો હતો, જ્યારે એનર્જી ઇન્ડેક્સ ૦.૯૬ ટકા વધીને ૧૧,૨૭૧.૦૪ પર બંધ થયો હતો.

આ પણ વાંચો: પતંજલિ ફૂડ્સના શેરમાં ૬૭ ટકાનું પતન? જાણો કારણ

એકંદરે, બીએસઇ પર ટ્રેડ થતા ૪,૨૮૧ સક્રિય શેરોમાંથી ૨,૧૧૯ શેરોમાં વધારો થયો હતો, જ્યારે ૨,૦૦૯ શેરોમાં ઘટાડો થયો હતો અને ૧૫૩ શેરોમાં કોઈ ફેરફાર થયો નહોતો. સત્ર દરમિયાન ૧૧૩ શેરોએ તેમની બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચી હતી.

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.

સંબંધિત લેખો

Back to top button