પ્રોત્સાહક આર્થિક ડેટા સાથે નિફ્ટી પહેલી વખત ૨૦,૦૦૦ની સપાટીની પાર, સેન્સેક્સમાં સતત નવમા સત્રમાં આગેકૂચ: ૨૪૫ પૉઈન્ટની તેજી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગઈકાલે મોડી સાંજે જાહેર થયેલા જુલાઈ મહિનાના ઔદ્યોગિક ઉત્પાદનના અને ઑગસ્ટ મહિનાના ફુગાવાના ડેટા પ્રોત્સાહક આવ્યા હોવાથી આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં મુખ્યત્વે બૅન્કિંગ, એનર્જી, ટેલિકોમ અને મેટલ શૅરોમાં રોકાણકારોની લેવાલી જળવાઈ રહેતાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં સતત નવમાં સત્રમાં સુધારો આગળ ધપતા વધુ ૨૪૫.૮૬ પૉઈન્ટની તેજી આવી હતી, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના બૅન્ચમાર્ક નિફ્ટીએ ૭૬.૮૦ પૉઈન્ટના સુધારા સાથે પહેલી વખત ૨૦,૦૦૦ની સપાટી કુદાવી હતી. આજે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૦,૩૭૫.૨૫ કરોડની ખરીદી સામે રૂ. ૧૨,૦૦૬.૮૮ કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. ૧૬૩૧.૬૩ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૮૧૦૪.૬૯ કરોડની ખરીદી સામે રૂ. ૭૨૫૪.૮૩ કરોડની વેચવાલી રહેતાં રૂ. ૮૪૯.૮૬ કરોડની ચોખ્ખી ખરીદી રહી હોવાનું એક્સચેન્જની આંકડાકીય માહિતી પરથી જાણવા મળ્યું છે. આજે સત્રના આરંભે બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૬૭,૨૨૧.૧૩ની સામે ઘટાડા સાથે ૬૭,૧૮૮.૬૪ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૬૭,૦૫૩.૩૬ સુધી ગબડ્યા બાદ રોકાણકારોની લેવાલી નીકળતાં ઉપરમાં ૬૭,૫૬૫.૪૧ સુધી પહોંચ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે ૦.૩૭ ટકા અથવા તો ૨૪૫.૮૬ પૉઈન્ટ વધીને ૬૭,૪૬૬.૯૯ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૫૦ શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૧૯,૯૯૩.૨૦ના બંધ સામે ૧૯,૯૮૯.૫૦ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ૧૯,૯૪૪.૧૦થી ૨૦,૦૯૬.૯૦ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ૦.૩૮ ટકા અથવા તો ૭૬.૮૦ પૉઈન્ટ વધીને ૨૦,૦૭૦ની સપાટીએ બંધ રહ્યો હતો.
વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલો સાથે સ્થાનિકમાં સત્રના આરંભે બજાર નરમાઈના ટોને ખૂલ્યા બાદ ખાસ કરીને ગઈકાલે જાહેર થયેલા ઔદ્યોગિક ઉત્પાદન અને ફુગાવાના ડેટા પ્રોત્સાહક હોવાથી દેશનું અર્થતંત્ર મજબૂત કામગીરી દાખવી રહ્યું હોવાનું જણાતા બજારનાં સુધારાને ટેકો મળ્યો હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવતાં ઉમેર્યું હતું કે હાલમાં ખાસ કરીને યુકેના અર્થતંત્રમાં પીછેહઠ અને ક્રૂડતેલના ભાવવધારાએ વૈશ્ર્વિક બજારમાં અનિશ્ર્ચિતતા ઊભી કરી હોવાથી તેમ જ આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના ફુગાવાના ડેટા પર રોકાણકારોની નજર હોવાથી તેઓનો અમુક અંશે સાવચેતીનો અભિગમ પણ જોવા મળ્યો હતો.
આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ૨૦ શૅરના ભાવ વધીને અને ૧૦ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે નિફ્ટી હેઠળના ૫૦ શૅર પૈકી ૩૧ શૅરના ભાવ વધીને અને ૧૯ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. સેન્સેક્સ હેઠળના મુખ્ય વધનાર શૅરોમાં આજે સૌથી વધુ ૨.૭૨ ટકાનો વધારો ભારતી એરટેલમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે ટિટાનમાં ૨.૪૨ ટકાનો, ઈન્ડ્સઈન્ડ બૅન્કમાં ૧.૮૨ ટકાનો, એક્સિસ બૅન્કમાં ૧.૫૬ ટકાનો, સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયામાં ૧.૩૯ ટકાનો અને એનટીપીસીમાં ૦.૯૮ ટકાનો સુધારો આવ્યો હતો. જોકે, આજે મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ ૧.૩૪ ટકાનો ઘટાડો મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે લાર્સન ઍન્ડ ટૂબ્રોમાં ૧.૧૮ ટકાનો, નેસ્લેમાં ૦.૭૬ ટકાનો, જેએસડબ્લ્યુ સ્ટીલમાં ૦.૬૧ ટકાનો અને ટીસીએસ તથા ટૅક મહિન્દ્રામાં ૦.૪૨ ટકાનો ઘટાડો આવ્યો હતો. વધુમાં ગઈકાલે સ્મોલકેપ અને મિડકેપ ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યા બાદ આજે અનુક્રમે ૦.૮૫ ટકાનો અને ૦.૧૯ ટકાનો સુધારો આવ્યો હતો. આજે જે સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું છે તેમાં મુખ્યત્વે ટેલિકોમ ઈન્ડેક્સમાં ૨.૬૨ ટકાનો, પીએસયુ ઈન્ડેક્સમાં ૧.૫૬ ટકાનો, ક્ધઝ્યુમર ડ્યુરેબલ ઈન્ડેક્સમાં ૧.૨૪ ટકાનો, એનર્જી ઈન્ડેક્સ અને સીપીએસઈ ઈન્ડેક્સમાં ૧.૧૯ ટકાનો અને ઑઈલ ઍન્ડ ગૅસ ઈન્ડેક્સમાં ૧.૧૩ ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે બેઝિક મટિરિયલ ઈન્ડેક્સમાં ૩.૦૫ ટકાનો, ક્ધઝ્યુમર ડિસ્ક્રેશનરી ગૂડ્સ ઍન્ડ સર્વિસીસ ઈન્ડેક્સમાં ૨.૪૦ ટકાનો, ફાઈનાન્સ ઈન્ડેક્સમાં ૧.૫૫ ટકાનો, કેપિટલ ગૂડ્સ ઈન્ડેક્સમાં ૦.૫૨ ટકાનો, ઑટો ઈન્ડેક્સમાં ૦.૩૬ ટકાનો અને આઈટી ઈન્ડેક્સમાં ૦.૩૧ ટકાનો ઘટાડો આવ્યો હતો. આજે એશિયાના બજારોમાં સિઉલ, શાંઘાઈ અને હૉંગકૉંગની બજાર ઘટાડા સાથે બંધ રહી હતી અને ટોકિયોની બજાર સુધારાતરફી વલણ સાથે બંધ રહી હતી. તેમ જ આજે યુરોપના બજારોમાં પણ મધ્યસત્ર દરમિયાન નરમાઈનું વલણ જોવા મળ્યું હતું. દરમિયાન આજે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૬૬ ટકા વધીને બેરલદીઠ ૯૨.૫૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ ડૉલર ઈન્ડેક્સમાં પણ મજબૂત વલણ રહ્યું હોવાના અહેવાલ હતા.