આઇપીઓના જોરદાર ઉછાળા સામે શૅરબજારમાં નિરસવલણ વચ્ચે નિફ્ટી ૨૦,૧૦૦ની ઉપર પહોંચ્યો
મુંબઇ: ફેડરલ રિઝર્વના અસ્પષ્ટ સંકેતો વચ્ચે અમેરિકાના બજારોમાં વ્યાપેલા મિશ્ર વલણની અસર અને માસિક એક્સપાઇરીને કારણે શેરબજાર રેન્જબાઉન્ડ થઇ ગયું હતું અને મોટેભાગે નેગેટીવ ઝોનમાં અથડાયા બાદ માંડ પોઝિટીવ ઝોનમાં પાછું ફરી શક્યું હતું. જોકે, ટાટા ટેકનોલોજીના બમ્પર લિસ્ટિંગ સાથે મૂડીબજારમાં જોરદાર ઉત્સાહ જોવા મળ્યો હતો. ટાટા ટેકના શેર ૧૪૦ ટકાના જોરદાર પ્રીમિયમ સાથે લિસ્ટેડ થયા હતા જ્યારે ગાંઘાર ઓઇલમાં પણ નોંધપાત્ર પ્રીમિયમ હતું.
બીએસઇનો ત્રીસ શેર ધરાવતો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અફડાતફડી વચ્ચે અટવાયા બાદ અંતે ૮૬.૫૩ પોઈન્ટ અથવા ૦.૧૩ ટકા વધીને ૬૬,૯૮૮.૪૪ પોઇન્ટની સપાટી પર સેટલ થયો હતો. દિવસ દરમિયાન, માસિક એક્સપાઇરીને કારણે ઊથલપાથલમાં પસાર થવા દરમિયાન બેન્ચમાર્ક ૬૭,૦૬૯.૮૯ પોઇન્ટની ઊંચી અને ૬૬,૬૧૦.૩૫ પોઇન્ટની નીચી સપાટીએ અથડાયો હતો. અફડાતફડી અને વધઘટ છતાં બીએસઇનું માર્કેટ કેપટલાઇઝેશન ચાર ટ્રિલિયન ડોલરની સપાટીએ જળવાઇ રહ્યું હતું. દરમિયાન, એનએસઇનો પચાસ શેરવાળો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી ૨૦,૦૯૬.૬૦ પોઇન્ટના પાછલા બંધ સામે ૩૬.૫૫ પોઈન્ટ અથવા ૦.૧૮ ટકા વધીને ૨૦,૧૩૩.૧૫ પોઇન્ટની પર સેટલ થયો હતો.
ટાટા ટેક્નોલોજીસ અને ગાંધાર ઓઈલ રિફાઈનરીના તેજીલા પ્રવેશથી બજારના સેન્ટિમેન્ટને ટેકો મળ્યો હતો. સેન્સેક્સની કંપનીઓમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, સન ફાર્મા, ભારતી એરટેલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, વિપ્રો, ટાઇટન, એક્સિસ બેન્ક અને બજાજ ફિનસર્વમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે ઈન્ડસઈન્ડ બેન્ક, એશિયન પેઈન્ટ્સ, પાવર ગ્રીડ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટાટા મોટર્સ અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ટોપ લૂઝર બન્યા હતા.
ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોની વિવિધ શ્રેણીના ઉત્પાદન અને માર્કેટિંગ સાથે સંકળાયેલી વૈશાલી ફાર્મા લિમિટેડને તાજેતરમાં આફ્રિકન ખંડમાંથી એક મહત્વપૂર્ણ ઓર્ડર મળ્યો છે. કંપનીને આઠ લાખ અમેરિકન ડોલર એટલે કે અંદાજે રૂ.૬૬૪ લાખના મૂલ્યનો ઓર્ડર મળ્યો છે. કંપનીને તેમાંથી ચાર લાખ ડોલર એટલે કે આશરે રૂ. ૩૩૨ લાખની આગોતરી ચૂકવણી મળી છે. સમગ્ર ઓર્ડરના અમલની યોજના નાણાકીય વર્ષ ૨૪ માટે બનાવવામાં આવી છે.
આ સત્રમાં બધા ગ્રુપની કુલ ૧૬ કંપનીઓમાંથી નવ કંપનીઓને ઉપલી અને સાત કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી. અલ્ટ્રાટેક સિમેન્ટ ૩.૧૪ ટકા, સન ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીઝ ૨.૧૯ ટકા, ભારતી એરટેલ ૧.૯૧ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૮૦ ટકા અને વિપ્રો ૧.૭૫ ટકા વધ્યા હતા, જ્યારે ઈન્ડસઈન્ડ બેન્ક ૧.૧૯ ટકા, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૧.૦૨ ટકા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ૧.૦૦ ટકા, એશિયન પેઈન્ટ્સ ૦.૯૫ ટકા અને ટાટા મોટર્સ ૦.૮૩ ટકા ઘટ્યા હતા.
એશિયન બજારોમાં, સિઓલ, ટોક્યો, શાંઘાઈ અને હોંગકોંગ લાભ સાથે સ્થિર થયા હતા. યુરોપિયન બજારો સકારાત્મક ક્ષેત્રમાં ટ્રેડ થઈ રહ્યા હતા. બુધવારે અમેરિકી બજારો મોટાભાગે નીચા બંધ રહ્યા હતા. વૈશ્ર્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૮૪ ટકા વધીને ૮૩.૮૦ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. એક્સચેન્જ ડેટા અનુસાર બુધવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ રૂ. ૭૧.૯૧ કરોડની ઇક્વિટી ખરીદી હતી.
સેન્સેક્સની ૧૭ કંપનીઓ વધી અને ૧૩ કંપનીઓ ઘટી હતી.માર્કેટ કેપ રૂ. ૩૩૫.૬૧ લાખ કરોડ રહ્યું હતું. આઈપીઓ ઈન્ડેક્સ ૦.૪૧ ટકા વધ્યો હતો અને એસએમઈ આઈપીઓ ૦.૨૧ ટકા ઘટ્યો હતો. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં સેન્સેક્સ ૫૦ ઈન્ડેક્સ ૦.૨૨ ટકા, બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૩૫ ટકા, બીએસઈ બીએસઈ મીડ કેપ ૦.૮૩ ટકા, બીએસઈ સ્મોલ કેપ ૦.૯૬ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૦.૪૦ ટકા, બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૦.૪૮ ટકા, બીએસઈ ઓલ કેપ ૦.૫૦ ટકા અને બીએસઈ લાર્જ કેપ ૦.૩૨ ટકા વધ્યા હતા. સેક્ટરલ ઈન્ડાયસીસમાં કોમોડિટીઝ ૦.૫૨ ટકા, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી ૦.૭૭ ટકા, એનર્જી ૦.૫૧ ટકા, એફએમસીજી ૦.૪૬ ટકા, ફાઈનાન્શિયલ સર્વિસીસ ૦.૨૭ ટકા, હેલ્થકેર ૧.૬૬ ટકા, ઈન્ડસ્ટ્રીયલ્સ ૧.૪૮ ટકા, આઈટી ૦.૦૧ ટકા, ટેલિકોમ્યુનિકેશન ૦.૪૩ ટકા, ઓટો ૦.૪૯ ટકા, કેપિટલ ગુડ્સ ૧.૩૯ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૧.૬૧ ટકા, મેટલ ૦.૩૭ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૧.૧૨ ટકા, પાવર ૦.૧૭ ટકા, રિયલ્ટી ૧.૫૨ ટકા, ટેક ૦.૧૭ ટકા અને સર્વિસીસ ૦.૨૦ ટકા વધ્યા હતા, જ્યારે યુટિલિટીઝ ૦.૨૫ ટકા અને બેન્કેક્સ ૦.૦૬ ટકા ઘટ્યા હતા.
ટાટા ટેકનોમાં આગઝરતી તેજી: જબરદસ્ત ઉછાળા સાથે પ્રવેશ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ટાટા ટેકનોમાં આગઝરતી તેજી જોવા મળી છે. આ બહુપ્રતિક્ષીત શેર ૧૮૦ ટકા પ્રીમિયમ સાથે લિસ્ટેડ થયો હોવાથી રોકાણકારો ગેલમાં આવી ગયા હતા. ઓટોથી એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી સેવાઓ સાથે એરો અને હેવી મશીનરી ઉત્પાદક એવી આ કંપનીના શેર તેના રૂ. ૫૦૦ના ઈશ્યુ ભાવ સામે રૂ. ૧૧૯૯.૯૫ની સપાટીએ ખુલીને સંપૂર્ણ સત્ર દરમિયાન ખૂલતા ભાવથી નીચે ગયો જ નથી. ખુલતા સત્રમાં જ ૧૪૦ ટકાના ઉછાળા પછી ટાટા ટેક્નોલોજીનું મૂલ્ય લગભગ ૭ બિલિયન ડોલરની સપાટીએ પહોંચ્યું હતું અને ગુરુવારે સત્રના પ્રારંભિક તબક્કે જ ૧૮૦ ટકા જેટલો ઉછાળો નોંધાવ્યો હતો, આ રીતે તે, લગભગ બે દાયકામાં રૂ. ૫૬૭.૯૪ બિલિયન (૬.૮ બિલિયન ડોલર)ના મૂલ્ય સાથે પ્રવેશ કરનારી પ્રથમ ટાટા ગ્રૂપ કંપની બની છે. સત્રને અંતે આ શેર ઇશઅયૂભાવ સામે ૧૬૨.૮૫ ટકાના સુધારા સાથે રૂ. ૧૩૧૪.૨૫ની સપાટીએ સ્થિર થયો હતો. ખૂલતા ભાવ સામે ૯.૫૩ ટકાના વધારો નોંધાયો હતો.