શેરબજારમાં બે દિવસની પીછેહઠ બાદ બેન્ચમાર્કમાંઉછાળો, નિફ્ટી ફરી ૧૯,૧૦૦ની ઉપર પહોંચ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભારતીય બેન્ચમાર્ક ઇક્વિટી ઇન્ડેક્સ, સેન્સેક્સ અને નિફ્ટીએ બે દિવસના ઘટાડા પછી ગુરૂવારે લગભગ એકાદ ટકાનો ઉછાલો નોંધાવી રોકાણકારોને રાજી કર્યા હતા. યુએસ ફેડરલ રિઝર્વના દરો યથાવત રાખવાના નિર્ણયની જાહેરાત વચ્ચે વૈશ્ર્વિક ઇક્વિટી બજારોમાં તેજીનો પવન ફુંકાયો હતો.
બીએસઇનો ત્રીસ શેરવાળો મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સ ૪૮૯.૫૭ પોઈન્ટ અથવા ૦.૭૭ ટકા ઉછળીને ૬૪,૦૮૦.૯૦ પોઇન્ટના સ્તર પર સેટલ થયો છે. દિવસ દરમિયાન તે ૬૧૧.૩૧ પોઇન્ટ અથવા ૦.૯૬ ટકા વધીને ૬૪,૨૦૨.૬૪ પોઇન્ટની સપાટી પર પહોંચ્યો હતો. નિફ્ટી ૧૪૪.૧૦ પોઈન્ટ અથવા ૦.૭૬ ટકા વધીને ૧૯,૧૩૩.૨૫ પર પહોંચ્યો હતો.
સેન્સેક્સ કંપનીઓમાં ઇન્ડસઇન્ડ બેન્ક, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, સન ફાર્મા, ઇન્ફોસિસ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઇન્ફોસિસ, એનટીપીસી, ભારતી એરટેલ, એચસીએલ ટેક્નોલોજીસ અને એક્સિસ બેન્કના શેર ટોપ ગેઇનર્સની યાદીમાં સામેલ હતાં. જ્યારે ટેક મહિન્દ્રા અને બજાજ ફાઇનાન્સ ટોપ લુઝર્સ બન્યા હતા. કેપિટલ માર્કેટમાં સાતમી નવેમ્બરે આવનારો આસ્ક ઓટોમોટિવનો આઇપીઓ રૂ. ૮૩૪.૦૦ કરોડનો બુક બિલ્ટ ઈશ્યુ છે. પ્રાઇસ બેન્ડ રૂ. ૨૬૮થી રૂ. ૨૮૨ છે. આ ભરણામાં રૂ. ૮૩૪.૦૦ કરોડના નવા ઈશ્યુ અને ૨.૯૬ કરોડ શેરના વેચાણની ઓફરનો સમાવેશ થાય છે. ભરણું નવમી નવેમ્બરે બંધ થશે. ફાળવણી ૧૫ નવેમ્બરે થવાની ધારણા છે. શેર એનએસઇ અને બીએસઇ પર લિસ્ટેડ થશે. બીજા ત્રિમાસિક સમયગાળામાં આરઈસી લિમિટેડનો ચોખ્ખો નફો ૩૮ ટકાના વધારા સાથે રૂ. ૩,૭૭૩ કરોડ નોંધાયો છે. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર માટે શેર દીઠ વાર્ષિક કમાણી શેર દીઠ રૂ. ૩૯.૩૨ની સામે વધીને રૂ. ૫૧.૧૪ પ્રતિ શેર થઈ છે.
જ્યારે નેટવર્થ નેટ વર્થ વધીને રૂ. ૬૩,૧૧૭ કરોડ નોંધાઈ છે, જે વાર્ષિક ધોરણે ૧૮ ટકાનો વધારો દર્શાવે છે. એસએમઇ સેગમેન્ટમાં આઇટી સોલ્યુશન્સ પ્રોવાઇડર માઇક્રોપ્રો સોફ્ટવેર સોલ્યુશન્સ લિમિટેડનું ભરણું ત્રીજી નવેમ્બરે ખૂલશે અને સાતમી નવેમ્બરે બંધ થશે. કંપની આ ભરણાં મારફત રૂ. ૮૧ની નિર્ધારિત કિંમતે રૂ. ૩૦.૭૦ કરોડ એકત્ર કરશે. માર્કેટ લોટ ૧,૬૦૦ ઈક્વિટી શેરનો છે. શેર એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટેડ થશે. ીડ મેનેજર સ્વરાજ શેર્સ એન્ડ સિક્યોરિટીઝ તથા રજિસ્ટ્રાર પૂર્વા શેરરજિસ્ટ્રી છે. નાણાં ભંડોળનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતો, મૂડી ખર્ચની જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ ખર્ચ માટે કરવામાં આવશે.
ફેરલડ રિઝર્વ તરફથી ડોવિશ કોમેન્ટ્રી સાથેના વ્યાજદરની વૃદ્ધિના વિરામથી વૈશ્ર્વિક અને સ્થાનિક બજારના સેન્ટિમેન્ટમાં સુધારો થયો હતો. વધુમાં, યુએસ બોન્ડ યીલ્ડમાં ઘટાડામાં પણ વ્યાજ દરમાં વધારામાં લાંબા સમય સુધી વિરામના સંકેત હોવાથી રોકાણકારોે વધુ રાહત અનુભવી હોવાનું જણાવતાં જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, સ્થાનિક આર્થિક સ્થિતિ સારી હોવા સાથે ઓટો ડેટા, જીેસટી કલેકશનમાં વધારો, સારા ફેક્ટરી ડેટા અને બીજા ક્વાર્ટરની આંદાજીત સારી કમાણી માર્કેટને પોષક છે.
એશિયન બજારોમાં, સિઓલ, ટોક્યો અને હોંગકોંગ ગ્રીન ઝોનમાં થયા જ્યારે શાંઘાઈ શેરઆંક નેગેટીવ ઝોનમાં ગબડ્યો હતો. યુરોપિયન બજારો ખૂલતા સત્રમાં પોઝિટીવ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. બુધવારે અમેરિકી બજારો ઉછાળા સાથે બંધ થયા હતો. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૧.૬૭ ટકા વધીને ૮૬.૧૨ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. એક્સચેન્જ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) એ બુધવારે રૂ. ૧,૮૧૬.૯૧ કરોડના મૂલ્યની ઇક્વિટી ઓફલોડ કરી હતી. બુધવારે સેન્સેક્સ ૨૮૩.૬૦ પોઈન્ટ અથવા ૦.૪૪ ટકા ઘટીને ૬૩,૫૯૧.૩૩ પર સેટલ થયો હતો. નિફ્ટી ૯૦.૪૫ પોઈન્ટ અથવા ૦.૪૭ ઘટીને ૧૮,૯૮૯.૧૫ પર ગયો હતો.
સેન્સેક્સમાં ઈન્ડસઈન્ડ બેન્ક ૨.૦૪ ટકા, ટાટા મોટર્સ ૧.૫૧ ટકા, સન ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીઝ ૧.૪૧ ટકા, ટાટા સ્ટીલ ૧.૩૩ ટકા અને ઈન્ફોસિસ ૧.૨૫ ટકા વધ્યા હતા, જ્યારે ટેક મહિન્દ્રા ૦.૫૯ ટકા અને બજાજ ફાઈનાન્સ ૦.૨૭ ટકા ઘટ્યા હતા. બી ગ્રુપની એક કંપનીને ઉપલી સર્કીટ સહિત બધા ગ્રુપની કુલ ૧૭ કંપનીઓમાંથી ૧૨ કંપનીઓને ઉપલી અને ૫ાંચ કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી.