Closing Bell: સેન્સેક્સ 906 પોઇન્ટના કડાકા સાથે 73,૦૦૦ની નીચે અને નિફ્ટી 22,000ની નીચે સરકી ગયો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: સ્મોલકેપ અને મિડકેપ શેરઆંકોમાં તીવ્ર ઘટાડા વચ્ચે વ્યાપક વેચાણના દબાણને કારણે બુધવારે ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 906 પોઇન્ટથી વધુ તૂટીને ૭૩,૦૦૦ના સ્તરની નીચે ગબડી ગયો હતો. સાર્વત્રિક વેચવાલીના દબાણ વચ્ચે સેન્સેક્સ 73,000ની નીચે અને નિફ્ટી 22,000ની નીચે સરકી ગયો હતો.
સ્મોલ કેપ અને મિડ કેપ સેગમેમન્ટ ઉપરાંત, યુટિલિટી, એનર્જી અને મેટલ સેગમેન્ટના શેરોમાં પણ ભારે વેચવાલી અને ધોવાણ જોવા મળ્યું હતું અને વિદેશી રોકાણકારોની તાજેતરની વેચવાલીને કારણે બજારનું માનસ વધુ ખરડાયેલું રહ્યું હોવાનું વિશ્ર્લેષકોએ જણાવ્યું હતું. બેન્ચમાર્ક શેરઆંકોએ સત્રની શરૂઆત સકારાત્મક નોંધ સાથે કરી હતી, પરંતુ બપોરના સત્ર દરમિયાન વેચાણ વધુ તીવ્ર બન્યું હતું, જેમાં તમામ ક્ષેત્રીય શેરઆંક રેડ ઝોનમાં બંધ થયા હતા.
સત્રને અંતે 30 શેરનો ઈન્ડેક્સ 906.07 પોઈન્ટ અથવા 1.23% ઘટીને 72,791.89 પર સેટલ થયો હતો. દિવસ દરમિયાન, તે ૧,૧૫૨.૨૫ પોઈન્ટ અથવા ૧.૫૬ ટકા ઘટીને ૭૨,૫૧૫.૭૧ પર રહ્યો હતો. જ્યારે એનએસઇનો નિફ્ટી ૩૩૮ પોઈન્ટ અથવા 1.51% ઘટીને 21,997.70 પર સ્થિર હતો.
સેન્સેક્સ પેકમાં પાવર ગ્રીડ સૌથી વધુ સાત ટકાથી વધુ ઘટ્યો હતો, ત્યારબાદ સૌથી વધુ ઘટનારા શેરોમાં એનટીપીસી, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, ભારતી એરટેલ, ટાઇટન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને હિન્દુસ્તાન યુનિલિવરનો ક્રમ રહ્યો હતો. તેનાથી વિપરીત, આઇટીસી, આઇસીઆઇસીઆઇ બેંક, કોટક મહિન્દ્રા બેંક, નેસ્લે, બજાજ ફાઇનાન્સ અને એચડીએફસી બેંકમાં સુધારો જોવા મળ્યો હતો.