શેર બજાર

નિફ્ટીએ માંડ માંડ બચાવી ૧૯૦૦૦ની સપાટી, સેન્સેક્સ ૬૪,૦૫૦ની નીચે ખાબક્યો!

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દશેરાના બંધ પછીના સત્રમાં શેરબજારમાં અફડાતફડી જારી રહી છે. વિશ્ર્વબજારમાં સુધારાના સંકેત અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો હોવા છતાં ઇઝરાયલ અને હમાસના યુદ્ધને કારણે સર્જાયેલી અનિશ્ર્ચિતતા વચ્ચે સ્થાનિક શેરબજાર પ્રારંભિક સુધારો ગુમાવીને બપોરના સત્ર પછી ગબડતું રહી અંતે સતત પાંચમાં દિવસે નેગેટીવ ઝોનમાં પછડાયું હતું. સેન્સેક્સ ૬૪,૦૫૦ની નીચે ખાબક્યો હતો, જ્યારે નિફ્ટી ૧૯,૦૦૦ની સપાટી માંડ માંડ ટકાવી શક્યો હતો.

સેન્સેક્સ સત્ર દરમિયાન ૬૫૯.૭૨ પોઇન્ટ અથવા તો ૧.૦૨ ટકાના કડાકા સાથે ૬૩,૯૧૨.૧૬ પોઇન્ટની સપાટીને અથડાઇને અંતે ૫૨૨.૮૨ પોઇન્ટ અથવા તો ૦.૮૧ ટકા તૂટીને ૬૪,૦૪૯.૦૬ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો છે. જ્યારે એનએસઇનો નિફ્ટી ઇન્ડેક્સ ૧૫૯.૬૦ પોઇન્ટ અથવા તો ૦.૮૩ ટકા તૂટીને ૧૯,૧૨૨.૧૫ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો છે.

ઇન્ફોસિસ, ભારતી એરટેલ, એનટીપીસી, ટાટા મોટર્સ, ઇન્ડસઇન્ડ બેન્ક, બજાજ ફાઇનાન્સ, આઇસીઆઇસીઆઇ બેન્ક, ટેક મહિન્દ્રા, ટાઇટન અને એક્સિસ બેન્ક જેવા સેન્સેક્સના શેરો ટોપ લૂઝર્સની યાદીમાં સમાવિષ્ટ હતાં. ટાટા સ્ટીલ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારુતિ સુઝુકી અને નેસ્લે ટોપ ગેઇનર રહ્યાં હતાં.

કેપિટલ માર્કેટમાં હાઉસહોલ્ડ પ્રોડક્ટ અને સ્ટેશનરી ઉત્પાદક સેલો વર્લ્ડ લિમિટેડ ૩૦ ઓક્ટોબરે પ્રવેશ કરી રહી છે. આ ભરણું પહેલી નવેમ્બરે બંધ થશે. કંપનીએ રૂ. ૬૧૭થી રૂ. ૬૪૮ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે અને રૂ. ૧૯૦૦ કરોડ એકત્ર કરવા ધારે છે. શેર બીએસઇ અને એનએસઇ પર લિસ્ટેડ થશે. શેરબજારમાં મંદીનો માહોલ છે પરંતુ રિટેલ ક્ષેત્રે અને ઇકોમર્સ પ્લેટફોર્મ પર સારો માહોલ છે.

માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇસ માટેના વોલમાર્ટ વૃદ્ધિ સપ્લાયર ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત ફ્લિપકાર્ટના બિગ બિલિયન ડે સેલ અંતર્ગત વાર્ષિક ધોરણે વેચાણકર્તાઓએ વેચાણમાં ૭૦ ટકાનો વધારો નોંધ્યો છે. વોલમાર્ટ વૃદ્ધિની ૨૦૧૯માં શરૂઆત થઇ ત્યારથી અત્યાર સુધીમાં ૪૦,૨૫૫ નાના એકમો તેમાં જોડાયા છે.

એસએમઇ સેગમેમન્ટમાં મૈત્રેય મેડિકેર લિમિટેડ ૨૭મી ઑક્ટોબરે મૂડીબજારમાં પ્રવેશ કરશે. પ્રાઇસ બેન્ડ રૂ. ૭૮થી રૂ. ૮૨ નક્કી થઇ છે તે જોતાં અપર અને લોવર બેન્ડને આધારે ભરણાનું કદ રૂ. ૧૪.૧૬ કરોડ અને રૂ. ૧૪.૮૯ કરોડ થાય છે, શેર એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટેડ થશે. માર્કેટ બિડ લોટ ૧૬૦૦ શેરનો છે. ભરણું પહેલી નવેમ્બરે બંધ થશે. ક્યૂઆઇબી એન્કર પોર્શન ૪,૯૪,૪૦૦ શેર સુધી, ક્યૂઆઇબી માટે ૮,૨૪,૦૦૦ શેર્સ, એનઆઇઆઇ માટે ૨,૭૨,૦૦૦ શેર્સ, રીટેલ ઇન્વેસ્ટર્સ માટે ૬,૧૧,૨૦૦ શેર્સ અને માર્કેટ મેકર માટે ૧,૦૮,૮૦૦ ઇક્વિટી શેર સુધીનો છે.
ફિનટેક કંપની નેટવર્ક પીપલ સર્વિસીસ ટેક્નોલોજીસ લિમિટેડ (એનપીએસટી)એ નાણાકીય વર્ષ ૨૦૨૪ના પ્રથમ અર્ધવાર્ષિક અનઓડિટેડ નાણાકીય પરિણામોમાં કુલ આવક રૂ. ૯.૪૪ કરોડ સામે રૂ. ૫૩.૩૨ કરોડ નોંધાવી છે, જે ૪૬૪.૮૪ ટકાની વાર્ષિક વૃદ્ધિ દર્શાવી છે. એબિટા રૂ. ૨.૩૨ કરોડ સામે રૂ. ૧૭.૪૧ કરોડ થઇ છે, જે ૬૫૦.૬૫ ટકાની વૃદ્ધિ અને તેનું માર્જિન ૨૪.૫૭ ટકા સામે ૩૨.૬૫ ટકા નોંધાઇ છે. કરવેરા પહેલાંનો ચોખ્ખો નફો રૂ. ૧.૨૧ કરોડ સામે રૂ. ૧૩.૬૦ કરોડ રહ્યો છે, જે ૧૦૨૩.૯૭ ટકાની વાર્ષિક વૃદ્ધિ છે.

એશિયન બજારમાં ટોકિયો, શાંઘાઇ અને હોંગકોંગ પોઝિટીવ ઝોનમાં સ્થિર થયાં હતા, જ્યારે સિઓલ નેગેટીવ ટેરીટરીમાં ગબડ્યો હતો. અમેરિકાના બજારો મંગળવારે ગ્રીન ઝોનમાં બંધ થયાં હતા. જ્યારે યુરોપના બજારોમાં ખૂલતા સત્રમાં નરમાઇ જોવા મળી હતી. શેરબજારમાં સારી શરૂઆત બાદ એકાએક કડાકો બોલી જતાં રોકાણકારોમાં ગભરાટ ફેલાયો હતો. વિશ્ર્વબજારમાં સારા સંકેત પાછળ શરૂઆત સારી રહી હતી, પરંતુ વહેલી બપોરના કામકાજ દરમિયાન અચાનક વેચવાલીનું દબાણ વધી ગયું હતું.

આઈટી અને બેંકો પર સૌથી વધુ વેચાણનું દબાણ જોવા મળતાં બજારનું સેન્ટિમેન્ટ ખરડાઈ ગયું હતું. આ અગાઉ ચીનના ટ્રિલિયન યુઆનના બોન્ડની મંજુરી પાછળ વૈશ્ર્વિક ઇક્વિટી બજારોના સેન્ટિમેન્ટમાં સુધારો હતો.

ચાઇનાએ મેગા ઇન્ફ્રા બોન્ડને મંજૂરી આપી હોવાના સમાચારો પાછળ વિશ્ર્વના ઇક્વિટી બજારના સેન્ટિમેન્ટમાં સુધારો થયો હતો. એ જ સાથે યુએસ ટ્રેઝરી યીલ્ડ અને ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાઈએ પણ સેન્ટિમેન્ટને સુધારવામાં વધુ મદદ કરી હતી. ચીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા ટ્રિલિયન યુઆન સોવરિન બોન્ડ ઇશ્યૂને મંજૂરી આપ્યા બાદ મેટલ્સ સ્ટોક્સમાં ૧.૫ ટકાનો વધારો થયો હતો. એફઆઇઆઇએ સોમવારના સત્રમાં રૂ. ૨૫૨.૨૫ કરોડની લેવાલી નોંધાવી હતી. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૩૦ ટકા વધીને બેરલદીઠ ૮૮.૩૨ ડોલર બોલાયું હતું. એ તબક્કે હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, ટાટા સ્ટીલ અને જેએસડબલ્યુ સ્ટીલ ટોચના નિફ્ટી ગેનર હતા, જેમાં ૧.૨ ટકા અને ૩.૫ ટકા સુધીનો વધારો થયો હતો.

ઇઝરાયેલ-હમાસ સૈન્ય અથડામણની નવમી ઓક્ટોબરે શરૂઆત થઇ ત્યારથી અત્યાર સુધીમાં નિફ્ટી લગભગ બે ટકા જેવો ઘટી ગયો છે. જોકે, બજારનો એક આશાવાદી વર્ગ માને છે કે, મધ્ય પૂર્વ એક અસ્થાયી પરિબળ બની શકે છે, સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડના પ્રવાહમાં મજબૂતાઈ અને તહેવારોની માગ બજારની ગતિને પુનજીર્વિત કરી શકે છે.

વ્યાપક બજારમાં એકંદર વેચવાલીના માહોલમાં નાના શેરો પણ ધોવાયા હતા. નિષ્ણાતો અનુસાર સ્મોલ અને મિડકેપ શેરોમાં વેલ્યુએશન્સની ચિંતા છે. સ્મોલ કેપ ઇન્ડેક્સ ૦.૭૭ ટકા અને મિડકેપ ઇન્ડેક્સ ૦.૫૨ ટકા ગબડ્યો હતો. ચાઇના ફેટકરને કારણે કરંટ મળ્યો હોવાથી એક માત્ર મેટલ ઇન્ડેકસમાં સુધારો હતો.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત