ટોપ ન્યૂઝશેર બજાર

ભારતીય શેરબજારમાં નવો ઇતિહાસ; નિફટી 20,273 પોઈન્ટ સુધી ઊછળ્યો

નીલેશ વાઘેલા
મુંબઈ: ભારતીય શેરબજારમાં આજે, સપ્તાહના અંતિમ દિવસે નવો ઇતિહાસ રચાયો છે. આપણે મુંબઈ સમાચારની સોમવારની કૉલમ ‘ફોરકસ્ટ’ના શીર્ષકમાં ટંકેલી સ્પષ્ટ આગાહી અનુસાર જ નિફ્ટી 20,200ની સપાટી વટાવી ગયો છે.

સવારના સત્રમાં જ નિફટીએ 20,273 પોઈન્ટ સુધી ઊછળ્યો છે. સેન્સેક્સ પણ 67,500 ની સપાટી વટાવી ચૂક્યો છે અને આ તબક્કે 500 પોઈન્ટ ઊંચી સપાટીએ છે. લાર્સન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને આઈટીસીએ નિફ્ટીને નવી ઊંચાઈએ લઈ જવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી હતી,

સેન્સેક્સ 66,988.44ના પાછળ બંધ સામે ઊંચા ગેપ સાથે 67,181.15ની સપાટીએ ખૂલ્યો હતો. જ્યારે નિફટી 20,133.15ના પાછળ બંધ સામે ઊંચા ગેપ સાથે 20,194.10ની સપાટીએ ખૂલ્યો હતો.

ગ્લોબલ ઇન્ટરેસ્ટ રેટ આઉટલૂક આશાસ્પદ હોવા સાથે અપેક્ષા કરતાં વધુ જીડીપી વૃદ્ધિના આંકડાએ બજારનો મૂડ સુધર્યો હતો. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતનો જીડીપી ગ્રોથ 7.6% હતો, જ્યારે રોઈટર અને બ્લૂમબર્ગનો અંદાજ 6.8% હતો. આરબીઆઈ નો અંદાજ તો 6.5% હતો.

આજે પહેલી ડિસેમ્બરે શુક્રવારે બજાર ખુલ્યાના થોડા સમય બાદ નિફ્ટીએ 20,232.10ની નવી રેકોર્ડ સપાટી બનાવી હતી. બજારના અભ્યાસુઓ અનુસાર 15 સપ્ટેમ્બર 2023 પછી નિફ્ટીનું આ સર્વોચ્ચ સ્તર છે.

તાજેતરમાં નિફ્ટીએ 26 ઓક્ટોબરે 18,838ની નીચી સપાટી બનાવી હતી આ સ્તરથી નિફ્ટીમાં 7%નો વધારો થયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં નિફ્ટી 11.2% વધ્યો છે જ્યારે સેન્સેક્સ 10.4% વધ્યો છે.

આ સિવાય નિફ્ટી 500 એ 18082.35ની નવી ઊંચી સપાટી સાથે નિફ્ટી મિડકેપ 150 અને નિફ્ટી સ્મોલકેપ 250એ પણ નવા રેકોર્ડ બનાવ્યા છે. નિફ્ટી એનર્જી, નિફ્ટી ઓટો, નિફ્ટી રિયલ્ટી, નિફ્ટી ફાર્મા અને નિફ્ટી પીએસઈ પણ નવા રેકોર્ડ હાઈ પર છે.

29 નવેમ્બરે સેન્સેક્સે નવો ઈતિહાસ નોંધાવ્યો હતો. પ્રથમ વખત સેન્સેક્સનું માર્કેટ કેપિટલાઇઝેશન 4 ટ્રિલિયન ડોલરને વટાવી ગયું, જે તેની સર્વકાલીન ઉચ્ચ સપાટી છે. સેન્સેક્સનું માર્કેટ કેપ 4.1 ટ્રિલિયન ડોલર અથવા રૂપિયા 3,33,26,881.49 કરોડ નોંધાયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button