મુંબઇ : ભારતીય શેરબજારમાં(Stock Market) રોકાણ કરનારાઓ માટે ગત સપ્તાહ નિરાશાજનક રહ્યું હતું. જેમાં ટોચની 10 કંપનીઓમાંથી 8 કંપનીઓના શેરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં સૌથી નુકશાન મુકેશ અંબાણીની રિલાયન્સ અને ટાટા ગ્રુપની ટીસીએસના શેરધારકોને થયું. જ્યારે બે કંપનીઓ એવી છે જેણે રોકાણકારોને કમાણી કરાવી આપી.
આ શેરના રોકાણકારોએ 5 દિવસમાં કમાણી કરી
શેરબજારમાં ગત સપ્તાહે રિલાયન્સથી લઈને ટીસીએસમાં રોકાણકારોને ભારે નુકસાન થયું છે. ત્યારે છેલ્લા સપ્તાહના છેલ્લા પાંચ ટ્રેડિંગ દિવસોમાં સેન્સેક્સની બે કંપનીઓએ રોકાણકારોને કમાણી કરાવી આપી છે. આ કંપનીઓમાં હિન્દુસ્તાન યુનિલિવર પ્રથમ ક્રમે છે જે ઘટતા બજારમાં પણ વધતી રહી. જેમાં HULનો માર્કેટ કેપ વધીને રૂપિયા 6,66,919.73 કરોડ અને તેના રોકાણકારોની સંપત્તિ રૂપિયા 14,179.78 કરોડ વધી છે. આ સિવાય ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક HDFC બેંકના રોકાણકારોએ 5 દિવસમાં 3,735.35 કરોડ રૂપિયાની કમાણી કરી છે. બેંકનું બજાર મૂલ્ય વધીને રૂપિયા 12,47,941.78 કરોડ થયું છે.
રિલાયન્સ-ટીસીએસને મોટું નુકસાન થયું
શેરબજારમાં ગત સપ્તાહે સેન્સેક્સ 1,181.84 પોઈન્ટ તૂટ્યો હતો. સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી 8નું માર્કેટ કેપ એકત્રિત રીતે રૂપિયા 2,01,699.77 કરોડ ઘટ્યું હતું. રિલાયન્સનું માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને રૂપિયા 19,82,282.42 કરોડ થયું હતું અને રોકાણકારોને રૂપિયા 60,824.68 કરોડનું નુકસાન થયું હતું. બીજી તરફ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિનું બજાર મૂલ્ય રૂપિયા. 34,136.66 કરોડ ઘટીને રૂપિયા 16,12,762.51 કરોડ થયું હતું.
SBIથી લઇને અનેક કંપનીને નુકશાન
દેશની સૌથી મોટી બેંક SBI ના રોકાણકારોને પણ નુકશાન થયું. SBIનું માર્કેટ કેપ રૂપિયા 29,495.84 કરોડ ઘટીને રૂપિયા 6,98,440.13 કરોડ થયું હતું. આ પછી ટેલિકોમ કંપની ભારતી એરટેલના રોકાણકારોના નાણાંમાં રૂપિયા 28,379.54 કરોડનું નુકસાન થયું હતું અને તે ઘટીને રૂપિયા 8,76,207.58 કરોડ થયું હતું.