Bajaj Housing Listing: એક જ દિવસ ડબલ થયા રૂપિયા, બમ્પર પ્રીમિયમ સાથે લિસ્ટિંગ

મુંબઇ : બજાજ ગ્રૂપના તાજેતરના IPOને રેકોર્ડબ્રેક પ્રતિસાદ મળ્યા બાદ સોમવારે શેરબજારમાં લિસ્ટ થયો.
બજાજ હાઉસિંગ ફાઇનાન્સના(Bajaj Housing Listing) શેર 114 ટકાના બમ્પર પ્રીમિયમ સાથે બજારમાં લિસ્ટ થયા હતા. શેરે લિસ્ટિંગ સાથે જ રોકાણકારોને મોટું વળતર આપ્યું હતું.
બજાજ હાઉસિંગનું બમ્પર પ્રીમિયમ લિસ્ટિંગ
બજાજ હાઉસિંગ ફાઇનાન્સના શેર આજે સવારે BSE પર રૂપિયા 80ના પ્રીમિયમ એટલે કે 114.29 ટકા સાથે રૂપિયા 150 પર લિસ્ટ થયો. બજાજ ગ્રુપના આ IPOમાં કંપનીએ શેરની પ્રાઇસ બેન્ડ 66-70 રૂપિયા નક્કી કરી હતી. જો અપર પ્રાઇસ બેન્ડ સાથે સરખામણી કરવામાં આવે તો, રોકાણકારોએ લિસ્ટિંગ સાથે પ્રત્યેક શેર પર રૂપિયા 80ની કમાણી કરી છે. IPOના એક લોટમાં 214 શેર સામેલ હતા.
બજાજના આ IPOમાં સબ્સ્ક્રાઇબ કરવા માટે રોકાણકારોએ ઓછામાં ઓછા 14,980 રૂપિયાનું રોકાણ કરવું જરૂરી હતું. લિસ્ટિંગ બાદ એક લોટની કિંમત વધીને 32,100 રૂપિયા થઈ ગઈ છે. એટલે કે દરેક લોટ પર રોકાણકારોએ 17,120 રૂપિયાની કમાણી કરી છે.
દરેક કેટેગરીમાં રોકાણકારો તરફથી બમ્પર પ્રતિસાદ મળ્યો
બજાજ હાઉસિંગનો IPO 9 સપ્ટેમ્બરના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો અને 11 સપ્ટેમ્બર સુધી બિડિંગ કરવામાં આવ્યું હતું. IPO લોન્ચ થતાંની સાથે જ રોકાણકારોએ સારો પ્રતિસાદ આપ્યો હતો. IPO ને QIB કેટેગરીમાં રેકોર્ડ 222.05 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે.
બજાજના IPOએ ઘણા રેકોર્ડ બનાવ્યા
બજાજ હાઉસિંગ ફાઇનાન્સ IPOને ત્રણ દિવસમાં 89 લાખથી વધુ અરજીઓ મળી છે. કોઈપણ ભારતીય IPO માટે અરજીઓની આ સૌથી મોટી સંખ્યા છે. આશરે રૂપિયા 6,500 કરોડના આ IPO માટે રોકાણકારોએ રૂપિયા . 3.23 લાખ કરોડની બિડ લગાવી હતી. ટાટા ટેક્નોલોજીના તાજેતરના રૂપિયા 3 હજાર કરોડના IPOને રૂપિયા 1.5 લાખ કરોડથી વધુની બિડ મળી હતી. સૌથી વધુ બોલી લગાવવાનો રેકોર્ડ કોલ ઈન્ડિયાના નામે હતો. જે IPO 2010માં આવ્યો હતો, તેને રૂપિયા 15,500 કરોડને બદલે રૂપિયા 2.36 લાખ કરોડની બિડ મળી હતી.