ટોપ ન્યૂઝશેર બજાર

MSCI Rejig : શેરબજારમાં આજે જોવા મળશે તેજી, થઇ રહ્યો ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સમાં મોટો બદલાવ

મુંબઇ: ભારતીય શેરબજારમાં આજે તેજી જોવા મળી શકે છે. કારણ કે આજથી મોર્ગન સ્ટેનલીના ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સમાં (MSCI Rejig)ફેરફાર થઈ રહ્યા છે. આ ફેરફારને લીધે અનેક ભારતીય કંપનીના શેરોને ફાયદો થશે. જેમાં મુખ્યત્વે એચડીએફસી બેંક, ડિક્સન ટેક્નોલોજીસ, વોડાફોન આઈડિયા, એરટેલ જેવા શેરોને ફાયદો થશે. આ ફેરફાર સાથે ભારતીય બજારમાં 5 અબજ ડોલરથી વધુનો પ્રવાહ મળવાની ધારણા છે.

આ શેરોને ઈન્ડેક્સમાં સ્થાન મળશે

MSCIમાં ઓગસ્ટ મહિનામાં યોજાનારી સમીક્ષાની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. આ ફેરફારમાં ઇન્ડેક્સમાં 7 શેરનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે જ્યારે એક શેરનું વેઇટેજ વધારવામાં આવી રહ્યું છે. જે શેરોને ઇન્ડેક્સમાં સ્થાન મળવા જઈ રહ્યું છે તેમાં ડિક્સન ટેક્નોલોજીસ, વોડાફોન આઈડિયા, ઝાયડસ લાઈફસાયન્સ, ભારતી એરટેલ, ઓઈલ ઈન્ડિયાનો સમાવેશ થાય છે. જ્યારે સૌથી મોટી ભારતીય બેંક HDFCબેંકનું વેઇટેજ વધારવામાં આવી રહ્યું છે.

આ રીતે અબજો ડોલરનો પ્રવાહ આવશે

HDFC બેન્કનું વેઇટેજ વધતા તેને 1.5 અબજ ડોલરનો ઇનફ્લો મેળવી શકે છે. ડિક્સન ટેક્નોલોજીસ અને વોડાફોન આઈડિયા પ્રત્યેકને 250 મિલિયન ડોલરથી વધુનો ઇનફ્લો મળવાનીઅપેક્ષા છે. ઝાયડસ લાઈફસાયન્સ, ભારતી એરટેલ અને ઓઈલ ઈન્ડિયાને દરેકને 200 મિલિયન ડોલરથી વધુ ઇનફ્લો મળી શકે છે.

મોર્ગન સ્ટેન્લીનો ઇન્ડેક્સ બજાર માટે મહત્વનો

મોર્ગન સ્ટેનલી કેપિટલ ઇન્ટરનેશનલ વિશ્વભરના નાણાકીય બજારો માટે ઘણા ઇન્ડેક્સ બહાર પાડે છે. તેમાં ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સ પણ અગ્રણી છે. આ ઇન્ડેક્સના આધારે વિશ્વના ટોચના ફંડ હાઉસ તેમની સંપત્તિની ફાળવણી કરે છે. જે શેરો ઇન્ડેક્સમાં સમાવિષ્ટ છે તેમને વધેલા ઈનફ્લોનો લાભ મળે છે જ્યારે ઈન્ડેક્સની બહારના શેરોને ઈન્ફ્લોનું નુકસાન થાય છે.

ભારતના સ્મોલ-કેપ ઇન્ડેક્સમાં ફેરફાર

MSCI એ તેના ઈન્ડિયા સ્મોલ-કેપ ઈન્ડેક્સને પણ અપડેટ કર્યો છે. આ ઇન્ડેક્સમાં 27 નવા શેરનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં બંધન બેંક, ગો ડિજીટ જનરલ ઈન્સ્યોરન્સ, પ્રોટીઅસ ઈ-ગવર્નન્સ ટેક્નોલોજીસ, પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ અને આદિત્ય વિઝનના નામ સામેલ છે. જ્યારે ડિક્સન ટેક્નોલોજીસ, કોચીન શિપયાર્ડ, IREDA, HUDCO, નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ અને જયપ્રકાશ એસોસિએટ્સ જેવા શેરોને ઇન્ડેક્સમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button