એલ્સિડ ઇન્વેસ્ટમેન્ટ્સને પછાડીને સૌથી મોંઘો સ્ટોક બન્યો એમઆરએફ, મજબૂત વળતર આપ્યું…

મુંબઈ : ભારતીય શેરબજારમાં હાલ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, આ દરમિયાન પણ એક શેરની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં આજે ટ્રેડીંગ સેશન દરમિયાન એમઆરએફ કંપનીના શેરના ભાવમાં વધારો થતા તે શેરબજારનો સૌથી મોંઘો શેર બની ગયો છે. જેમાં એમઆરએફનો શેર 1,44,945 રૂપિયા પર ખુલ્યો અને ટ્રેડિંગ દરમિયાન 1,50,995 રૂપિયા પર પહોંચી ગયો. જે શેરની સર્વકાલીન ઉચ્ચતમ સ્તરની ખૂબ નજીક છે.
એમઆરએફ નો સર્વકાલીન ઉચ્ચતમ ભાવ ફેબ્રુઆરી 2024માં 1,51,283.40 રૂપિયા હતો. ફરી એકવાર એમઆરએફનો શેર એલ્સિડ ઇન્વેસ્ટમેન્ટ્સને પાછળ છોડીને દેશનો સૌથી મોંઘો શેર બની ગયો છે. એમઆરએફના શેરે છેલ્લા ત્રણ મહિનામાં મજબૂત વળતર આપ્યું છે.
આ વર્ષે 4 માર્ચે શેર લગભગ 1 લાખ રૂપિયા સુધી ઘટી ગયો. જ્યાંથી છેલ્લા ત્રણ મહિનામાં એકતરફી તેજી જોવા મળી છે. એટલે કે ફક્ત ત્રણ મહિનામાં એમઆરએફના શેરે લગભગ 50 ટકા વળતર આપ્યું છે. જોકે, છેલ્લા એક વર્ષમાં શેરે 14 ટકા વળતર આપ્યું છે. 5 વર્ષમાં વળતરનો આંકડો 132 ટકા સુધી વધી ગયો છે.
એમઆરએફ કંપનીએ અનેક પડકારોનો સામનો કર્યો છે. જેમાં કંપની પેસેન્જર કાર, ટુ-વ્હીલર, ટ્રક અને ભારતીય વાયુસેનાના સુખોઈ-30 MKI વિમાન માટે ટાયર બનાવે છે. આ ઉપરાંત, રમકડાં અને પેઇન્ટ પણ ફનસ્કૂલ બ્રાન્ડ હેઠળ તેનો ભાગ છે. નાણાકીય વર્ષ 2025 માં, કંપનીની આવક 28,153 કરોડ રૂપિયા હતી અને ચોખ્ખો નફો 1,869 કરોડ રૂપિયા હતો, જે તેની મજબૂત નાણાકીય સ્થિતિ દર્શાવે છે.
વર્ષ 1995 માં શેરની કિંમત રૂપિયા 1100
કંપનીના ઇતિહાસ પર નજર કરીએ તો, વર્ષ 1995 માં એમઆરએફના એક શેરની કિંમત લગભગ રૂપિયા 1100 હતી. છેલ્લા ૩૦ વર્ષમાં આ શેરે રોકાણકારોને 18.5 ટકા ના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) સાથે સારું વળતર આપ્યું છે. વર્ષ 2005 સુધીમાં શેરની કિંમત વધીને રૂપિયા 3500 થઈ ગઈ હતી. આ સમયગાળા દરમિયાન, કંપનીએ ઉત્પાદન ક્ષમતામાં વધારો કર્યો અને નિકાસ બજારમાં પ્રવેશ કર્યો જેના કારણે આવકમાં સતત વૃદ્ધિ થઈ.
વર્ષ 2015 સુધીમાં શેરની કિંમત રૂપિયા 40,000
વર્ષ 2005 થી 2015 સુધી એમઆરએફ ને વૈશ્વિક અને સ્થાનિક માંગનો ફાયદો થયો. કંપનીએ ટ્રક, બસ અને ઓફ-રોડ ટાયર સેગમેન્ટમાં વિસ્તરણ કર્યું. વર્ષ 2015 સુધીમાં શેરની કિંમત રૂપિયા 40,000 ના આંકને પાર કરી ગઈ છે. જે 27. 8 ટકા ના CAGR દર્શાવે છે. આ સમયગાળા દરમિયાન કંપનીએ ફનસ્કૂલ (રમકડાં) અને પેઇન્ટ જેવા વ્યવસાયોમાં વૈવિધ્યીકરણ કર્યું અને ભારતીય વાયુસેના માટે ખાસ ટાયરનું ઉત્પાદન કર્યું.