સરકાર ગૃહનિર્માણ ક્ષેત્રે વ્યાજદર ઘટાડવા સમીક્ષા કરશે
મુંબઈ: સરકાર રિઅલ એસ્ટેટ ક્ષેત્રે રોકાણ વધારવા માટે તેમ જ નવી ગૃહનિર્માણ નીતિના સૌ માટે ઘરના મિશનને પાર પાડવા માટે બનતા તમામ પ્રયાસો હાથ ધરશે એવી ખાતરી આપવા સાથે નાયબ મુખ્ય પ્રધાન ફડણવીસે કહ્યું હતું કે, રાજ્ય સરકાર મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા હપ્તાઓ અને પ્રીમિયમની ચુકવણી પર વસૂલવામાં આવતા ૧૮ ટકા ચક્રવૃદ્ધિ વ્યાજને ઘટાડવાની માગ પર ધ્યાન આપશે અને તેને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના દરની સમકક્ષ લાવશે.
નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા આયોજિત સભાને સંબોધિત કરતા નારેડકો, મહારાષ્ટ્રના પ્રમુખ સંદીપ રૂનવાલ દ્વારા કરવામાં આવેલી અપીલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે સરકાર ટૂંક સમયમાં આ બાબતની સમીક્ષા કરશે અને મ્હાડાને દરખાસ્ત સબમિટ કરવા કહેશે જેથી ચૂકવણી પરના ચક્રવૃદ્ધિ વ્યાજના વર્તમાન ૧૮ ટકા દરને બીએમસી દ્વારા વસૂલવામાં આવતા દરોના સ્તરે લાવવામાં આવશે. ઓથોરિટી દ્વારા આટલું ઊંચા વ્યાજની વસૂલાત સંદર્ભે આશ્ર્ચર્ય વ્યક્ત કરતા તેમણે કહ્યું હતું કે, આટલું વ્યાજ વસૂલવું બિલકુલ યોગ્ય નથી, તે બૅન્કના વ્યાજના સ્તરો સાથે સમાન હોવું જોઈએ. બંને સંસ્થાઓમાં સમાન નિયમો હોવા જોઈએ.