બજાર રીંછડાની ભીંસમાં: વિશ્ર્વબજારની નબળાઇ પાછળ શૅરબજારમાં મોટા કડાકા: નિફ્ટી ૨૪,૯૦૦ની નીચે પટકાયો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વૈશ્ર્વિક ઇક્વિટી બજારમાં અમેરિકાની મંદીની ચિંતા વચ્ચે વેચવાલી અને ધોવાણનો માહોલ જામતા સ્થાનિક સ્તરે પણ સપ્તાહના અંતિમ સત્રમાં બેન્ચમાર્કમાં મોટા કડાકા નોંધાયા હતા. સતત ત્રીજા સત્રમાં ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી શુક્રવારે એકાદ ટકા જેટલા તૂટ્યા હતા. રોકાણકારો નિર્ણાયક યુએસ જોબ્સ રિપોર્ટની જાહેરાત અગાઉ ચિંતિત રહ્યા હતા. આ ડેટા પર ફેડરલ રિઝર્વના વ્યાજ દરમાં ઘટાડાનું કદ અને ઝડપ નક્કી થઇ શકે છે.
એકંદરે તમામ સેક્ટરમાં વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ ૮૧,૨૦૦ની નીચે સરકી ગયો હતો. જ્યારે નિફ્ટી ફિફ્ટી બેન્ચમાર્ક ૨૪,૯૦૦ની નીચે પટકાયો હતો. બીએસઇ પર લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. ૫.૪૯ લાખ કરોડ ઘટીને રૂ. ૪૬૦.૩૫ લાખ કરોડ થયું છે. સત્રને અંતે, સેન્સેક્સ ૧,૦૧૭.૨૩ પોઈન્ટ અથવા ૧.૨૪ ટકા ઘટીને ૮૧,૧૮૩.૯૩ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો, સત્ર દરમિયાન બેન્ચમાર્ક ૧,૨૧૯.૨૩ પોઇન્ટ અથવા તો ૧.૪૮ ટકાના કડાકા સાથે ૮૦,૯૮૧.૯૩ પોઇન્ટની સપાટીને અથડાયો હતો. જ્યારે નિફ્ટી ૨૯૨.૯૫ પોઈન્ટ અથવા ૧.૧૭ ટકા ઘટીને ૨૪,૮૫૨.૧૫ પોઇન્ટના સ્તરે સ્થિર થયો હતો. સપ્તાહ માટે, સેન્સેક્સ અને નિફ્ટી બેન્ચમાર્કમાં પ્રત્યેકમાં ૧.૫ ટકાનો કડાકો નોંધાયો છે. સ્ટેટ બેન્ક ચાર ટકાના કડાકા સાથે ટોપ લુઝર્સ બન્યો હતો. આ ઉપરાંત સૌથી વધુ ઘટનારા શેરોમાં એનટીપીસી, આઇસીઆઇસીઆઇ બેન્ક, એચસીએલ ટેકનોલોજી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એક્સિસ બેન્ક અને આઇટીસીનો સમાવેશ હતો. જ્યારે બજાજ ફાઇનાન્સ, એશિયન પેઇન્ટસ, જેએસડબલ્યુ સ્ટીલ અને મારુતિ ટોપ ગેઇનર રહ્યાં હતાં. સેક્ટર મુજબ, નિફ્ટી પીએસયુ બેંક અને ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સમાં બે ટકાથી વધુનો ઘટાડો થયો છે, જ્યારે ઓટો, બેંક, મીડિયા, મેટલ અને ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરમાં એક ટકાથી વધુનો ઘટાડો થયો છે. સ્થાનિક રીતે કેન્દ્રિત સ્મોલ-કેપ્સ ૦.૯ ટકા ઘટ્યા છે અને મિડ-કેપ્સમાં ૧.૩ ટકાનો ઘટાડો છે.
કોર્પોરેટ હલચલ ચાલુ રહી છે. રિલાયન્સના ડિરેકટર્સ બોર્ડે ૧:૧ ના પ્રમાણમાં બોનસ શેર માટે મંજૂરી આપી દીધી છે. રેમન્ડ લાઇફ સ્ટાઇલનો શેર એનએસઇ પર રૂ. ૩૦૨૦ના ભાવે લિસ્ટેડ થયો હતો. પીએન ગાડગીલ જ્વેલર્સ રૂ. ૧,૧૦૦ કરોડના બુક બિલ્ટ ઈશ્યુ સાથે ૧૦મી સપ્ટેમ્બરે મૂડીબજારમાં પ્રવેશ કરશે. ટોલિન્સ ટાયર્સ લિમિટેડ નવમી સપ્ટેમ્બરે કુલ રૂ. ૨૩૦ કરોડના જાહેર ભરણાં સાથે મૂડીબજારમાં પ્રવેશ કરી રહી છે.
પ્રાઇમરી સેગમેન્ટમાં બાઝાર સ્ટાઇલનો શેર તેના રૂ. ૩૮૯ના ઇશ્યૂ ભાવ સામે એ જ ભાવે લિસ્ટેડ થયો હતો અને ત્યારબાદ ૭.૧૮ ટકાના ઉછાળા સાથે રૂ. ૪૧૯.૯૫ની સપાટીએ પહોંચ્યો હતો. ઇન્વેસ્મેન્ટ રિકવરી, સંપત્તિ સુરક્ષા અને દાવા માટેના ભંડોળના ઉકેલ માટે વન-સ્ટોપ સોલ્યુશન પ્રોવાઇડર શેર સમાધાન લિમિટેડ જાહેર ભરણાં સાથે નવમી સપ્ટેમ્બરે મૂડીબજારમાં પ્રવેશ કરી રહી છે અને પ્રાઇસ બેન્ડ રૂ. ૭૦થી રૂ. ૭૪ પ્રતિ ઇક્વિટી શેર નક્કી થઇ છે જ્યારે લોટ સાઈઝ ૧,૬૦૦ ઈક્વિટી શેરની છે, આ કંપની ભારતમાં અનક્લેઈમ્ડ ઈન્વેસ્ટમેન્ટ રિટ્રીવલ એડવાઈઝરી માટેના સૌથી મોટા પ્લેટફોર્મ પૂરું પાડે છે.
બજારના સાધનો અનુસાર યુએસ નોનફાર્મ પેરોલ્સ રિપોર્ટની જાહેરાત પહેલા રોકાણકારો વધુને વધુ નર્વસ બન્યા હોવાથી ભારતીય ઇક્વિટી બજારોમાં ઘટાડો થયો હતો. સપ્ટેમ્બરમાં સંભવિત રેટ કટ માટે ભૂમિકા બાંધતા, ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલે તાજેતરમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે નીતિ ઘડવૈયા શ્રમ બજારમાં વધુ નબળાઇને આવકારતા નથી. બજારના નિષ્ણાત અભ્યાસુઓ કહે છે કે, જો મોડેથી જાહેર થનારા ઓગસ્ટના રોજગાર ડેટા, બજારના અપેક્ષાઓ સામે નબળા રહે અને બેરોજગારી અનુમાન કરતાં વધુ વધે, તો ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ૫૦ બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કરી શકે છે. જો કે, ઇક્વિટી બજાર દ્વારા આને આવકાય૪ પરિસ્થિતિ ના ગણી શકાય કારણ કે આવા ડેટા વિકાસની ગંભીર ચિંતાઓ સાથે અમેરિકાના અર્થતંત્ર માટે ભારે સ્લો ડાઉનના સંકેત આપે છે, જે વેચટવાલીનું દબામ વધારી શકે છે.
આ ઉપરાંત લોન અને ડિપોઝીટ ગ્રોથ ડેટાની જાહેરાત અગાઉ બેંક શેરોમાં વધેલા વેચવાલીના દબાણ અને ધોવાણ સાથે, આ જ કારણસર ઇન્ડેક્સ હેવીવેઇટ નાણાકીય શેરોમાં ઘટાડો થયો હોવાથી પણ સ્થાનિક બજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું. આ જ કારણે મિડકેપ ઇન્ડેક્સ ૧.૪ ટકા ઘટ્યો હતો, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ તાજી રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યા પછી એક ટકા ઘટ્યો હતો.
વિશ્ર્વબજારના નકારાત્મક સંકેત ઉપરાંત સ્થાનિક બજારને તાત્કાલિક અસરકર્તા કારણમાં વિેદેશી ફંડોના ડિસ્કલોઝર્સ નોર્મ્સ માટેની ડેડલાઇનને કારણે બજારમાં પેનિક હતું, પરંતુ બજારના નિષ્ણાતો અનુસાર સેબીના ઉક્ત ધારાધોરણને કારણે એફઆઇઆઇ માટે ભારતમાં લાંબાગાળાના રોકાણના આકર્ષણમાં કોઇ ઘટાડો થવાની સંભાવના નથી.
બીએસઈ સેન્સેક્સ ગત ગુરુવારના ૮૨,૨૦૧.૧૬ના બંધ સામે શુક્રવારે ૧૦૧૭.૨૩ પોઈન્ટ્સ (૧.૨૪ ટકા) ઘટ્યો હતો. માર્કેટ કેપ રૂ.૫.૩૨ લાખ કરોડ ઘટીને રૂ.૪૬૦.૩૬ લાખ કરોડ રહ્યું હતું. સેન્સેક્સ ૮૨,૧૭૧.૦૮ ખૂલીને ઊંચામાં ૮૨,૨૫૪.૭૯ સુધી અને નીચામાં ૮૦,૯૮૧.૯૩ સુધી જઈને અંતે ૮૧,૧૮૩.૯૩ પોઈન્ટ્સ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સની ૪ સ્ક્રિપ્સ વધી હતી અને ૨૬ સ્ક્રિપ્સ ઘટી હતી. એક્સચેન્જમાં ૪,૦૩૪ સ્ક્રિપ્સમાં કામકાજ થયું હતું, જેમાં ૧,૪૦૩ સ્ટોક્સ વધ્યા હતા, ૨,૫૪૪ સ્ટોક્સ ઘટ્યા હતા, જ્યારે ૮૭ સ્ટોક્સ સ્થિર રહ્યા હતા. ૨૮૯ સ્ટોક્સ બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે ૩૬ સ્ટોક બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ મિડકેપ ૧.૪૧ ટકા અને બીએસઈ સ્મોલકેપ ૦.૯૬ ટકા ઘટ્યો હતો. સ્ટ્રટેજી ઈન્ડાયસીસમાં બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ ૦.૪૮ ટકા અને બીએસઈ એસએમઈ આઈપીઓ ૨.૧૩ ટકા ઘટ્યો હતો. બધા સેકટરલ ઈન્ડાયસીસ ઘટ્યા હતા, જેમાં મુખ્યત્વે ટેલિકોમ ૩.૨૩ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૨.૧૯ ટકા, એનર્જી ૨.૦૯ ટકા, બેન્કેક્સ ૧.૯૩ ટકા, કેપિટલ ગુડ્સ ૧.૭ ટકા, સર્વિસીસ ૧.૫૮ ટકા, ફાઈનાન્સિયલ સર્વિસીસ ૧.૪૭ ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ૧.૪૧ ટકા, પાવર ૧.૩૭ ટકા, ઓટો ૧.૩ ટકા, યુટિલિટીઝ ૧.૨૯ ટકા, ટેક ૧.૨૨ ટકા અને આઈટી ૧.૦૫ ટકા ઘટ્યા હતા.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં માત્ર એસિયન પેઈન્ટ્સ ૧.૧૩ ટકા, બજાજ ફાઈનાન્સ ૧.૦૩ ટકા, જેએસડબલ્યુ સ્ટીલ ૦.૭૯ ટકા અને હિંદુસ્તાન યુનિલિવર ૦.૦૮ ટકા વધ્યા હતા, જ્યારે મુખ્યત્વે સ્ટેટ બેન્ક ૪.૪૦ ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક ૨.૦૯ ટકા, એનટીપીસી ૨.૦૮ ટકા, એચસીએલ ટેકનોલોજી ૧.૯૫ ટકા, રિલાયન્સ ૧.૯૨ ટકા, તાતા મોટર્સ ૧.૮૭ ટકા, આઈટીસી ૧.૮૬ ટકા, એક્સિસ બેન્ક ૧.૮૩ ટકા, અદાણી પોર્ટ્સ ૧.૬૦ ટકા, ઈન્ફોસિસ ૧.૫૯ ટકા, લાર્સન ૧.૩૬ ટકા અને મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૧.૨૧ ટકા ઘટ્યા હતા.
બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ગુરુવારે ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. ૬૯૪.૯૭ કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં કુલ ૪,૯૫૭ સોદામાં ૮,૫૧૯ કોન્ટ્રેક્ટ્સનું કામકાજ થયું હતું. ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઈક્વિટી ફ્યુચર્સ મળીને કુલ ૭૩,૮૦,૮૬૯ કોન્ટ્રેક્ટના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા. કુલ નોશનલ ટર્નઓવર રૂ. ૫,૧૬,૭૪,૯૨૩.૭૪ કરોડનું રહ્યું હતું. એફઆઈઆઈની રૂ.૬૮૮.૬૯ કરોડની ચોખ્ખી વેચવાલી અને સ્થાનિક સંસ્થાઓની રૂ.૨,૯૭૦.૭૪ કરોડની ચોખ્ખી લેવાલી રહી હતી.