રેપો રેટ યથાવત્ રહેતા બજાર અથડાઇ ગયું, અત્યંત મામૂલી સુધારા સાથે બેન્ચમાર્કે નવી ઓલટાઇમ હાઇ સપાટી હાંસલ કરી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારના નેગેટીવ ટ્રેન્ડ સાથે સ્થાનિક સ્તરે રિઝર્વ બેન્કે મુખ્ય વ્યાજદર યથાવત્ રાખવાના જાહેર કરેલા નિર્ણયને પગલે નિરસ હવામાનમાં બજાર અથડાઇ ગયું હતું, જોકે, મામૂલી સુધારાને પગલે બંને બેન્ચમાર્ક નવી ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઇ)ની મોનેટરી પોલિસી કમિટીએ ચાવીરૂપ દરો યથાવત રાખવાનો નિર્ણય અપેક્ષિત જ હોવા છતાં પાંચમી એપ્રિલે સેન્સેક્સ અને નિફ્ટી અસ્થિર સત્રમાં અટાવાઇ ગયા હતા, પરંતુ મિડકેપ ઈન્ડેક્સ સતત દસમા દિવસે પોઝિટીવ ઝોનમાં આગળ વધ્યો હતો.
સત્રને અંતે સેન્સેક્સ માત્ર ૨૦.૫૯ પોઇન્ટ અથવા ૦.૦૩ ટકા વધીને ૭૪,૨૪૮.૨૨ પોઇન્ટની સપાટી પર સ્થિર થયો હતો. સત્ર દરમિયાન સેન્સેક્સ ૭૪,૩૬૧.૧૧ પોઇન્ટની ઊંચી અને ૭૩,૯૪૬.૯૨ પોઇન્ટની નીચી સપાટી વચ્ચે અથડાયો હતો. જ્યારે નિફ્ટી ૦.૯૫ પોઇન્ટના નગણ્ય સુધારા સાથે ૨૨,૫૧૩.૭૦ની સપાટી પર સ્થિર થયોે હતો. નિફ્ટીના ૫૦માંથી ૨૮ શેર નેગેટીવ જોનમાં ગબડ્યા હતા. બજારો નીચા મથાળે ખુલ્યા હતા અને સમગ્ર સત્ર દરમિયાન રેન્જબાઉન્ડ ટ્રેડ થયા હતા, પરંતુ બેન્કિંગ શેર્સમાં મજબૂત રિકવરીએ બેન્ચમાર્કને ટેકો આપ્યો હતો, જેનાથી નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ ૦.૯ ટકાના ઊંચા સ્તરે બંધ થયો હતો. સેન્સેક્સ પર, કોટક બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્ક અને સ્ટેટ બૅન્ક સિવાય એચડીએફસી બૅન્ક સ્પષ્ટ ટેકો આપનાર શેર રહ્યાં હતાં. બજાજ ફાઇનાન્સ તેના ચોથા ક્વાર્ટરના બિઝનેસ અપડેટ પછી સેન્સેક્સના મુખ્ય ઘટનારા શેરોમાં સામેલ થયો હતો.
આરબીઆઇ એમપીસીએ સતત સાતમી વખત વ્યાજ દરો પર યથાવત સ્થિતિ જાળવી રાખી છે અને નાણાકીય વર્ષ ૨૦૨૫ ની પ્રથમ બેઠકમાં ‘વિડ્રોઅલ ઓફ એકોમોડેશન’ પર નાણાકીય વલણ જાળવી રાખ્યું છે. કોટક મહિન્દ્રા, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ, એચડીએફસી બૅન્ક, બજાજ ફિનસર્વ અને આઈટીસી નિફ્ટીમાં ટોપ ગેનર્સમાં હતા, જ્યારે અલ્ટ્રાટેક સિમેન્ટ, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, બજાજ ઓટો, બજાજ ફાઈનાન્સ અને એલએન્ડટી ટોપ લુઝસ શેરોમી યાદીમાં હતા.
બેંકિંગ સિવાય, એફએમસીજી અને રિયલ્ટી ઇન્ડેક્સ ૦.૫-૧.૫ ટકા વધ્યા હતા, જ્યારે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને મીડિયા ૦.૪ ટકા ઘટ્યા હતા. વ્યક્તિગત શેરોમાં, ટાટા કેમિકલ્સ, મહાનગર ગેસ અને ગુજરાત ગેસના વોલ્યુમમાં ૪૦૦ ટકાથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો. એસબીઆઇ કાર્ડ્સ, ઈન્દ્રપ્રસ્થ ગેસ, આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીમાં લોંગ બિલ્ડ-અપ જોવા મળ્યો હતો, જ્યારે બિરલાસોફ્ટ, ટ્રેન્ટ અને ડ્લેમિયા ભારતમાં શોર્ટ બિલ્ડ-અપ જોવા મળ્યો હતો.
એબીબી ઈન્ડિયા, અપાર ઈન્ડસ્ટ્રીઝ, કેનરા બૅન્ક, ફોર્સ મોટર્સ, ગ્લેનમાર્ક ફાર્મા, હિન્દુસ્તાન કોપર, ઈન્દ્રપ્રસ્થ ગેસ, ઈન્ડસ ટાવર્સ, ઈપ્કા લેબ્સ, જિંદાલ સ્ટીલ, એમએન્ડએમ, મહિન્દ્રા લાઈફ, એનસીસી સહિત બીએસઇ પર ૨૦૦થી વધુ શેરો તેમની બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.
આ યાદીના અન્ય શેરોમાં ઓબેરોય રિયલ્ટી, પીબી ફિનટેક, સન ફાર્મા, સન ફાર્મા એડવાન્સ્ડ, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, વેદાંત, વોલ્ટાસનો પણ સમાવેશ હતો.
અગ્રણી બજાર વિશ્ર્લેષકે કહ્યું હતું કે ઇન્ડેક્સ સમગ્ર સત્ર દરમિયાન સાઇડલાઇન મુવમેન્ટમાં રહ્યો છે, જે બજારના વલણમાં વિરામ દર્શાવે છે. દિશાત્મક બ્રેકઆઉટ અથવા પેટર્નની રચનાના અભાવને કારણે બેન્ચમાર્કની આગામી ચાલ આવી જ રહી શકે છે. નિફ્ટી માટે ૨૨,૬૫૦ પોઇન્ટની સપાટી નિર્ણાયક પ્રતિકાર સ્તર સાબિત થઈ શકે છે. જ્યાં સુધી ઇન્ડેક્સ ૨૨,૬૫૦ની નીચે રહે ત્યાં સુધી નવી તેજીની અપેક્ષા નથી. જ્યારે ડાઉન સાઇડમાં ૨૨,૩૦૦ ટેકાની સ્પષ્ટ સપાટી છે, જો સપાટી ભંગ થશે તો ઇન્ડેક્સ ૨૨૦૦૦-૨૧૯૦૦ રેન્જ સુધી નીચે ગબડી શકે છે.
એક અન્ય એનાલિસ્ટે કહ્યું હતું કે, નિફ્ટી નબળી નોંધ પર ખુલ્યો હતો અને દિવસ દરમિયાન કોન્સોલિડેટ થયો હતો. દૈનિક ચાર્ટ પર દેખાય છે કે નિફ્ટીએ પાછલા ટ્રેડિંગ સેશનની રેન્જમાં કોન્સોલિડેટ અને ટ્રેડિંગ કર્યું હતું. નિફ્ટી તીવ્ર ઉછાળા પછી કોન્સોલિડેટ થતો જણાય છે જે એક સ્વસ્થ સંકેત છે. જો લેવાલીનો ટેકો મળશે તો બેન્ચમાર્ક ૨૨,૭૦૦ના સ્તર સુધી આગળ વધી શકે છે. ડાઉનસાઇડ પર નિર્ણાયક સપોર્ટ ૨૨૪૦૦ – ૨૨૩૫૦ના લેવલ પર દેખાઇ રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં આઉટપરફોર્મન્સ દેખાઇ રહ્યુંં છે અને જે ચાલુ રહેવાની ધારણા છે. ઉપરની બાજુએ તાત્કાલિક અવરોધ ૪૮૬૩૬ના સ્તર પર મૂકવામાં આવ્યો છે અને તેનાથી ઉપરની રેલી ૪૯,૩૦૦ સુધી ચાલુ રહેવાની શક્યતા છે. જ્યારે ૪૭,૭૦૦ – ૪૭,૫૦૦નો ઝોન ટૂંકા ગાળાના પરિપ્રેક્ષ્યમાં નિર્ણાયક સપોર્ટ ઝોન તરીકે કામ કરશે. ડાઉનસાઇડ પર ૪૮,૦૦૦ ટૂંકા ગાળાના પરિપ્રેક્ષ્યમાં નિર્ણાયક ટેકો છે.
નોંધવું રહ્યું કે પાછલા સત્રમાં દેશનો સર્વિસ પીએમઆઇ લગભગ ૧૪ વર્ષની ઊંચી સપાટીએ પહોંચતા સુધરેલા સેન્ટિમેન્ટ વચ્ચે એચડીએફસી, ટીસીએસ સહિતના આઇટી શેરોની આગેવાનીએ મળેલા લેવાલીના ટેકાએ સેન્સેક્સ અને નિફ્ટીને નવી વિક્રમી સપાટીએ પહોંચાડ્યા હતા. માર્ચમાં વેચાણ અને બિઝનેસ એક્ટિવિટીમાં વધારો થવાને કારણે દેશના સેવા ક્ષેત્રની કામગીરીમાં મજબૂત ઉછાળો જોવા મળ્યો છે. એચએસબીસી ઇન્ડિયા સર્વિસિસ બિઝનેસ એક્ટિવિટી ઇન્ડેક્સ ફેબ્રુઆરીમાં ૬૦.૬ના સ્તરે હતો તે માર્ચમાં ૬૧.૨ની સપાટીએ પહોંચ્યો છે. સેન્સેક્સ ૩૫૦.૮૧ પોઈન્ટ અથવા ૦.૪૭ ટકા વધીને ગુરુવારે ૭૪,૨૨૭.૬૩ પોઇન્ટની જીવનકાળની સર્વોચ્ચ સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે એનએસઇનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી પણ ૮૦ પોઈન્ટ અથવા ૦.૩૬ ટકા વધીને ૨૨,૫૧૪.૬૫ પોઇન્ટની નવી વિક્રમી ટોચે પહોંચ્યો હતો.
બજારના સાધનોએ જણાવ્યું હતું કે, સેન્ટિમેન્ટના સુધારા માટે અન્ય કારણો પણ મોજૂદ છે, જેમાં વ્યાપક બજારે ચોથા ત્રિમાસિકના મજબૂત પરિણામોની અપેક્ષા વચ્ચે બેંક જેવા પસંદગીના ક્ષેત્રોમાં સારી લેવાલી જોવા મળી છે અને એ જ સાથે કમ્પોઝિટ પીએમઆઇ ડેટા પર આધારિત નિકાસના આંકડા બિઝનેસની મજબૂત પરિસ્થિતિ દર્શાવે છે.
દરમિયાન, આંતરરાષ્ટ્રીય ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૧૧ ટકા વધીને ૯૦.૭૫ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. એક્સચેન્જ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) એ ગુરૂવારે રૂ. ૧૧૩૬.૪૭ કરોડના મૂલ્યની ઇક્વિટી ઓફલોડ કરી હતી.