ચૂંટણી પરિણામ અગાઉ બજારમાં અસ્થિરતા: નિફ્ટી ૨૨,૯૦૦ પોઇન્ટની નીચે સરક્યો, સેન્સેક્સમાં ૨૨૦ પોઇન્ટનું ગાબડું
ફાર્મા શેરોમાં સુધારો, એનર્જી, કેપિટલ ગુડ્સ, ટેલિકોમ, પીએસયુ બેન્ક, પાવર અને રિયલ્ટી શેરોમાં ધોવાણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: સેન્સેક્સ અને નિફ્ટી મંગળવારે અત્યંત અસ્થિરતામાંથી પસાર થયા બાદ નીચા સ્તરે બંધ રહ્યા હતા, લોકસભાની ચૂંટણીના પરિણામોની અનિશ્ર્ચિતતા વચ્ચે રોકાણકારોએ નફો ગાંઠે બાંધવાનું પસંદ કર્યું હોવાથી સતત ત્રીજા દિવસે મંદીનો દોર લંબાયો હતો. પાછલા સત્રમાં વિક્રમી ઊંચાઈએ પહોંચ્યા પછી ભારતીય બેન્ચમાર્ક ઇન્ડેક્સ ૨૮ મેના રોજ કોન્સોલિડેશન મોડમાં રહ્યાં હતાં. બજારના સાધનો માને છે કે ચૂંટણી પરિણામ અગાઉ બજારમાં નર્વસ ટોન આકાર લઇ રહ્યો છે. દિવસ દરમિયાન પોઝિટિવ અને નેગેટીવ ઝોન વચ્ચે રઝળપાટ બાદ, ૩૦ શેરો ધરાવતો બીએસઇ સેન્સેક્સ આખરે ૨૨૦.૦૫ પોઈન્ટ અથવા ૦.૨૯ ટકા ઘટીને ૭૫,૧૭૦.૪૫ પોઇન્ટના સ્તર પર બંધ થયો હતો. દિવસ દરમિયાન, તે ૭૫,૫૮૫.૪૦ પોઇન્ટની ઊંચી સપાટી અને ૭૫,૦૮૩.૨૨ પોઇન્ટની નીચી સપાટીએ અથડાયોે હતો.
દિવસની શરૂઆત સકારાત્મક નોંધ પર હોવા છતાં એનએસઇનો બેન્ચમાર્ક નિફ્ટી ૪૪.૩૦ પોઈન્ટ અથવા ૦.૧૯ ટકા ઘટીને ૨૨,૮૮૮.૧૫ પોઇન્ટની સપાટી પર સેટલ થયો હતો. સેક્ટોરલ મોરચે, ઓઇલ એન્ડ ગેસ, કેપિટલ ગુડ્સ, ટેલિકોમ, પીએસયુ બેન્ક, પાવર અને રિયલ્ટી ૧-૨ ટકા ઘટ્યા હતા. જોકે, ફાર્મા ઈન્ડેક્સ ૦.૫ ટકા વધ્યો હતો. આ સત્રમાં પણ સકારાત્મક શરૂઆત પછી બજાર અફડાતફડીમાં અટવાઇ ગયું હતું અને કામકાજના છેલ્લા કલાકમાં વેચવાલીનું જોર વધી જતાં નેગેટીવ ઝોનમં સરકી ગયું હતું. આ વખતે પણ નિફ્ટીએ બેરિશ કેન્ડલની રચના કરી હોવાથી ટૂંકા ગાળામાં નેગેટીવ ટ્રેન્ડ દેખાઇ રહ્યો છે.
નિફ્ટીમાં સૌથી વધુ ઘટનારા શેરોમાં અદાણી પોર્ટ્સ, પાવર ગ્રીડ કોર્પ, કોલ ઈન્ડિયા, અદાણી એન્ટરપ્રાઈઝ અને બીપીસીએલનો સમાવેશ હતો, જ્યારે ડિવિસ લેબોરેટરીઝ, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ, એચડીએફસી લાઈફ, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ અને હીરો મોટોકોર્પ ટોપ ગેઇનર્સ શેરોની યાદીમાં સમાવિષ્ટ હતા. સેક્ટોરલ મોરચે, ઓઇલ એન્ડ ગેસ, કેપિટલ ગુડ્સ, ટેલિકોમ, પીએસયુ બેન્ક, પાવર અને રિયલ્ટી ૧-૨ ટકા ઘટ્યા હતા. જોકે, ફાર્મા ઈન્ડેક્સ ૦.૫ ટકા વધ્યો હતો. બીએસઇ મિડકેપ ઈન્ડેક્સ ૦.૫ ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ એક ટકા તૂટ્યો હતો.
વ્યક્તિગત શેરોમાં, નાલ્કો, ઈન્ડિયા સિમેન્ટ્સ અને બંધન બેન્કમાં ૧,૧૦૦ ટકાથી વધુનો વોલ્યુમ ઉછાળો જોવા મળ્યો હતો. અજૂની બાયોટેક લિમિટેડ (એબીએલ)એ ૨૦૨૪ના સ્ટેન્ડઅલોન પરિણામમાં ૧૦.૦૬ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૮૨.૩ કરોડની કુલ આવક અને ૯૩.૭૫ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૨.૧૭ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. એબિટા ૪૪.૭૭ ટકાના વધારા સાથે રૂ. ૪.૪૩ કરોડ રહ્યો હતો. એબિટા માર્જિન ૫.૩૮ ટકા, જ્યારે નેટ પ્રોફિટ માર્જિન ૨.૬૪ ટકા રહ્યું હતું. ગ્લેનમાર્ક ફાર્મા, ડિવિસ લેબોરેટરીઝ અને સન ટીવી નેટવર્કમાં લાંબો બિલ્ડ-અપ જોવા મળ્યો હતો, જ્યારે ઇન્ફો એજ, સેઇલ અને બેન્ક ઓફ બરોડામાં ટૂંકો બિલ્ડ-અપ જોવા મળ્યો હતો. કોર્પોરેટ હલચલમાં બ્લુ ઓશન કોર્પોેરેશનની ફ્લેગશિપ ઇવેન્ટ, ઇન્ટરનેશનલ પ્રોક્યોર્મેન્ટ એન્ડ સપ્લાઇ ચેઇન કોન્ફરન્સ મુંબઇમાં પહેલી જૂનથી શરૂ થશે. અફડાતફડી અને મંદીના માહોલમાં પણ ડીવીસ લેબ્સ, હીરો મોટોકોર્પ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, ગ્લેનમાર્ક ફાર્મા, મુથૂટ ફાઈનાન્સ, ઓબેરોય રિયલ્ટી, પાવર ફાઈનાન્સ, અશોક લેલેન્ડ, શેફલર ઈન્ડિયા, આદિત્ય બિરલા ફેશન, ભારત ફોર્જ સહિત ૧૫૦થી વધુ શેરો બીએસઈ પર તેમની બાવન સપ્તાહની ટોચને સ્પર્શ્યા હતા.
માર્ચ ક્વાર્ટરની કમાણીની સિઝન તેના અંતિમ સપ્તાહમાં પ્રવેશી રહી છે અને આ સમયગાળામાં ૨,૧૦૦થી વધુ કંપનીઓ તેમના પરિણામો જાહેર કરશે. આ કંપનીઓમાં ટાટા સ્ટીલ, ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન, એસ્ટ્રાઝેનેકા ફાર્મા, નેટકો ફાર્મા, નેશનલ એલ્યુમિનિયમ કંપની, એનએમડીસી, આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ, અમરા રાજા એનર્જી એન્ડ મોબિલિટી, એસ્ટર ડીએમ હેલ્થકેરનો સમાવેશ છે. આ ઉપરાંત એન્જિનિયર્સ ઈન્ડિયા, એક્ઝિકોમ ટેલિ-સિસ્ટમ્સ અને જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, વોકહાર્ટ, આધાર હાઉસિંગ ફાઇનાન્સ, અલ્કેમ લેબોરેટરીઝ, બાટા ઇન્ડિયા, કમિન્સ ઇન્ડિયા, ઇમામી, ઇપ્કા લેબોરેટરીઝ, મઝાગોન ડોક શિપબિલ્ડર્સ, સંવર્ધન મધરસન ઇન્ટરનેશનલ, એપોલો હોસ્પિટલ એન્ટરપ્રાઇઝ અને ભારત ડાયનેમિક્સ પણ આગામી સમયમાં તેમની કમાણી કરશે. સપ્તાહ છઠ્ઠા તબક્કાના અંત સાથે, બજારનું ધ્યાન પહેલી જૂન, ૨૦૨૪ના રોજ ચૂંટણીના છેલ્લા અને સાતમા તબક્કા પર રહેશે, ત્યારબાદ તે જ સાંજે એક્ઝિટ પોલના પરિણામો આવશે. એક્ઝિટ પોલ, ઘણી એજન્સીઓ (સમાચાર એજન્સીઓ સહિત) દ્વારા હાથ ધરવામાં આવે છે, એ મતદારોના મતદાન મથકોમાંથી બહાર નીકળ્યા પછી તરત જ લેવામાં આવેલા ઓપિનિયન પોલ છે, અને તેઓ ઘણીવાર વાસ્તવિક પરિણામો (૪ જૂનના રોજ નિયત) પહેલાં ચૂંટણીના સંભવિત પરિણામો સૂચવે છે.
આ સપ્તાહે રોકાણકારોની નજર એક્ઝિટ પોલ, ઓટો ડેટા અને અમેરિકા તથા ભારતના જીડીપી ડેટા પર રહેશે. પહેલી જૂનના રોજ, ઉત્તર પ્રદેશ, પશ્ર્ચિમ બંગાળ, પંજાબ અને બિહાર સહિત આઠ રાજ્યોની ૫૭ બેઠકો પર મતદાન થશે. છઠ્ઠા તબક્કાનું મતદાન વર્તમાન ચૂંટણીમાં અત્યાર સુધીનું સૌથી ઓછું ૫૯.૪૬ ટકા રહ્યું હતું. પહેલા તબક્કામાં ૬૬.૧૦ ટકા, બીજા તબક્કામાં ૬૬.૭ ટકા, ત્રીજા તબક્કામાં ૬૫.૭ ટકા, ચોથા તબક્કામાં ૬૯.૨ ટકા અને પાંચમા તબક્કામાં ૬૨.૨ ટકા રહ્યું હતું.