બજાર નવા શિખરે પહોંચી લપસ્યું: નિફ્ટી પહેલી વાર ૨૩,૦૦૦ની સપાટીને સ્પર્શ્યો, પણ પાર કરવામાં નિષ્ફળ રહ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા માર્કેટમાં સતત બીજા દિવસે રેકોર્ડબ્રેક રેલી જોવા મળી હતી. સામાન્ય ચૂંટણીના પરિણામો ચોથી જૂને જાહેર કરવામાં આવશે. શેરબજારમાં પ્રારંભમાં તેજીની આગેકૂચ જોવા મળી હતી અને બંને બેન્ચમાર્કે સાધારાણ સુધારો હોવા છતાં સ્વાભાવિક રીતે પહેલેથી જ ઊંચી સપાટીએ હોવાથી નવાં શિખરો સર કર્યા હતા.
નિફ્ટીએ ઇતિહાસમાં પહેલી વખત ઇન્ટ્રા-ડે ટે્રેડમાં ૨૩,૦૦૦ પોઇન્ટની સપાટીને સ્પર્શ કર્યો હતો. જોકે, વિશ્ર્વબજારના સંકેત નબળા હોવા સાથે સ્થાનિક સ્તરે જોરદાર ઉછાળા પછી પ્રોફિટ બુકિંગ શરૂ થતાં નિફ્ટી ૨૩,૦૦૦ની ઉપર ટકી શક્યો નહોતો અને બજાર લપસી ગયું હતું. અંતે શુક્રવારે ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી નજીવા નીચા બંધ રહ્યા હતા.
બીએસઈનો ત્રીસ શેરવાળો સેન્સેક્સ ૭.૬૫ પોઈન્ટ અથવા ૦.૦૧ ટકા ઘટીને ૭૫,૪૧૦.૩૯ પોઇન્ટના સ્તર પર સેટલ થયો હતો. દિવસ દરમિયાન, તે ૨૧૮.૪૬ પોઈન્ટ અથવા ૦.૨૮ ટકા વધીને ૭૫,૬૩૬.૫૦ પોઇન્ટની તેની સર્વકાલીન ઈન્ટ્રા-ડે હાઈ સપાટી સુધી આગળ વધ્યો હતો.
નિફ્ટી દિવસ દરમિયાન ૫૮.૭૫ પોઈન્ટ અથવા ૦.૨૫ ટકા વધીને ૨૩,૦૨૬.૪૦ પોઇન્ટના ઐતિહાસિક સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો. જોકે, સત્રને અંતે તે તમામ સુધારો ગુમાવીને ૧૦.૫૫ પોઈન્ટ અથવા ૦.૦૫ ટકાના નજીવા ઘટાડા સાથે ૨૨,૯૫૭.૧૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. એફએમસીજી, આઇટી અને હેલ્થકેર શેરોમાં સારુ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું, સેન્સેક્સ કંપનીઓમાંથી, ટેક મહિન્દ્રા, એશિયન પેઇન્ટ્સ, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાઇટન, જેએસડબ્લ્યુ સ્ટીલ અને આઇટીસી ટોપ લુઝર્સ રહ્યાં હતાં, જ્યારે એચડીએફસી બેન્ક, ભારતી એરટેલ, લાર્સન એન્ડ ટુબ્રો, એનટીપીસી, એક્સિસ બેન્ક અને અલ્ટ્રાટેક સિમેન્ટ ટોપ ગેર્ન્સ હતા.
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ એકધારી ઇક્વિટી ઓફલોડીંગના અનેક દિવસો પછી ગુરૂવારે નેટ બાયર્સ બન્યા હતા. એક્સચેન્જ ડેટા અનુસાર ગુરૂવારે વિદેશી ફંડોએે રૂ. ૪,૬૭૦.૯૫ કરોડની ઇક્વિટી ખરીદી હતી. વર્લ્ડ હેલ્થકેર સર્વિસ પ્રોવાઇડર કંપની યુનિહેલ્થ ક્ધસલ્ટન્સી લિમિટેડે નાણાકીય વર્ષ ૨૦૨૪ના ઓડિટેડ પરિણામોમાં ૯.૯૩ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૫૦.૩૫ કરોડની કુલ આવક, ૨૧.૭૯ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૧૯.૧૬ કરોડનું એબિટા અને ૩૫.૬૪ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૧૦.૩૬ કરોડનો ચોખ્ખો નપો નોંધાવ્યો છે.
કંપનીએ પેટાકંપની યુએમસી હોસ્પિટલ્સ પ્રાઇવેટ લિમિટેડના ઇન્કોર્પોરેશનની પણ જાહેરાત કરી છે. રિન્યુએબલ એનર્જી સોલ્યુશન પ્રોવાઇડર સુઝલોન એનર્જીએમાર્ચ ક્વાર્ટરના પરિણામમાં ૨૧ ટકાના ઘટાડા સાથે રૂ. ૨૫૪ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે વર્ષ અગાઉ રૂ. ૩૨૦ કરોડ હતો. ઉપરોક્ત સમયગાળામાં કુલ આવક રૂ. ૧૬૯૯.૯૬ કરોડ સામે વધીને રૂ. ૨૨૦૭.૪૩ કરોડ રહી છે. વાર્ષિક ધોરણે પણ ચોખ્ખો નફો રૂ. ૨૮૮૭ કરોડ સામે ઘટીને રૂ. ૬૬૦ કરોડ રહી છે.
વીએફએક્સની સ્પેશિયલાઇઝ્ડ કંપની ડીજીકોરસ્ટુડિયો લિમિટેડે નાણાકીય વર્ષ ૨૦૨૪ના કોન્સોલિડેટેડ પરિણામમાં વાર્ષિક તુલનાએ ૩૩.૮૩ ટકાની વૃદ્ધિ સાથે રૂ.૪૯.૪૨ કરોડની કુલ આવક અને ૧૪૪.૯૦ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૯.૫૩ કરોડનો ચોખ્કો નફો નોંધાવ્યો છે. એબિટા ૧૧૮.૧૫ ટકાના વધારા સાથે રૂ. ૨૫.૨૮ કરોડ અને એબિટા માર્જિન ૩૨.૩૬ ટકા જ્યારે નેટ પ્રોફિટ માર્જિન ૨૦.૧૯ ટકા નોંધાયું છે. અમેરિકાની એફઓએમસીની મિનિટસમાં પોલિીસ રેટ અંગે સતત હોકિશ વલણ રહ્યું હોવાથી વૈશ્ર્વિક બજારનું સેન્ટિમેન્ટ ખરડાયેલું રહ્યું હતું.
યુએસ બેરોજગારીના દાવામાં અપેક્ષા કરતા વધુ ઘટાડો જોવા મળ્યો છે, કોર્પોરેટ નફો મજબૂત રહ્યો હતા, પરંતુ ફુગાવો યથાવત અકકડ રહ્યો હોવાથી ફેડરલને દર ઘટાડવાનું કોઈ કારણ નથી. દરમિયાન, સ્થાનિક બજાર નવી ઊંચાઈએ પહોંચી રહ્યું છે, જેમાં લાર્જ કેપ્સ શેરો પણ વ્યાપક બજારની તેજીમાં સહભાગી થઇ રહ્યાં છે. આ હલચલ ટૂંકા ગાળામાં સતત ગતિનો સંકેત આપે છે.
એશિયન બજારોમાં સિઓલ, ટોકિયો, શાંઘાઈ અને હોંગકોંગ નીચામાં સ્થિર થયા હતા. યુરોપિયન બજારો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા. ગુરૂવારે વોલ સ્ટ્રીટના શેરબજાર નકારાત્મક ક્ષેત્રમાં બંધ થયા હતા. વૈશ્ર્વિક ક્રૂડ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૭૩ ટકા ઘટીને ૮૦.૭૭ ડોલર પ્રતિ બેરલ થયું છે. લોકસભાની ગુરૂવારે બેન્ચમાર્ક સ્ટોક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી ૧.૬ ટકાથી વધુ વધીને ઓલટાઇમ હાઇ સપાટીએ બંધ થયા હતા.