શૅરબજારમાં એકધારી આગેકૂચને પ્રતાપે માર્કેટ કેપિટલ ₹ ૩૨૦.૯૪ લાખ કરોડના નવા શિખરે પહોંચ્યું
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજારમાં એકધારી આગેકૂચને પ્રતાપે માર્કેટ કેપિટલ રૂ. ૩૨૦.૯૪ લાખ કરોડના નવા શિખરે પહોંચ્યું છે. સ્થાનિક ઈક્વિટીમાં ચાલી રહેલી તેજીથી શેરોના ભાવમાં પણ સતત વધી રહેલા ભાવને કારણે બીએસઇમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન શુક્રવારે રૂ. ૩૨૦.૯૪ લાખ કરોડના નવા રેકોર્ડ સ્તર પર પહોંચી ગયું છે.
ચોમાસામાં વરસાદની ખાધ, વિશ્ર્વબજારના નબળા સંકેત અને વિદેશી ફંડોની વેચવાલી છતાં એચડીએફસી બેન્ક, લાર્સન એન્ડ ટુબ્રો તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આગેવાનીએ શરૂ થયેલી લેવાલીના ટેકાએ બેન્ચમાર્કે સતત છઠા દિવસે આગેકૂચ ચાલી રાખી હતી. બજાર બે મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યુ છે, જ્યારે સેન્સેક્સે ૩૩૩ પોઇન્ટનો ઉછાળો નોંધાવ્યો છે. વિશ્ર્વબજારની મંદીની ચિંતા ખંખેરીને નિફ્ટી ૧૯,૮૦૦ની ઉપર સ્થિર થયો છે. સપ્તાહના અંતિમ સત્ર સુધીમાં બીએસઇ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. ૩,૨૦,૯૪,૨૦૨.૧૨ કરોડની નવી સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. એ નોંધવું રહ્યું કે, પહેલી ઓગસ્ટથી બેન્ચમાર્ક ઈન્ડેક્સ ૧,૭૬૭.૫ પોઈન્ટ અથવા ૨.૭૨ ટકા વધ્યો છે. એશિયન બજારોમાં, સિઓલ, ટોક્યો, શાંઘાઈ અને હોંગકોંગ નકારાત્મક ક્ષેત્રમાં સમાપ્ત થયા. યુરોપિયન બજારો નીચામાં ટ્રેડ થઈ રહ્યા હતા. ગુરૂવારે અમેરિકી બજારોનો અંત મિશ્રિત નોંધ પર રહ્યો હતો.
એશિયન અને યુરોપીયન બજારોના નકારાત્મક વલણને અવગણીને બેન્ચમાર્કે આગેકૂચ ચાલુ રાખી હતી. વિશ્ર્લેષકો માને છે કે, વિશ્ર્વના મુખ્ય અર્થતંત્રોમાં આકર્ષક રોકાણ તકનો અભાવ હોવાને કારણે ભારતીય શેરબજાર તેના મજબૂત ફંડામેન્ટલ્સને આધારે રોકાણકારોને ભારત પર તેમની દાવ વધારવા માટે પ્રેરિત કરે છે. ટોચના સ્ટોક બ્રોકિંગ ફર્મના ટેકનિકલ રિસર્ચના વાઇસ પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે, રોકાણકારો એવી કંપનીઓના શેરોમાં એક્સપોઝર વધારી રહ્યા છે, જે અર્થતંત્રને આગળ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવે તેવી શક્યતા છે.
સેન્સેક્સ પેકમાંથી, એનટીપીસી, ટાટા મોટર્સ, લાર્સન એન્ડ ટુબ્રો, બજાજ ફિનસર્વ, ભારતી એરટેલ, એચડીએફસી બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાઇટન, પાવર ગ્રીડ અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો અને તે ટોપ ગેઇનર્સ બન્યા હતા. જ્યારે આઇટીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, વિપ્રો, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ અને જેએસડબલ્યુ સ્ટીલના શેરમાં વેચવાલી અને પીછેહઠ રહેતા તે ટોપ લુઝર બન્યા હતાં.
મૂડીજારમાં હલચલ ચાલુ રહી છે. આરઆર કાબેલનું રૂ. ૧,૯૬૪ કરોડનું ભરણું ૧૩ સપ્ટેમ્બરે આવી રહ્યું છે. આ ઉપરાંત એસએમઇ આઇપીઓ પણ ખૂબ આવી રહ્યાં છે અને અત્યારે મેઇન બોર્ડ અને એસએમઇ આઇપીઓને સારો પ્રતિસાદ મળવા સાથે તેમનું લિસ્ટિંગ પણ જોરદાર પ્રીમિયમ સાથે થઇ રહેલું જોવા મળી રહ્યું છે. વિસ્તરણ યોજના અંતર્ગત વામન હરી પેઠે જ્વેલર્સ ગુજરાત સહિતના રાજ્યોમાં આગમી ત્રણ વર્ષમાં દસ નવા આઉટલેટ શરૂ કરશે, એવી માહિતી ડબલ્યુએચપીના પાર્ટનર આશિષ પેઠેએ બોરિવલી શોરૂમના ૨૦ વર્ષની ઉજવણીરૂપે ૨૪મી સપ્ટેમ્બર સુધી યોજાયેલા નેકલેસ મહોત્સવ અંગે વાત કરતા આપી હતી. કંપની મહારાષ્ટ્ર અને ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યમાં પણ વિસ્તરણ કરી રહી છે. પ્રભુદાસ લીલાધર ગ્રૂપની ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપની પીએમએસે ક્વોન્ટા-મેન્ટલ ઇક્વિટી પીએમએસ એક્વા યોજના લોન્ચ કરી છે, જે ફંડામેન્ટલના સિદ્ધાંતો સાથે ક્વોન્ટિટેટિવ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. એક્વા પીએલ પીએમએસની બીજું ક્વાન્ટ-આધારિત પ્રોડક્ટ છે, જેનો હેતુ રોકાણકારોને સ્ટાઇલ, સેક્ટર, સાઇઝ અને બેંચમાર્ક એગ્નોસ્ટિક, ફ્લેક્સી-કેપ, ઇક્વિટી પોર્ટફોલિયો પૂરો પાડવાનો છે. બજારના પીઢ નિરિક્ષકે જણાવ્યું હતું કે, નબળા વૈશ્ર્વિક સંકેતો છતાં બજારોએ સતત છઠ્ઠા સત્રમાં તેજીની ચાલ બતાવી હતી, કારણ કે રોકાણકારો ભારતની મજબૂત વૃદ્ધિની સંભાવનાઓ અંગે આશાવાદી રહ્યા છે.