પ્રારંભિક લાભ ગુમાવી સેન્સેકસે ૭૪,૦૦૦ની સપાટી તોડી, નિફ્ટી ૨૨,૫૦૦ની નીચે સરક્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિશ્ર્વબજારના મિશ્ર ટ્રેન્ડ વચ્ચે સપ્તાહના અંતિમ સત્રમાં બેન્કિંગ, ફાઇનાન્શિયલ અને ક્ધઝ્યુમર ડ્યુરેબલ શેરોમાં પ્રોફિટ બુકિંગ શરૂ થતાં પ્રારંભિક લાભ ગુમાવી સેન્સેકસ ૭૪,૦૦૦ની સપાટીની નીચે ગબડ્યો હતો, જ્યારે નિફ્ટી ૨૨,૫૦૦ની નીચે ગબડ્યો હતો.
ઈંચા ગેપ સાથે ખૂલ્યા બાદ સત્રને અંતે સેન્સેક્સ ૬૦૯.૨૮ પોઈન્ટ અથવા ૦.૮૨ ટકા ઘટીને ૭૩,૭૩૦.૧૬ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો અને નિફ્ટી ૧૫૦.૪૦ પોઈન્ટ અથવા ૦.૬૭ ટકા ઘટીને ૨૨,૪૧૯.૯૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. સપ્તાહ દરમિયાન સેન્સેક્સ ૦.૯૦ ટકા અને નિફ્ટી૫૦ ૧.૨૦ ટકા વધ્યો છે.
મિશ્ર વૈશ્ર્વિક સંકેતો હોવા છતાં બજારની શરૂઆત સકારાત્મક ટોન સાથે થઈ હતી, પરંતુ શરૂઆતના કલાકોમાં પ્રોફિટ બુકિંગ સાથે તમામ સુધારો ધોવાઇ ગયો હતો અને દિવસના બાકીના સમયમાં નકારાત્મક ટ્રેન્ડ રહ્યો હતો. નિફ્ટી પર બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, નેસ્લે ઈન્ડિયા, ઈન્ડસઈન્ડ બેંક, એમએન્ડએમ અને ટેક મહિન્દ્રા, ડિવિસ લેબ્સ, એલટીઆઈમિન્ડટ્રી, બજાજ ઓટો અને બીપીસીએલ લાભાર્થીઓ હતા.
કંપનીના પરિણામ બજારની અપેક્ષા સામે નબળા રહ્યાં હોવાની ચર્ચા વચ્ચે બજાજ ફાઇનાન્સ આઠ ટકાના કડાકા સાથે સેન્સેક્સનો ટોપ લૂઝર શેર બન્યો હતો. બજાજ ફિનસર્વના શેરમાં પણ ત્રણ ટકાનો કડાકો હતો. અન્ય ઘટવનારા મુખ્ય શેરોમાં ઇન્ડસઇન્ડ બેન્ક, નેસ્લે, કોટક મહિન્દ્રા બેન્ક અને મહિન્દ્ર એન્ડ મહિન્દ્રનો સમાવેશ હતો. ટેક મહિન્દ્રા સાત ટકાના ઉછાળા સાથે સેન્સેકસનો ટોપ ગેઇનર શેર બન્યો હતો. અન્ય વધનારા ટોચના મુખ્ય શેરોમાં વિપ્રો, આઇટીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાઇટન અને એક્સિસ બેન્કનો સમાવેશ હતો.
ઓટો, બેંક અને કેપિટલ ગુડ્સ સિવાયના ક્ષેત્રોમાં, તેલ અને ગેસ, હેલ્થકેર, રિયલ્ટી અને મીડિયા ૦.૩-એક ટકા ટકાના વધારા સાથે અને અન્ય તમામ ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં બંધ થયા હતા. મિડકેપ ઈન્ડેક્સમાં ૦.૮૦ ટકાનો અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૩૦ ટકાનો સુધારો જોવા મળ્યો હતો.
વ્યક્તિગત શેરોમાં, એલએન્ડટી ટેક્નોલોજી સર્વિસિસ, આદિત્ય બિરલા ફેશન અને સેઇલમાં ૧૦૦ ટકાથી વધુ વોલ્યુમ ઉછાળો જોવા મળ્યો હતો. ટેક મહિન્દ્રા, જીએમઆર એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ક્ધટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં લાંબો બિલ્ડ-અપ જોવા મળ્યો હતો, જ્યારે એલ એન્ડ ટી ટેક્નોલોજી સર્વિસિસ, બજાજ ફાઈનાન્સ અને બજાજ ફિનસર્વમાં શોર્ટ બિલ્ડ-અપ જોવા મળ્યો હતો.
પ્રાઇમરી માર્કેટમાં ચાલુ રહેલી હલચલમાં સ્ટેનલેસ સ્ટીલ ઉત્પાદનોની વ્યાપક શ્રેણીના વેપાર અને માર્કેટિંગમાં અગ્રણી કંપનીઓમાંની એક સાઈ સ્વામી મેટલ્સ એન્ડ એલોય લિમિટેડનો આઇપીઓ ૩૦ એપ્રિલે આવી
રહ્યો છે.
ઈશ્યુનું કદ રૂ. ૧૫ કરોડનું છે અને ઈશ્યુ કિંમત ઈક્વિટી શેર દીઠ રૂ. ૬૦ નક્કી થઇ છે. ઈસ્યુ ત્રીજી મેના રોજ બંધ થશે. લોટ સાઈઝ ૨,૦૦૦ ઈક્વિટી શેરની છે. શેર બીએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર લિસ્ટ થવાના છે. ભંડોળનો ઉપયોગ વર્કિંગ કેપિટલ, સબસિડિયરી કંપનીઓમાં રોકાણ, મશીનરી ખરીદવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.
બીએસઇ પર ૨૫૦થી વધુ શેરોએ તેમની બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જેમાં એજીસ લોજિસ્ટિક્સ, ભેલ, બાયોકોન, સીજી પાવર, ચંબલ ફર્ટરલાઈઝર્સ, કોલગેટ પામોલિવ, ક્ધટેનર કોર્પોરેશન, દીપક નાઈટ્રાઈટ, ડિક્સન ટેક્નોલોજી, આઈશર મોટર્સ, હેવેલ્સ ઈન્ડિયા, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, હુડકો, જેએસડબલ્યુ સ્ટીલ, કિર્લોસ્કર ઓઈલ, એમએમ ફોર્જિંગ્સ, સંવર્ધન મધરસન ઈન્ટરનેશનલ, મોતીલાલ ઓસવાલ, મુથૂટ ફાઈનાન્સ, એનએમડીસી, પુર્વંક્ારા, સેઇલ, એસબીઆઇ, ટાટા સ્ટીલ, વેદાંત, સહિતના શેરોનો સમવેશ હતો.
બજારના નિષ્ણતે જણાવ્યું હતું કે, નિફ્ટી સમગ્ર સત્ર દરમિયાન વેચવાલીનું દબાણ હેઠળ રહ્યો હતો અને ઇન્ડેક્સ ૨૨૫૦૦ પોઇન્ટના નિર્ણાયક સ્તરની ઉપર ટકી શક્યો નથી. દૈનિક ચાર્ટ પર, બ્લેક ક્લાઊડ કવર પેટર્ન જોવા મળે છે, જે સંભવિત મંદીનું રિવર્સલ સૂચવે છે. તાત્કાલિક સપોર્ટ ૨૨૩૦૦ પોઇન્ટની સપાટી પર સ્થિત છે, જેની નીચે નિફ્ટી તેની ખોટ ૨૨૦૦૦ના સ્તર સુધી લંબાવી શકે છે. બીજી તરફ, ૨૨૫૦૦નું સ્તર નિફ્ટી માટે ટેકનિકલ પ્રતિકાર તરીકે કામ કરી શકે છે.
પાંચ સત્રની એકધારી આગેકૂચ બાદ પ્રોફિટ બુકિંગ અને કરેકશન અનિવાર્ય અને તાર્કિક રહ્યું હતું પરંતુ, ખાસ કરીને અમેરિકાના ડેટાને કારણે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડો થવાની આશા પર પાણી ફરી વળ્યાં હોવાથી વૈશ્ર્વિક ઇક્વિટી બજારોનું સેન્ટિમેન્ટ ખરડાઇ
ગયું છે.
અમેરિકાનો વિકાસદર બે વર્ષના સૌથી ધીમા વૃદ્ધિ દર સાથે લગભગ અડધો થઇ ગયા હોવાના અહેવાલે રોકાણકારોના માનસને ખરડી નાંખ્યું હતું. એ જ સાથે બેન્ક ઓફ જાપાને વ્યાજદરમાં અપેક્ષિત ફેરફાર ના કર્યા હોવાથી ડોલર સામે યેન ૩૪ વર્ષની નીચી સપાટીએ ગબડી ગયો હતો.
સેન્સેક્સમાં ટેક મહિન્દ્રા ૭.૩૪ ટકા, વિપ્રો ૦.૭૯ ટકા, આઈટીસી ૦.૫૬ ટકા, ટાઈટન ૦.૩૩ ટકા અને એક્સિસ બેન્ક ૦.૨૪ ટકા વધ્યા હતા જ્યારે બજાજ ફાઈનાન્સ ૭.૭૩ ટકા, બજાજ ફિનસર્વ ૩.૫૫ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૩.૩૬ ટકા, નેસલે ઈન્ડિયા ૩.૦૮ ટકા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૪૫ ઘટ્યા હતા. કુલ બે કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી.