વોશિંગ્ટન : વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં(Billionaires List)મુકેશ અંબાણી એક સ્થાન સરકીને 12મા સ્થાને પહોંચી ગયા છે. હવે ટોપ-10 અબજોપતિઓમાં તેમની એન્ટ્રી થોડી મુશ્કેલ બની ગઈ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના નવા રેન્કિંગમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી હવે 112 અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે 12મા સ્થાને છે. તેમના સ્થાને અમાનસિઓ ઓર્ટેગા વિશ્વના અબજોપતિઓની યાદીમાં 11મા નંબર પર પહોંચી ગયા છે. તેમની સંપત્તિ 113 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. મંગળવારે મુકેશ અંબાણીની સંપત્તિમાં 335 મિલિયન ડોલરનો વધારો થયો હતો. જ્યારે અમાનસિઓની નેટવર્થ 1.24 બિલિયન ડોલર વધી હતી.આ જ તફાવતથી તેવો રેન્કમાં અંબાણીથી આગળ આવ્યા છે. બીજી તરફ ગૌતમ અદાણી ફરી એકવાર 15મા સ્થાને પહોંચી ગયા છે. આ પૂર્વે તે પણ એક સ્થાન સરકીને 16મા સ્થાને હતા.
એલોન મસ્ક અબજોપતિઓમાં નંબર 1
અબજોપતિઓની યાદીમાં ઈલોન મસ્ક 249 અબજ ડોલરની સંપત્તિ સાથે પ્રથમ સ્થાને છે. જો કે કમાણીના મામલામાં Meta CEO માર્ક ઝકરબર્ગ ટોપ પર છે. ઝકરબર્ગે આ વર્ષે ઈલોન મસ્ક કરતા ત્રણ ગણી કમાણી કરી છે. જ્યારે એલોન મસ્કે આ વર્ષે તેની નેટવર્થમાં 20 બિલિયન ડોલર ઉમેર્યા છે, જ્યારે ઝકરબર્ગે 62.4 બિલિયન ડોલર ઉમેર્યા છે. ઝકરબર્ગ 190 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની ઉપર જેફ બેઝોસ છે. જેમની નેટવર્થ 209 બિલિયન ડોલર છે.
જેન્સન હુઆંગ કમાણીના મામલે બીજા સ્થાને
આ વર્ષે એનવીડિયાના માલિક જેન્સન હુઆંગ કમાણીના મામલે બીજા સ્થાને છે. આ વર્ષે તેમની સંપત્તિમાં 57.4 બિલિયન ડોલરનો વધારો થયો છે. વિશ્વના 14મા અબજોપતિની કુલ સંપત્તિ 101 બિલિયન ડોલર છે. આ પછી, લેરી એલિસને 55.5 બિલિયન ડોલરની કમાણી કરી છે. તેમની કુલ સંપત્તિ 178 બિલિયન ડૉલર છે અને તેઓ વિશ્વના 5મા સૌથી અમીર વ્યક્તિ છે.