શેર બજાર

698 કરોડનો Laxmi Dental નો આઇપીઓ આવી ગયો, તમે રોકાણ કર્યું કે નહીં!

જાન્યુઆરીની શરૂઆતમાં જ ઘણી કંપનીઓના IPO રોકાણ માટે ખુલ્યા છે. હવે આજે એક નવો મેઇનબોર્ડ IPO આવી રહ્યો છે. ઓર્બીમેડ-સમર્થિત લક્ષ્મી ડેન્ટલનો IPO આજથી એટલે કે 13 જાન્યુઆરીથી રોકાણ માટે ખુલ્યો છે. કંપની આ ઇશ્યૂ દ્વારા રૂ. 698.06 કરોડ એકત્ર કરવાનો ઇરાદો ધરાવે છે. રોકાણકારોને આ પબ્લિક ઇશ્યૂમાં 15 જાન્યુઆરી સુધી રોકાણ કરવાની તક મળશે.

આ પણ વાંચો : ઓલા ઇલેક્ટ્રિકને સોશિયલ મિડીયાનો મોહ ભારે પડ્યો, સેબી એ આપી ચેતવણી

આ માટે, પ્રતિ શેર 407-428 રૂપિયાનો પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે. કંપનીએ IPO ખુલતા પહેલા એન્કર રોકાણકારો પાસેથી રૂ. 314 કરોડ એકત્ર કર્યા છે. આ IPO ને ગ્રે માર્કેટમાંથી પણ સકારાત્મક સંકેતો મળી રહ્યા છે. કંપનીના શેર BSE અને NSE પર લિસ્ટેડ થશે.

આજે આ પબ્લિક ઈસ્યુ અનલિસ્ટેડ માર્કેટમાં રૂ. 145ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. આ મુજબ કંપનીના શેર રૂ. 573ના ભાવે લિસ્ટ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો આવું થાય, તો રોકાણકારોને લિસ્ટિંગ પર લગભગ 34 ટકાનો મોટો નફો મળશે. જોકે, એ ધ્યાનમાં રાખવું જોઇએ કે ગ્રે માર્કેટમાં પરિસ્થિતિ સતત બદલાતી હોય છે.

લક્ષ્મી ડેન્ટલના IPO હેઠળ, 138 કરોડ રૂપિયાના 32.24 લાખ નવા ઇક્વિટી શેર જારી કરવામાં આવશે. આ ઉપરાંત, ઓફર ફોર સેલ દ્વારા 560.06 કરોડ રૂપિયાના 1.31 કરોડ શેર વેચવામાં આવશે. આ IPOમાં, રોકાણકારો ઓછામાં ઓછા 33 શેર અને ત્યારબાદ ગુણાંક માટે બોલી લગાવી શકે છે. છૂટક રોકાણકારોએ તેમાં ઓછામાં ઓછા 14,124 રૂપિયાનું રોકાણ કરવું પડશે. સબ્સ્ક્રિપ્શન પછી, સફળ રોકાણકારોને શેર ફાળવણી 16 જાન્યુઆરીના રોજ થવાની અપેક્ષા છે. લગભગ 20 જાન્યુઆરી શેરનું લિસ્ટિંગ થશે.

લક્ષ્મી ડેન્ટલ કંપની વિશેઃ-

લક્ષ્મી ડેન્ટલ લિમિટેડ તેના નામ મુજબ ડેન્ટલ કેર પ્રોડક્ટ્સ બનાવતી કંપની છે. કંપની મૌખિક સ્વચ્છતા અંગેની જાગૃતિ માટે અત્યાધુનિક ડેન્ટલ કેર પ્રોડક્ટ્સ બનાવે છે. તેની સ્થાપના જુલાઈ 2004 માં થઈ હતી. કેપની કસ્ટમ ક્રાઉન અને બ્રિજ, ક્લિયર એલાઈનર્સ, થર્મોફોર્મિંગ શીટ્સ અને પીડિયાટ્રિક ડેન્ટલ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે. આ ઉપરાંત કંપની કંપની ટેગલસ બ્રાન્ડ હેઠળ થર્મોફોર્મિંગ શીટ્સ, બાયોકોમ્પેટીબલ 3D પ્રિન્ટિંગ રેઝિન અને ક્લિયર એલાઈનર્સ બનાવવા માટે મશીનો પણ ઓફર કરે છે.

કંપની પાસે છ ઉત્પાદન સુવિધાઓ છે. આમાંથી ત્રણ મુંબઈના મીરા રોડમાં, બે બોઇસરમાં અને એક કોચી (કેરળ)માં છે. આ ઉપરાંત, મુંબઈ, દિલ્હી, બેંગલુરુ અને અમદાવાદમાં પાંચ સ્થળે સપોર્ટિંગ ફેસિલીટી છે. કંપનીને તેનો લગભગ 63 ટકા બિઝનેસ લેબ વર્કમાંથી મળે છે, જેમાં તે ભારત, યુએસ, યુકે અને યુરોપમાં ડેન્ટલ નેટવર્ક માટે ક્રાઉન, બ્રિજ અને પ્રોસ્થેસિસનું ઉત્પાદન કરે છે. તેમાંથી 39 ટકા વેચાણ આંતરરાષ્ટ્રીય બજારોમાં કરવામાં આવે છે. લક્ષ્મી ડેન્ટલનું મુખ્ય બજાર અમેરિકા છે.

તેની 19 ટકા આવક અમેરિકામાં વેચાણથી આવે છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં યુએસ હેલ્થકેર પર ખર્ચ કરનાર અગ્રણી દેશ છે. યુએસ તેના જીડીપીના 17 ટકા હેલ્થકેર પર ખર્ચ કરે છે. ત્યાં પુષ્કળ ડેન્ટ લેબ છે અને તેની સંખ્યા દિનપ્રતિદિન વધતી જઇ રહી છે. સ્પર્ધાત્મક માર્કેટમાં ટકી રહેવા માટે અમેરિકાની ડેન્ટલ લેબ ચીન, ભારત અને થાઈલેન્ડ જેવા દેશોની પ્રયોગશાળાઓમાં તેમના ડેન્ટલ પ્રોડક્ટ્સ ફેબ્રિકેશનનું આઉટસોર્સિંગ કરી રહી છે.

લક્ષ્મી ડેન્ટલ ફાઇનાન્સઃ-

નાણાકીય બાબતોની વાત કરીએ તો, કંપનીની સંપત્તિ નાણાકીય વર્ષ 2023 માં રૂ. 96.54 કરોડથી વધીને નાણાકીય વર્ષ 2024 માં રૂ. 134.52 કરોડ થઈ ગઈ. આ જ સમયગાળા દરમિયાન, કંપનીની આવક 163.84 કરોડ રૂપિયાથી વધીને 195.26 કરોડ રૂપિયા થઈ ગઈ. PAT વિશે વાત કરીએ તો, તે -4.16 થી વધીને રૂ. 25.23 કરોડ થઇ છે. જોકે, કંપનીનું દેવું પણ 31.44 કરોડ રૂપિયાથી વધીને 42.03 કરોડ રૂપિયા થયું છે.

આ પણ વાંચો : 2025માં શેરબજારમાં સંભાળજો નહીંતો…. લાખના બાર હજાર થઇ જશે

ભારતમાં ડેન્ટલ હેલ્થ કેર પર જાગૃતિ ઘણી ઓછી છે, પણ હવે વધતી જતી જાગરૂકતા સાથે ભારતીય ડેન્ટલ કન્ઝ્યુમેબલ માર્કેટ પણ વધી રહ્યું છે, જેને કારણે લક્ષ્મી ડેન્ટલને પણ નવો બિઝનેસ મળવાની શક્યતાઓ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button