શેર બજાર

એફએમસીજી શેરોમાં છેલ્લી ઘડીની લેવાલીએ બેન્ચમાર્કને નેગેટીવ ઝોનમાંથી બહાર ખેંચ્યો, સેન્સેક્સ ૮૦,૯૦૦ની ઉપર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ફેડરલના ચેરમેન પોવેલની સ્પીચ પહેલાના સાવચેતીના માનસ વચ્ચે પ્રારંભમાં ગબડ્યા બાદ, બુધવારના સત્રના અંતિમ તબક્કામાં નવેસરવી લેવાલીનો ટેકો મળવાથી બેન્ચમાર્કને નેગેટીવ ઝોનમાંથી બહાર આવવામાં મદદ મળી હતી. જેક્સન હોલ સિમ્પોસિયમમાં યુએસ પીએમઆઇ ડેટા અને યુએસ ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલના ભાષણ પહેલાં વિશ્ર્વભરના ઇક્વિટી રોકાણકારો સાવચેતીનું માનસ જામ્યુ છે. બજારો સપ્તાહના અંતિમ ભાગમાં યોજાનારા પોવેલના ભાષણમાંથી રેટ કટના સંકેતો શોધી રહ્યા છે.

રેન્જબાઉન્ડ સત્રમાંતી પસાર થયા બાદ સત્રને અંતે સેન્સેક્સ ૧૦૨.૪૪ પોઈન્ટ અથવા ૦.૧૩ ટકા વધીને ૮૦,૯૦૫.૩૦ પોઇન્ટના સ્તર પર અને નિફ્ટી સતત પાંચમા સત્રની આગેકૂચમાં ૭૧.૩૭ પોઈન્ટ અથવા ૦.૨૯ ટકા વધીને ૨૪,૭૭૦.૨૦ પોઇન્ટની સપાટી પર સ્થિર થયો હતો.

ટાઇટન, એશિયન પેઇન્ટ, આઇટીસી, હિંદુસ્તાન યુનિલીવર, નેસ્લે ઇન્ડિયા, બજાજ ફિનસર્વ અને ભારતી એરટેલ ટોપ ગેઇનર્સ હતા. જ્યારે અલ્ટ્રાટેક સિમેન્ટ, ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, પાવગ ગ્રીડ, એચડીએફસી બેન્ક, એચસીએલ ટેકનોલોજી, સ્ટેટ બેન્ક અને આઇસીઆઇસીઆઇ બેન્ક ટોપ લુઝરની યાદીમાં હતા.

ગ્લેક્સોસ્મિથક્લાઇન ફાર્માસ્યુટિકલ્સ, જુબિલન્ટ ફૂડવર્ક્સ, નિપ્પોન લાઇફ ઇન્ડિયા એસેટ મેનેજમેન્ટ, એચપીસીએલ, જિલેટ ઇન્ડિયા, ગ્લેનમાર્ક ફાર્મા, મુથૂટ ફાઇનાન્સ, વોલ્ટાસ, કોરોમંડલ ઇન્ટરનેશનલ, કોલગેટ પામોલિવ, સન ફાર્મા સહિત ૩૦૦થી વધુ શેર બીએસઇમાં બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.

પ્રમોટર પોતાનો બહુમતી હિસ્સો વેચી રહ્યાં હોવાની ચર્ચા વચ્ચે જીઇ ટીએન્ડડીના શેરમાં પાંચ ટકાની નીચલી સર્કિટ લાગી હતી. પાવર જનરેશનમાં ત્રણ દાયકાથી વધુ સક્રિય અગ્રણી એનર્જી સોલ્યુશન પ્રોવાઇડર ઝોડિયાક એનર્જી લિમિટેડે પ્રથમ ક્વાર્ટરના અનઓડિટેડ પરિણામમાં ૧૪૪.૫૬ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૭૯.૫૯ કરોડની કુલ આવક, ૭૬.૬૮ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૪.૪૪ કરોડનો એબિટા, ૧૮૪.૩૬ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૨.૩૩ કરોડનો ચોખ્ખો નફો
નોંધાવ્યો છે.

એનસીએલટીએ માઈનોરિટી શેરહોલ્ડર્સની પિટીશન રદ્દ કરતા આઇસીઆઇસીઆઇ સિક્યુરિટીઝના ડિલિસ્ટિંગને મંંજૂરી આપી દીધી છે. આયુષ વેલનેસ લિમિટેડની આવક જૂન ક્વાર્ટરમાં ૬,૩૦૦ ટકા વધીને રૂ. ૧૧.૧૦ કરોડ નોંધાઇ છે, જ્યારે વેચાણમાં વાર્ષિક ધોરણે ૬,૩૦૦ ટકાની વૃદ્ધિ હાંસલ કરી છે. કરવેરા પછીનો નફો ત્રિમાસિક ગાળામાં રૂ. ૨૫.૪૯ લાખ થયો છે.

ઇન્ડોકોમ રેમેડિઝને ઓપોઇડ ડિસક્ધટીન્યુએશન ટ્રીટમેન્ટ માટેની લોફેસ્કિડાઇન ટેબ્લેટ માટે યુએસએફડીએની મંજૂરી મળી છે. યુનિયન મ્યુચ્યુઅલ ફંડ ઓપન એન્ડેડ હાઇબ્રિડ સ્કીમ મ્ાલ્ટી એસેટ એલોકેશન ફંડ લાવી રહી છે અને તેનો એનએફઓ ત્રીજી સપ્ટેમ્બરે બંધ થશે. એલોટમેન્ટના પંદર દિવસની અંદર રિડમ્પ્શન માટે એક ટકા એક્સિટ લોડ લાગુ થશે, ત્યારબાદ એક્સિટ લોડ નથી. ફંડ ઇક્વિટી, ગોલ્ડ અને સિલ્વર, ડેટ સાધોન અને ઇન્વીટ તથા રેઇટમાં રોકાણ કરશે.

ડિવિઝ લેબ્સ, ટાઇટન કંપની, એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ, સિપ્લા અને ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝનો નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં સમાવેશ હતો, જ્યારે ટેક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા સ્ટીલ, પાવર ગ્રીડ કોર્પ અને એચડીએફસી બેન્ક ટોપ લુઝર્સની યાદીમાં હતા. સેક્ટોરલ મોરચે, રિયલ્ટી ઇન્ડેક્સ ૧.૩ ટકા, બેન્ક ઇન્ડેક્સ ૦.૨ ટકા, જ્યારે એફએમસીજી, ફાર્મા, મેટલ, ટેલિકોમ અને મીડિયા ૦.૫-૧ ટકા વધ્યા હતા. બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ ૦.૪ ટકા વધ્યો હતો જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ લગભગ એક ટકા
વધ્યો હતો.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ટાઈટન ઈન્ડસ્ટ્રીઝ ૨.૪૫ ટકા, એશિયન પેઈન્ટસ ૧.૬૦ ટકા, હિંદુસ્તાન યુનિલીવર ૧.૪૩ ટકા, નેસ્લે ૧.૩૦ ટકા, આઈટીસી ૧.૨૯ ટકા, બજાજ ફિનસર્વ ૧.૦૬ ટકા, ભારતી એરટેલ ૧.૦૨ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૦.૯૫ ટકા, અદાણી પોર્ટ્સ ૦.૭૧ ટકા, ટીસીએસ ૦.૬૪ ટકા અને એક્સિસ બેન્ક ૦.૬૨ ટકા વધ્યા હતા, જ્યારે અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૫૧ ટકા, ટેક મહિન્દ્ર ૧.૪૧ ટકા, તાતા સ્ટીલ ૧.૩૬ ટકા, પાવર ગ્રીડ ૧.૧૦ ટકા, એચસીએલ ટેકનોલોજી ૦.૫૫ ટકા, સ્ટેટ બેન્ક ૦.૫૧ ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૪૪ ટકા, તાતા મોટર્સ ૦.૧૫ ટકા અને મારુતિ ૦.૧૩ ટકા ઘટ્યા હતા.

બજારના સાધનો અનુસાર બજારમાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની મજબૂત ખરીદીના સમર્થન વચ્ચે ખાસ કરીને એફએમસીજી, ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ અને હેલ્થકેર શેરોમાં સુધારો થયો હતો. જોકે, યુ.એસ. ફેડની મિનિટસ જાહેર થાય તે પહેલા વૈશ્ર્વિક ઇક્વિટીમાં સાવચેતીભર્યા વલણ વચ્ચે તાજેતરના વિદેશી મૂડીના બાહ્યપ્રવાહને કારણે સ્થાનિક બજારોનો સુધારો મર્યાદિત બની રહ્યો છે.

અગ્રણી બ્રોકર ફર્મે જણાવ્યું હતું કે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોના મજબૂત પ્રવાહને કારણે બજારને આગળ વધવામાં સારો ટેકો મળી રહ્યો છે. જ્યારે એફએમસજી, ક્ધઝ્યુમર, કોમોડિટી અને ફાર્મા તરફના પોર્ટફોલિયોમાં સતત રોકાણ પ્રવાહિત થું હોવાથી ડિફેન્સિવ સેગમેન્ટની કામગરી ીસારી રહી છે. વૈશ્ર્વિક મોરચે હાલમાં, યુએસ ફુગાવામાં ઘટાડો અને એકંદર વૃદ્ધિમાં મધ્યસ્થતાને જોતાં, દરમાં કાપની અપેક્ષા ઊંચી રહી છે.

બુધવારે યુરોપિયન બજારોમાં તેજી જોવા મળી હતી. એશિયન બજારોમાં, ટોક્યિો, શાંઘાઈ અને હોંગકોંગ નેગેટિવ ઝોનમાં બંધ રહ્યા હતા જ્યારે સિઓલ બુધવારે ઊંચા મથાળે બંધ રહ્યું હતું. અમેરિકન શેરબજારો મંગળવારે ઓવરનાઇટ ટ્રેડમાં નીચા મથાળે સ્થિર થયાં હતાં.

એક્સચેન્જ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆ)એ મંગળવારે ફરીથી વેચવાલી કરી હતી અને ભારતીય શેરબજારમાં રૂ. ૧,૪૫૭.૯૬ કરોડના મૂલ્યની ઇક્વિટીઓ ઓફલોડ કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ)એ મંગળવારે રૂ. ૨,૨૫૨.૧૦ કરોડની ઇક્વિટી ખરીદી હતી. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૨૮ ટકા વધીને ૭૭.૪૨ ડોલર પ્રતિ બેરલ બોલાયું છે.
પાછલા સત્રમાં બીએસઇ સેન્સેક્સ ૩૭૮.૧૮ પોઈન્ટ અથવા ૦.૪૭ ટકા વધીને ૮૦,૮૦૨.૮૬ પર સેટલ થયો હતો. જ્યારે સતત ચોથા સત્રમાં વધીને, એનએસઇ નિફ્ટી ૧૨૬.૨૦ પોઈન્ટ અથવા ૦.૫૧ ટકા વધીને ૨૪,૬૯૮.૮૫ પર પહોંચી ગયો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button