![More than 200 companies will announce the results this week](/wp-content/uploads/2023/11/Stock-1.webp)
નિલેશ વાઘેલા
મુંબઇ: ભારતીય શેરબજારમાં વૈશ્ર્વિક બજારોના મિશ્ર સંકેત છતાં વધારો જોવા મળ્યો છે. સેન્સેક્સ ૪૯૦ પોઇન્ટ ઉછળીને ૭૧,૮૪૮ પોઇન્ટના સ્તરે પહોંચ્યો છે, જયારે નિફ્ટી ૧૪૧ પોઇન્ટ વધીને ૨૧,૬૫૬ની સપાટીએ પહોંચ્યો છે.
આ તરફ એશિયા-પેસિફિક ક્ષેત્રના શેરબજારોએ મિશ્ર ચિત્ર ઉપસાવ્યું હતું, એશિયા ડાઉમાં ૧.૭૨ ટકા અને જાપાનના નિક્કી ૨૨૫ બેન્ચમાર્કમાં બે ટકાનો કડાકો જોવા મળ્યો હતો જ્યારે, હોંગકોંગના હેંગસેંગ ઇન્ડેક્સમાં ૦.૮૫ ટકાની પીછેહઠ નોંધાઇ હતી. જોકે, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ૦.૧૭ ટકાથી થોડો ઊંચો હતો.
યુએસ ફેડરલ રિઝર્વની ડિસેમ્બર મોનેટરી પોલિસી મીટિંગની મિનિટ્સ પછી, રોકાણકારોની વ્યાજ દરમાં કાપની તેમની અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યા બાદ, ઓસ્ટ્રેલિયન બેન્ચમાર્ક ગુરૂવારે નીચા સ્તરે ગબડ્યો હતો, ખાસ કરીને ફાઇનાન્શિયલ અને માઇનીંગ સ્ટોક્સમાં નુકસાની થઇ હતી.
એસએન્ડપી, એએસએક્સ-૨૦૦ ઇન્ડેક્સ ૦.૪ ટકા ઘટીને ૭,૪૯૪.૧૦ પોઈન્ટ પર બંધ થયો હતો, જે ડિસેમ્બર ૧૯ પછીનું તેનું સૌથી નીચું કલોઝિંગ લેવલ છે. મંગળવારે રેકોર્ડ ઊંચા સ્તરની નિકટ પહોંચ્યા બાદ, બેન્ચમાર્ક ઇન્ડેક્સે અગાઉના બે સત્રમાં લગભગ બે ટકા ગુમાવ્યા છે અને ૨૦૨૩ના પાછલા બે મહિનામાં જામેલી તેજીનું જોમ પણ ગુમાવ્યું હતું.
જાપાનની વાત કરીએ તો ૨૦૨૪ના રોજ જાપાન બોન્ડ યીલ્ડમાં વધારો થયો છે. યુએસ ટ્રેઝરી યીલ્ડ સાથે, જાપાની સરકારી બોન્ડ (જેજીબી)ની ઉપજમાં ગુરૂવારે વધારો થયો હતા. તે જ સમયે, અપેક્ષાઓ કે જાપાનના પશ્ર્ચિમ કિનારે આવેલા વિનાશક ધરતીકંપને કારણે બેન્ક ઓફ જાપાન સ્ટ્મ્યિુલસ પેકેજ વહેલા સમેટી લે એવી સંભાવના ઘટી હોવાથી બોન્ડ યિલ્ડનો ઉછાળો મર્યાદિત બન્યો હતો.